“ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો”

“ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો”
New Update

વર્ષ 1893માં અમેરિકામાં યોજાયેલી ધર્મ પરિષદમાં “ભાઇઓ અને બહેનો”નું સંબોધન કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચનાર સ્વામી વિવેકાનંદની આજે પુણ્યતિથિ છે. તેઓ 4 જુલાઇ 1902ના રોજ નિધન પામ્યા હતા.

સ્વામી વિવેકાનંદનો જન્મ બંગાળમાં નરેન્દ્રનાથ દત્ત તરીકે કલકત્તામાં કાયસ્થ પરિવારમાં થયો હતો. નરેન્દ્ર નાનપણથી જ ભણવામાં તેજસ્વી હતા. પ્રેસિડન્સી કોલેજની પ્રવેશ પરિક્ષામાં ફર્સ્ટ ડિવિઝન સાથે પાસ થનાર તેઓ એકમાત્ર વિદ્યાર્થી હતા. તેમને વાંચવાનો ખૂબ જ શોખ હતો. ફિલોસોફી, ધર્મ, ઇતિહાસ, સામાજીક વિજ્ઞાન, ઇતિહાસ અને સાહિત્ય જેવા વિષયો તેમના પ્રિય હતા.

1884માં નરેન્દ્રનાથના પિતાના અવસાન બાદ તેઓ રામક્રિષ્ન પરમહંસના સંપર્કમાં આવ્યા હતા અને તેમને ગુરૂ બનાવ્યા હતા. ત્યારબાદ તેમને સ્વામી વિવેકાનંદ નામ મળ્યું અને તેમની ભારત ભ્રમણની યાત્રાનો પ્રારંભ થયો.

સ્વામી વિવેકાનંદે હંમેશા સ્ત્રીઓની ઉન્નતિ અને શિક્ષણ પર ભાર મૂક્યો હતો. સ્વામી વિવેકાનંદના સ્ત્રીઓ વિશેના કેટલાક વિચારો અહી રજૂ કર્યા છે.

  • વિવેકાનંદના મતે કોઇપણ દેશ સ્ત્રીઓનું યોગ્ય સન્માન કરીને જ મહાન બની શકે છે.
  • આદર્શ નારીત્વનો વિચાર પૂર્ણ સ્વાતંત્રતા વિના અધૂરો છે.
  • જ્યાં સુધી સ્ત્રીઓની સ્થિતીમાં સુધાર નહી આવે ત્યાં સુધી જગતનું કલ્યાણ શક્ય નથી.
  • સ્વામી વિવેકાનંદના મતે વિધવાઓને તેમની સમસ્યાઓનું સમાધાન કરવા માટે પૂરતી સક્ષમ બનાવવી જોઇએ. અન્ય કોઇએ તેમની સમસ્યાઓને નિવારવાની જરૂર નથી.

માત્ર વિધવા કે સ્ત્રીઓ જ નહી સ્વામી વિવેકાનંદ દરેક વ્યક્તિને પોતાની સમસ્યાઓનું નિવારણ જાતે શોધવા માટે પ્રોત્સાહિત કરતા હતા.

સ્વામીજી જ્યારે હિમાલયની લાંબી યાત્રા પર હતા ત્યારે ખૂબ જ થાકી ગયેલો એક વૃદ્ધ માણસ ઉંચા ઢાળવાળા રસ્તા સામે આવીને ઉભો રહ્યો અને નિરાશા થઇને સ્વામી વિવેકાનંદને પૂછ્યું કે આ ઢાળ કેવી રીતે પાર કરું હવે મારામાં એટલી તાકાત રહી નથી. સ્વામી વિવેકાનંદે શાંતિથી તેની વાત સાંભળીને જવાબ આપ્યો કે તમે અત્યાર સુધી જે રસ્તો પસાર કરીને આવ્યા છો તે તમારા પગ તળે હતો. આ રસ્તો પણ તમારા પગ તળે આવતા જ પાર થઇ જશે. આ સાંભળીને વૃદ્ધને ઉત્સાહ ચઢ્યો અને તેઓ રસ્તો પાર કરી ગયા.

ભારતની ફિલોસોફીને તેમણે વિશ્વમાં પહોંચાડીને તેને મહત્વ અપાવ્યું હતું. એક પ્રખર વક્તા, ફિલોસોફર અને શ્રેષ્ઠ ધર્મગુરૂ તરીકે તેઓ હંમેશા દેશના લોકોના દિલોમાં બિરાજમાન રહેશે.

#લેખ
Here are a few more articles:
Read the Next Article