/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/08130416/maxresdefault-86.jpg)
આણંદ જિલ્લાને અસ્તિત્વમાં આવ્યાને 22 વર્ષનો સમય પસાર થઇ ગયો છે. 22 વર્ષમાં મોટા ભાગની સરકારી કચેરીઓ કાર્યરત થઇ ગઈ હોવા છતાં પછી પણ જીલ્લા કક્ષાની સિવીલ હોસ્પિટલ આણંદ જીલ્લામાં અસ્તિત્વમાં આવી નથી.
આણંદ જીલ્લામાં જમીન પસંદગીને લઈને 22 વર્ષ પછી પણ સિવીલ હોસ્પિટલ અસ્તિત્વમાં આવી નથી, જેથી રાજ્ય સરકાર દ્વારા 5 મેં 2017ના રોજ આણંદ શહેરમાં આવેલ નગરપાલિકા હોસ્પિટલ આરોગ્ય વિભાગ હસ્તક લઇ આ હોસ્પિટલને મીની સિવીલ હોસ્પીટલનો દરજ્જો આપી કાર્યરત તો કરી દેવામાં આવી છે, અઢી વર્ષ પછી પણ હોસ્પિટલમાં સારવાર કરનાર ડોક્ટરોની જગ્યાઓ ભરાઈ નથી. જેને કારણે મોટા ભાગે દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં જઈ રહ્યા છે.
આણંદ જનરલ હોસ્પીટલમાં એવું નથી કે માત્ર ડોકટરોની અછત હોય, હોસ્પિટલમાં આમ તો સ્ટાફ નર્સ દરેક વિભાગમાં જોવા મળે છે, પરંતુ જ્યારે દર્દીના ડ્રેસિંગની વાત આવે ત્યારે આ કામકાજ સંભાળે છે, હોસ્પીટલના સ્વીપર.
કોઈ પણ હોસ્પીટલમાં મેડીકલ વેસ્ટનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ થાય તેની યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવતી હોય છે, પરંતુ આણંદની જનરલ હોસ્પીટલમાં આ બાબતે પણ બેદરકારીના પુરાવા જોવા મળ્યા. સારવાર દરમિયાન વપરાતા નીડલ અને ઇન્જેકશનો હોસ્પિટલ કેમ્પસમાં જ જોવા મળ્યા.
સરકાર દ્વારા સંચાલિત આ હોસ્પીટલમાં હડકવાની રશીના જથ્થાનો પુરવઠો જ નથી. જેથી કોઈ પણ દર્દીને જો કુતરું કરડ્યું હોય અને આ હોસ્પીટલમાં સારવાર લેવા આવે તો ન છૂટકે દર્દીએ બહારથી વેચાતા ઇન્જેક્શન લાવવાની ફરજ પડે છે. આ મામલે પણ હોસ્પીટલના અધિકારીએ પોતાનો બચાવ કરી નવા જથ્થાની જાણ ગાંધીનગર કરી છે અને થોડા સમયમાં જ ઇન્જેક્શન આવી જશે તેવી વાત કરી મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો.