આખિર યે જિન્ના જિન્ના ક્યા હૈ?

New Update
આખિર યે જિન્ના જિન્ના ક્યા હૈ?

સતત એક ચર્ચા વર્ષોથી થતી હોય છે કે રામાયણ કે મહાભારત સત્ય ઘટના હતી કે માત્ર કવિની કલ્પના? સમજદાર વર્ગ માનતો હોય છે કે ધર્મ, ઇતિહાસ અને માન્યતાઓ અલગ-અલગ છે. આપણે મિક્સ કરી નાખીએ છીએ. આનું પરિણામ બંને પક્ષને નુક્શાન કરે છે. જે વર્ગ દરેક ધાર્મિક ઘટના કે કથાનક પાસે પુરાવા માગે છે. તે સામી વ્યક્તિની શ્રધ્ધા પર હુમલો કરતો હોય એવું લાગે છે. એક પરિવારમાં વડીલનું નિધન થયું, તેમના પુત્રએ ધાર્મિક વિધિ કરવાનો ઇન્કાર કર્યો. આ જોઇને તેમની માતાને ખૂબ આઘાત લાગ્યો હતો. પુત્ર તેની દલિલો કરે કે વિધિ કરતાં વધુ પૈસા ગામની સ્કૂલ માટે ડોનેશન કરીએ. સામા પક્ષે માતાની પતિ માટે લાગણી.....દરેક માન્યતાઓ પર પ્રશ્નાર્થ કરનાર તેના નિકટવર્તીથી જ દૂર થાય છે, તો દરેક ખરી-ખોટી માન્યતાઓને ઇશ્વરનો આદેશ સમજનાર અંધશ્રદ્ધા અને વહેમ પોષે છે એવું તેને મળ્યા વગર પણ માની શકાય છે. આ વાદ વિવાદ કદાચ હજારો વર્ષથી ચાલતો રહ્યો હશે.

ભારતની એક શ્રેષ્ઠ પરંપરા છે. જ્યાં અને જ્યારે વિવાદ થતો હોય તો વચલો રસ્તો કરવો, બંને પક્ષોને સાચવી લેવા. પેલા પરિવાર માં પણ એડજેસ્ટ થયું, એકજ દિવસમાં વિધિ પૂરી, વધેલા પૈસા સ્કૂલ ડોનેશનમાં આપવામાં આવ્યા. બંને પક્ષોને રાજી રાખવા એમાં તો આપણે જિંદગી પૂરી કરી નાખીએ છીએ. યુવાપેઢી કે કેટલાક વધુ પડતાં સ્પષ્ટ વક્તા જ્યારે ધાર્મિક માન્યતા નથી માનતા, તો તેમને નાસ્તિકતાના નામે પણ ઇશ્વર તરફ વાળ્યા છે. અહીં બધું સ્વિકાર્યું છે, તો અસ્વિકારને પણ આવકારીને માર્ગ કરવામાં આવ્યો છે. મહાભારતમાં આવતા પાત્રો પરની ઐતિહાસિક અને હયાતી અંગે શંકા કરવામાં આવે છે, તો મોટિવેશન સ્પિકર કે ધાર્મિક વક્તાઓ મજાનું નિરાકરણ લાવી દે છે. મહાભારતના પાત્રો હતા કે નહીં તેની ચર્ચા છોડો, આ તો આપણા મનના ભાવ છે. આપણાં જ મનમાં કૃષ્ણ કે અર્જુન રહે છે. ક્યારેક આપણા પર દુર્યોધન હાવી થાય છે કે આપણા પર યુધિષ્ઠિર... ક્યારેક મનમાં લોભનો ધૃતરાષ્ટ્ર રમતો હોય છે તો ક્યારેક આદર્શનો વિદૂર વસવા લાગે છે. પાંચ હજાર વર્ષ પહેલાં બનેલી ઘટનાના પૂરાવાઓ નથી, તો સમજાવવા અને પાત્રોને જીવંત રાખવા આપણે આસાનીથી મનના ભાવ સાથે પાત્રોમાં આપણને શોધીએ છીએ....

યસ, રામાયણ કે મહાભારતનાં પાત્રોમાં આપણે પોતાના નિર્ણયમાં કે આપણામાં આ પાત્રોને શોધીને હાશકારો મેળવીએ છીએ. કદાચ આવનારા બે પાંચ હજાર વર્ષ પછી ૧૯૪૭ના આઝાદીના જંગ અંગે શંકા વ્યક્ત કરવામાં આવે, તો આ જ સમજદાર વર્ગ કહેશે કે, વાંધો નહીં. આ લોકો પેદા થયા હતા કે નહીં તેની ચર્ચા ન કરશો. આ તો આપણા મનના ભાવો છે. તમે ક્યારેય ગાંધી બનો છો, તો ક્યારેક સરદાર કે નેહરુ. તમારામાં ક્યારેક બોઝ જન્મે છે તો ક્યારેક જિન્ના...આ તો આપણા મનના ભાવ છે. આ જન્મ્યા હતા કે નહીં તે અગત્યનું નથી. આપણે ક્યારેક આદર્શવાદી ગાંધી બનીએ છીએ, તો ક્યારેક વ્યવહારૂ અને સમજદાર સરદાર, ક્યારેક સ્વપ્નદ્રષ્ટા નેહરુ તો ક્યારેક નિયમો બનાવનાર આંબેડકર.... ક્યારેક બનેલું તોડફોડ કરનાર અતિબુદ્ધિવાદી જિન્ના....

આ બધાં ઉલ્લેખાયેલા અને નહીં ઉલ્લેખ કરવામાં આવેલા હજારો ચેહરા અક્સ ફિલ્મની જેમ આપણાં મન અને દિમાગમાં રમતાં હોય છે. કૃષ્ણથી ગાંધી હોય કે કર્ણથી જિન્ના ....આ કોણ હતા?... આ તો આપણે જ છીએ. આપણા મનના ભાવ છે. જે કંપની કે સાથી પસંદ હોય તેની સાથે કામ કરતાં હોઇએ તો બધું ઓકે, પણ જરા મનદુઃખ થયું, કંપનીનાં ઉપરીનો ગંભીર ઠપકો મળે એટલે દુશ્મન. ગમતા વ્યક્તિ કે કંપનીને નુકસાન કરવા પણ તૈયાર...આ જ કદાચ જિન્નાની વાત છે....

આ દેશ ઘણી વિચિત્રતામાંથી પસાર થયો છે. સાવરકર પ્રારંભમાં લગભગ નાસ્તિક હતાં, તો જિન્ના મુસ્લિમ રીતરિવાજથી જોજનો દૂર હતાં. મહાત્મા ગાંધી પહેલેથી ધાર્મિક હતાં. રઘુપતિ રાઘવ રાજારામમાં ઇશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે ભગવાનના પ્રણેતા હતા. સમગ્ર જીવનમાં પ્રાર્થના, ભજન અને ઇશ્વર પ્રેરણા હતાં, સામા પક્ષે જિન્ના અને સાવરકર ધર્મથી દૂર હતાં. જીવનના અંતિમ વર્ષોમાં શું થયું?... સાવરકર હિન્દુ સમ્રાટ અને જિન્ના મુસ્લિમ ધર્મ વિશેષ સાથે નવા રાષ્ટ્રના સર્જક બન્યા. જે માણસ પ્રાર્થના સાથે જીવતો રહ્યો તેને બંને ધર્મના લોકોનો ગુસ્સો સહેવો પડ્યો. આ જ રીતે ગાંધીએ ભારત વિભાજન રોકવા માટે પ્રયત્નો કર્યા હતાં, છતાં સૌથી મોટો ગુનેગાર ગણવામાં આવે છે. એકવાર અંગ્રેજ જાય પછી રજવાડા અને મુસ્લિમોને યોગ્ય રીતે ન્યાય આપવાનો નિર્ણય લેવા માટે ગાંધીએ જિન્નાને ઓફર આપી હતી. જિન્ના માનતા હતાં કે અંગ્રેજ જાય પછી તો ગૃહયુદ્ધ જેવું કરવું પડે. જે લેવાનું છે તે આઝાદીના પહેલાં જ લેવું પડે. ભવિષ્યમાં આ ઉદાહરણ પણ મનના ભાવ અને લાગણી સાથે જોડવામાં આવશે. આઝાદીનું આંદોલન અને સ્વરાજ વિષે સંશય કે શંકા હોય તો અનેક પરિસ્થિતિમાં આપણા વિચારોને જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણા મનમાં ક્યારેક ગાંધી છે, તો ક્યારેક જિન્ના છે. આ બધાં માણસો જ હતાં. આ વાત લખીને કોઈ વિવાદ નથી કરવો, પણ માનવમનને સમજવા માટે પ્રયત્ન જ કરવો છે. આપણા ઐતિહાસિક તથ્યો અને સમજ ખોટી પણ હોઈ શકે. આપણે ક્યાં ૧૯૧૫નો ગાળો જોયો છે? દરેક વ્યક્તિએ પોતાના એંગલથી જોયો હોય, દરેકને સત્ય પોતાની સાથે જ છે એવો ભ્રમ હોઇ શકે છે. મને પણ હોય, તમને પણ હોય... મારું સત્ય, તમારું સત્ય અને સત્યનું પોતાનું સત્ય.... બધાં સત્ય અલગ છે. હા, આપણા જીવનમાં સર્જાતી પરિસ્થિતિ અને તે માટે લીધેલા નિર્ણયોનું વિશ્લેષણ કરીશું તો આ તમામ કેરેક્ટર્સ અને સત્ય આપણી ભિતર છૂપાયેલા છે. આ કેરેક્ટર્સની કહાની નવલકથાની જેમ વાંચવી નથી. જિન્ના કે ગાંધી પર લખાયું ખૂબ છે. એને આપણા જીવન સાથે, આપણા નિર્ણય સાથે સમજવા માટે પ્રયત્નો કરીએ. શું કહો છો?

એની વે, અવર ટોપિક ઇઝ... જિન્ના બિફોર ગાંધી.....થોડી રાહ જૂઓ.... આવતા અંકમાં, મહાભારતથી મહાન ભારતની યાત્રા....

Deval ShastriBlog by : Deval Shastri

Latest Stories