/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/9-1.jpg)
એની અને મો.ક.ગાંધીની બર્થ ડેઈટમાં એક દિવસનો ફેર. એ પતિવ્રતા કસ્તુરબા જેટલીજ. દર વર્ષે અમે રાતે બાર વાગે કેક લઈને એના ઘરે પહોંચી જતા. ધીંગામસ્તી કરતા અને જેવા બારના ટકોરા પડે કે 'હેપી બર્થ ડે ટુ યુ' કહી વિશ કરતા.
તે વર્ષે પણ અમે અગિયારને ચાલીશના એના ઘરે અડ્ડો જમાવીને બેઠા હતા. બારના ટકોરા પડ્યાને એનો મોબાઈલ રણક્યો. "હું આવું છું, એટલું સાંભળતા જ એણે અમને સૌને શાંત થવા કહ્યું." એ આવે છે કહી એ બેડરૂમ તરફ દોડી. મને નવાઈ લાગી "અમે તને બર્થડેની વીશ કરવા તલપાપડ છીએ અને એ વળી કોણ છે? જેના એકમાત્ર અવાજથી તું હાંફળીફાંફળી થઈ અમને સૌને પડતા મૂકી બેડરૂમ માં દોડી ગઈ."
થોડીવારમાં બેડરૂમ નો દરવાજો ખુલ્યો. જીન્સ પેન્ટ અને ટી શર્ટ બદલીને એ સાડીમાં સજજ હતી. છુટાવાળમાં બક્કલ લગાડેલું હતું. ગળામાં મંગળસૂત્ર કપાળમાં લાલ ચટ્ટક ચાંલ્લો, બારણું ખોલીનેએ ઓટલે ઊભી રહી. મોટરના બે હોર્ન વાગ્યા. મોટર બારણા પાસે ઊભી રહી. એણે હળવેથી મોટરનો દરવાજો ખોલ્યો. ખભાનો ટેકો આપી લથડિયા ખાતા પતિને એ બેડરૂમમાં લઈ ગઈ. મોટર ચાલી ગઈ. મારી બાજુમાં ઉભેલી એક ચીબાવલીએ મને કહ્યું," આ તો રોજનું છે." અમારા સૌની માફી માંગતા એણે ખેલદીલીપૂર્વક પૂછ્યું," કેક બેક લાવ્યા છો કે ? ચાલો ! કટીંગ કરીએ... હું મનોમન એની પરિસ્થિતીને સાનુકૂળ બનવાની આવડત પર ફિદા થઈ ગઈ. કેક કટીંગ પત્યું હાહા હીહી હોંહોં શાંત પડ્યા. ત્યાંજ બેડરૂમનું બારણું ખખડ્યું. એણે ખોલ્યું.
લાલધૂમ આંખો, નાઈટ ડ્રેસ પહેરીને એ અમારા સૌની વચ્ચે આવ્યો. એ કોઈની સાથે આંખમાં આંખ મિલાવી શકતો ન હતો. પણ ! એણે એને શોધી નાંખી મારે રતાળાની પુરી ખાવી છે, એટલું જ બોલી બેડરૂમ માં જતો રહ્યો.
પેલી રીતસરની કિચનમાં દોડી. ગેસ પર પેણી મૂકી એમાં તેલ નાખ્યું. ગેસ ચાલુ કર્યો. સ્ટોરરૂમમાંથી રતાળુ લઈ આવી. ચણાનો લોટ એક તપેલીમાં નાંખી, તેમાં પાણી રેડી,મીઠું નાખ્યું ખીરૂ તૈયાર કરવા માંડી. મસાલાના ડબ્બામાંથી મરી કાઢી, ખાંડણીમાં એણે વાટી ભૂકો કર્યો. જેવું તેલ ગરમ થયું કે સમારેલા રતાળાનો પૈતાં ખીરામાં બોળી તળાવા લાગી. એક,બે,ત્રણ....સાત આઠ રતાળાની પુરી થઈ તેને એક ડીશમાં મૂકી તેની પર મરી ભભરાવી બેડરૂમમાં આપવા દોડી રતાળાની પુરી બનાવવાની કોમ્પિટીશન થાય તો એનો પહેલો નંબર આવે.
ઘરે જતા જતા મેં એને ઓટલા પર એક બાજુ લઈ કહયું,"તું શું કરે છે? અડધી રાતે રતાળાની પુરી બનાવીને આપે છે,'ના ' પાડતા આવડતી નથી! એણે કહ્યું ,"હશે !એ ભૂખ્યો સુઈ જાય અને એ પણ મારી હયાતીમાં એ મને મંજુર નથી આજે રતાળાની પુરી ખાનાર હયાત નથી બનાવનારે એના ગયા પછી ક્યારેય રતાળાની પુરી બનાવી નથી.