/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/84ee1cf3-6e45-4573-a077-8a352ec2d586.jpg)
જે વ્યક્તિઓ ટી.વી. જોતી વખતે રિમોટ હાથમાં રાખે છે, દર ૩૦-૪૦ સેકંડે ચેનલ બદલ્યા કરે છે, એ જ વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન છે. એમાં વોટસ એપ, ફેસબુક, ટ્વીટર, મેસેજીસ જોતી વખતે પણ એમના ટેરવાની ચળ ઓછી થતી નથી. સ્માર્ટ ફોનના સ્ક્રીન પર જે લખાણ, તસવીર આવી હોય એની પર ઉડતી નજર કરે, રીડ મોર આવે કે ડિલીટ કરે. વિડીયો ઓપન કરે રાષ્ટ્રગાન “ જન ગણ મન ” ક્રિયેટીવ તસવીરોમાં જુએ એટલે પંજાબ, સિંધ, ગુજરાત મરાઠા બસ થાંભા, રૂક જાવ, સ્ટોપ બીજો વિડીયો જુએ.
આ વ્યક્તિઓની સંવેદના અને મૌલિકતાને ઉધઈ લાગેલી છે. મનથી ખોખલા થઈ રહ્યા છે. એકની એક વાતનું રટણ કરવાની ટેવ હવે આદત બની ચૂકી છે. દરેક વાતમાં પ્રસ્તાવના કહેવી એમાં કેટલાક નામનો ઉલ્લેખ કરવો જેથી વાતના અંતે હું આમાં દોષી નથી એવો લુલો બચાવ એમને માનસિક સંતાપ માંથી છુટકારો આપે છે. ગેરવ્યાજબી ચિંતા કરવી એમનો સ્વભાવ બની ચૂક્યો છે, સાથે ઉંમરને જોડીને હવે તો આવું જ રહેશે, સુધરવું હોય તો તમે સુધરો આવા બંડ પોકારે છે.
આ વ્યક્તિઓએ ભૂતકાળમાં ડોકિયું કરવાની તાતિ જરૂર છે. એ તમે જ છો જે કોઈ સંસ્થાના પ્રમુખ હતા, સરકારી, અર્ધ-સરકારી કચેરીમાં તમારો રૂઆબ હતો. જમાના સાથે દોડતા અને એકાએક હવે હાંફી જાવ એ તે કેમ ચાલે ? તમારો પરિવાર, મિત્રો તમારી લક્ષ્મણરેખા જાણે છે એટલે તમને છોડીને ચાલ્યા જવાના નથી, બલ્કે તમને સાચવશે જ, રાજી રાખવાના સઘળા પ્રયત્નો કરે છે. ક્યારેક કુટુંબનું એકાદ સભ્યનું વર્તન તમને ન ગમે કે, મિત્ર દૂર થતો લાગે, તમારી વાત સાથે અસંમત થાય ત્યારે જાત સાથે મંથન કરો. ભારેખમ વાતને હસીને હળવી બનાવી દો, મહામૂલી જિંદગીમાં પરમઆનંદ પામો. નજીકના પુસ્તકાલયમાં આંટો મારો એકાદ પુસ્તક તમને હળવા ફૂલ બનાવી દેશે, શુભસ્થ શીઘ્રમ.