/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/599e25c7-489c-4abc-a83b-cf085b05bafd.jpg)
સંવત ૨૦૭૪ ચૈત્ર વદ સોમવારી અમાસને દિવસે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂરી થઈ.
છેલ્લા ત્રણ વર્ષથી આ પરિક્રમા કરું છું. આ જ વખતે ડો.દીપક અદ્રોજાને તારીખ ૧૪મી એપ્રિલે રજા હોવાથી શુક્રવારે બપોરે ૩ કલાકે મોટર માર્ગે રામપરાની વાટ પકડી. નવી ઓળખાણ, નવો પરિચય, જૂની ઓળખાણ તાજી થઈ. ‘મારી નર્મદા પરિક્રમા’ પુસ્તિકાના લેખિકા દર્શના કમલેશ વડોદરિયા, તેજલ ઠક્કર, દીપા પાંડે, હેતલ પાટડિયા વડોદરાથી આવ્યા, ભરૂચના નગીના કાર ઈન્ટીરીયરના મુકેશ-મીના ‘નાની-મોટી પનોતી’ ખાતે મળ્યા. સાંજે ૬:૪૫ કલાકે રામપરા, યોગાનંદ આશ્રમ પહોંચ્યા. દીપકભાઈએ નાનુભાઈ શુક્લની સાથે પરિચય કરાવ્યો. તેઓ પરિક્રમામાં સેવા આપવા આવ્યા હતા, નાનુભાઈ સિનેજગતનો ખજાનો. હીંચકે ઝૂલતા એ બોલ્યા વી.એમ. વ્યાસના ભાણા થાય. ‘રામરાજ્ય’ ફિલ્મના દિગ્દર્શક, ‘વિદ્યાપતિ’ ફિલ્મના દિગ્દર્શક વળી ખુલાસો કરતા કહે ‘ડો. વિદ્યા’ ફિલ્મ હતી, મનોજકુમાર, વૈજંતિમાલા અને હેલન. વિષ્ણુમુવીટોન સનરાઈઝસનાં નામે ફિલ્મ બનતી. વી.એમ.વ્યાસ, શોકત હુસેનના અંગત મિત્ર પાકિસ્તાન ગયેલા, નૂરજહાં સાથેના શોકત હુસેનના શાદી કરારમાં એમના હસ્તાક્ષર હતા. આટલી રસપ્રદ માહિતીપ્રધાન વાત થતી હતી ત્યાં નાદ સંભળાયો ‘નર્મદે હર’ અને આશ્રમમાં પ્રવેશ્યા નર્મદાપુત્ર સાંવરિયા મહારાજ જેમની સાથે મારો અને જીગર (પુત્ર) નો ચોક્કસ ઋણાનું બંધ છે. એમની સાથે શ્રી જે.પી.કોલેજના આચાર્ય શ્રી નીતિનભાઈ પટેલ પરિવાર હતો. તેઓ સાંજે સાડાત્રણ વાગે મોટર માર્ગે પરિક્રમા કરી પરત ફરેલા.
જમવાનું શરૂ થયું છોલે ભટુરે, કેસર, એલચી, ચારોળીનું દૂધ થાળીમાં લઈ હીંચકાની ફરતે ગોઠવાયા એક કોળિયો ભર્યો અને મનમાં થયું ક્યાંકથી અથાણું મળે તો ટેસ પડે, અને મીનાબહેન અગ્રવાલે એક થેલો, ત્રણ ચાર ડબ્બા સાથે એન્ટ્રી પાડી, ભીંડાનું રાજસ્થાની શાક જેની રેસિપી અમારી સાથેની બધી માતાઓએ પૂછી. પછી એક પ્લાસ્ટિકની કોથળી કાઢી, એમાં ચમચી લાલ ચટ્ટક કેરીનું અથાણું મેં સૌને કહ્યું આ ભૂમિમાં એવું સત્ય છે કે મનમાં વિચાર કરો, વિચાર આકાર પામી સાકાર થાય જ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/04/d00846bf-417a-4d8c-b04f-a54260973f92-576x1024.jpg)
