• અંકલેશ્વરના સજોદ ગામના યુવા ખેડૂત

  • ઉચ્ચ પગારની નોકરી છોડી ખેતી અપનાવી

  • વિદેશી ફૂલોની કરી સફળ ખેતી

  • આર્થિક રીતે પગભર બની વગાડ્યો ડંકો

  • અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બન્યા

અંકલેશ્વરના સજોદ ગામના રહીશ અને પરંપરાગત ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિના પુત્રો કિરણ પ્રજાપતિ અને રિલેશ પ્રજાપતિ છેલ્લા ૧૨ વર્ષથી આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. બંને ભાઈઓએ ખેતીને વ્યવસાયિક દૃષ્ટિકોણથી અપનાવી ગ્રીન નેટ હાઉસ ઉભું કરીને વિદેશી ફૂલોની ખેતી શરૂ કરી છે.નેટ હાઉસમાં આધુનિક પદ્ધતિથી બંન્ને  ખેડૂત ભાઈઓએ પોતાના ખેતરમાં ગ્રીન નેટ હાઉસ તૈયાર કરી ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે.
બન્ને ભાઈઓ પુણેની નર્સરીમાંથી હોલેન્ડના ‘સ્ટેટસ’ કે જેને લીમોનિયમ નામથી ઓળખાય છે આ સ્ટેટસ  નામના ફૂલના લગભગ ૨૦૦૦ ટીસ્યુ કલ્ચર રોપા લાવી પ્રાયોગિક ધોરણે ખેતી શરૂ કરી હતી. આ ફૂલ ખાસ કરીને માંગલિક પ્રસંગો, લગ્ન સમારોહ, ફ્લાવર ડેકોરેશન અને બુકે બનાવવા માટે વધુ ઉપયોગમાં લેવાય છે.
સાથે બ્યુટીપાર્લરમાં પણ આ ફૂલ નો ઉપયોગ થઇ રહ્યો છે. હાલ લગ્ન સીઝનમાં આ ફૂલોની ભારે માંગ જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે.
સ્ટેટસ ફૂલનો પ્રતિ નંગ ભાવ રૂ.3 થી 5 રૂ.  સુધી મળે છે.વિદેશી સ્ટેટસ ફૂલ ઉપરાંત બંન્ને ખેડૂત ભાઈઓએ નેટ હાઉસમાં સાત અલગ અલગ રંગના જલબેરા ફૂલોની પણ સફળ ખેતી કરી છે. જલબેરા ફૂલનો ઉપયોગ પણ ડેકોરેશન અને બુકે માટે મોટા પ્રમાણમાં થાય છે. જલબેરા ફૂલનો પ્રતિ નંગ અંદાજે રૂ.3 થી ૧૦નો ભાવ મળતા ખેતી લાભદાયક બની છે.ઉત્પાદિત ફૂલોનું વેચાણ મુખ્યત્વે સુરત, વડોદરા અને મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં મોકલવામાં આવે છે, જ્યાં સતત માંગ રહેતી હોય છે.
રિલેશ પ્રજાતિએ MSC-ITનો અભ્યાસ કર્યો છે જ્યારે તેમના ભાઈ કિરણ પ્રજાપતિએ BE એન્જીનીયરીંગ સાથે MBA કર્યું છે ત્યારે ઉચ્ચ પગારની નોકરી છોડીને ખેતી ક્ષેત્રે સફળતા મેળવવી સરળ બાબત નથી, પરંતુ આધુનિક વિચારસરણી, ટેક્નોલોજીનો ઉપયોગ અને બજારની સમજણના કારણે કિરણ અને રિલેશ પ્રજાપતિએ ખેતીને નફાકારક વ્યવસાયમાં પરિવર્તિત કરી છે.