અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ૭૦મા વન મહોત્સવ કાર્યક્રમમાં સરોન્ડા ગ્રામ પંચાયતને રૂ.૬.૬૧ લાખનો ચેક કરાયો અર્પણ

New Update
અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ૭૦મા વન મહોત્સવ કાર્યક્રમમાં સરોન્ડા ગ્રામ પંચાયતને રૂ.૬.૬૧ લાખનો ચેક કરાયો અર્પણ

ગૌચર જમીનમાં વૃક્ષારોપાણ થકી ગ્રામ પંચાયતને મળી આવક

અમદાવાદ ખાતે યોજાયેલા ૭૦મા વન મહોત્સવ અવસરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પર્યાવરણની વૈશ્વિક સમસ્યાના ઉપાય અને ગ્રીન-ક્લીન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વૃક્ષ-વન ઉછેર સમયની માગ છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. તેમણે પર્યાવરણના જતન સંતુલન સાથે ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવવા એક વ્યક્તિ એક વૃક્ષનો સંકલ્પ સાકાર કરવા પણ આહ્વાન કર્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને હરિત ક્રાંતિમાં અગ્રેસર બનાવવા ગ્રીન કવર વધારવા માટે આ વર્ષે વન મહોત્સવ તહેત ૧૦ કરોડ વૃક્ષ વાવેતરનો લક્ષ્યાંક છે તેની ભૂમિકા આપી હતી. વૃક્ષો વાવવાનું જ નહીં તેનું જતન સંવર્ધન અને ઉછેર કરવા પણ જણાવ્યું હતુ.

જિલ્લા-તાલુકા અને ગ્રામ કક્ષાએ વૃક્ષ વાવેતર-ઉછેરની તંદુરસ્ત સ્પર્ધા થાય અને ગ્રીન કવર વધે તેવી હિમાયત પણ કરી હતી. આવું જ વાવેતર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોન્ડા ગામે કરી બતાવ્યું છે.

૭૦ મા વનમહોત્સવ અવસરે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોન્ડા ગ્રામ પંચાયતને સામાજિક વનીકરણ વિભાગની ગ્રામ વન યોજના હેઠળ રૂ.૬,૬૧,૫૭૧નો ચેક ગામના સરપંચ નરોત્તમભાઇ પટેલને મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવ્યો હતો. આ અવસરે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, વનમંત્રી ગણપતસિંહ વસાવા, રાજયકક્ષાના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણલાલ પાટકર ઉપસ્થિત રહયા હતા.

ઉલ્લેખનીય છે કે, સરોન્ડા ગ્રામ પંચાયત હસ્તકની ગૌચર જમીનમાં સામાજિક વનીકરણની ગ્રામ વન યોજના હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષો પુખ્તવયના થતાં તેની હરાજી કરવામાં આવી હતી. જેમાં ૭૫ ટકા લેખે સરોન્ડા ગામને રૂ.૬,૬૧,૫૭૧મળ્યા હતા. જયારે ૨૫ ટકા રકમ સામાજિક વનીકરણ વિભાગને મળી હતી. જે ફરીથી આ જગ્યાએ વૃક્ષારોપણ માટે ઉપયોગમાં લેવાશે.

Latest Stories