/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/13212621/maxresdefault-168.jpg)
અમદાવાદ શહેરમાં આવેલ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 50 પોલીસ પરિવારને રાતોરાત મકાન ખાલી કરવાની નોટિસ ફટકરવામાં આવતા પોલીસકર્મીઓ માં રોષ ફેલાયો છે.
આંદોલનકારીઓના આંદોલન સમેટવા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કાબૂ કરવા પોલીસના જવાનો મહત્વનો ભાગ ભજવતા હોય છે. પરંતુ જો આજ પોલીસ કર્મચારીઓ આંદોલનના માર્ગે ઉતરે તો નવાઈ નહિ.
શહેરના કાગડાપીઠ પોલીસ મથકના પચાસ જેટલા પોલીસ જવાનોને સરકારી મકાન તાત્કાલિક ધોરણથી ખાલી કરવાની નોટિસ મળતા જ પોલીસ કર્મીઓમાં આક્રોશ ફેલાયો છે. એટલું જ નહીં પોલીસ મથકના પીઆઇ એમ.એમ. સિંઘ દ્વારા બળજબરી કરવામાં આવી રહી છે. મકાનો ખાલી નહિ કરો તો વીજ અને પાણી કનેક્શન કાપી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. પીઆઈ ના વલણથી પોલીસ પરિવારોમાં નારાજગી જોવા મળી હતી.
પોલીસ તરીકેની ફરજ બજાવતા નાના કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન ના આરોપો લગાવ્યા છે. નાના કર્મચારીઓ હોવાથી યુનિયન નહિ બનવા દેવાના તેમજ કોઈ વ્યક્તિ લડવા નીકળે તો ખોટા કેસ કરી દબાવવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. કર્મચારીઓ મકાન વિવાદને લઈને કમિશનર કચેરી પહોંચ્યા તો ત્યાં પણ ખોટી રીતે હેરાનગતી અને બે કલાક સુધી રાહ જોવડાવી કમિશનર ગાંધીનગર છે ના બહાના બનાવ્યા હોવાના આક્ષેપ કરી કમિશનર 10 મિનિટમાં જ કચેરીમાં પ્રવેશતા અનેક સવાલો ઊભા થયા છે. પોલીસ કર્મચારીઓ નું કહેવું જો પોલીસ પરિવારને બે કલાક સુધી બેસાડી રાખી આવો વ્યવહાર કરાય છે તો સામાન્ય જનતા સાથે શું નહિ કરતા હોય તેવા ગંભીર આક્ષેપ કરાયા હતા.