અમને ફાળવેલો રૂમ ખોલ્યો, સામાન ગોઠવ્યો, પંખા ત્રણ, બધા ચાલુ, ગરમ પવન પથારી પર પડે, કુકરમાં બટાકા બફાય એમ બફાયા. દીપકભાઈ અને મુકેશભાઈએ તો પથારી ઊંચકી બહાર ઓટલા પર લંબાવ્યું. હું પણ પરસેવે રેબઝેબ ઓટલે જઈ પથારી પાસે બેઠો. થોડીવાર થઈ બે માતાઓ આવી અમે ગપ્પે ચઢ્યા. બીજી બે માતા અંદર પલંગ પર વાતે વળગી હતી, મેં જઈને એમને પૂછ્યું, “તમારે પેટ પકડીને હસવું છે ?”, તો ચાલો ઓટલે, દીપકભાઈ લગ્નના દસ વર્ષ પછી મયૂરીભાભી જોડે મસૂરી ગયા, પહેલા જ દિવસે હોટલમાં ગોઠવાઈને જેવા બહાર નિકળ્યા કે મયૂરીબહેનો પગ મચકોડાયો ને ત્રણ ફેક્ચર, હિન્દી ફિલ્મનો હિરો ઊંચકે એમ એમને લઈને દવાખાને પહોંચ્યા. એમણે પ્રાથમિક તપાસ બાદ કહ્યું પહેલી ગાડીમાં અમદાવાદ જાવ, સર્જરી કરવી પડશે નહિંતર જીવનભરની ખોડ આવશે. અમદાવાદ દીપકભાઈનાં ૧૦ દિવસ સેવામાં ગયા. મસૂરી ટાઈટાઈ ફીસ થઈ ગયું. રાત્રે ૨:૨૦ કલાકે સૂતા. ૩ વાગે વાસણ ખખડવાનો, પાણી ભરવાના અવાજે લગભગ બધા જ ઉઠી ગયા, નિત્યક્રમ પતાવી ચારનાં ટકોરે યોગાનંદ આશ્રમ નર્મદાપુત્ર સાંવરિયા મહારજના ‘નર્મદે હર’ જયઘોષ સાથે પ્રયાણ કર્યું, મોબાઈલની બેટરીના પ્રકાશે, થેલો ખભે ભરાવી ચાલવા માંડયા સામેથી જે આવે તે નર્મદે હર કહે, એક પછી એક નર્મદા કાંઠાના મંદિરો તેનું મહાત્મ્ય જાણતા સૂર્યોદયના દર્શન કરી તિલકવાડા પહોંચ્યા. ત્યાંથી નાવડીમાં બેસી નદી પાર કરી, થોડે દૂર સ્નાન કરવાની મઝા માણી. પાણીમાં માછલા શરીર પર કૂદકો મારી ભાગે. ફરી પરિક્રમા શરૂ મણિનાગેશ્વરમાં ધરમદાસજી સાહેબના આશ્રમે એમાં કેળાના થડના રેસા માંથી બનતી વસ્તુઓ જોઈ, દોરડા, ડેકોરેટીવ ઉપયોગી દીવડા, મેટ, પર્સ, કાગળ, ચકલીઘર. એક સન્યાસી કેટલું સર્જનાત્મક તેમજ બેરોજગારી મળી શકે એવા ઉદ્યોગ માટે પ્રયોગશીલ કામ કરી શકે. સાચે જ સંન્યાસી ધરમદાસજી ધરતીપુત્રોના તારણહાર છે.
જે વસ્તુઓ પરદેશમાં ચાર કે પાંચ આંકડાની મળે, સાહેબજી કહે એ આપણને ત્રણ આંકડામાં પડે. ગૂગલ પર સર્ચ કરી એમણે ખૂબ રીસર્ચ કર્યું છે પ્રસિદ્ધીની જરા પણ ભૂખ નહિ. હું ક્યાંય જતો નથી એક વર્ષ છું પછી આ બધું NGOને સોંપીને ચાલ્યો જઈશ. મેં પૂછ્યું ક્યાં ? એ કહે, “દેવાધિદેવ મહાદેવદાદાનો આદેશ મળશે ત્યાં”. ત્યાંથી પરિક્રમા પુન: શરૂ કરી, ચાલ્યા, ખૂબ ચાલ્યા, હોડી દેખાય એની સૌને તાલાવેલી અને આખરે સામે કિનારે જવાના મથક પર આવ્યા. નાવડીમાં બેઠા, ત્યાં પગથિયે નવસારીથી પ્રવાસમાં આવેલી દસ-બાર વર્ષની દીકરીઓ મળી જેને રાતે મેં ‘રેવા’ ફિલ્મ વિશે અને દીપકભાઈએ પરિક્રમા એટલે શું ?, શું કામ કરવાની વાતો કરી હતી. રણછોડરાય મંદિરમાં દર્શન કરી આશ્રમ આવ્યા. ત્યાં ભીંડાને પરવળનું શાક, દૂધપાક, દાળ-ભાત આરોગી બપોરે અઢીવાગે ભરૂચ આવવા નીકળ્યા. પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયાએ ફોન કરી પૂછ્યું, “કેવી રહી પરિક્રમા, મેં કહ્યું આપ મોટરમાર્ગે જવાના છો નર્મદાપુત્ર સાંવરિયા મહારાજ અને યોગાનંદ આશ્રમના ટ્રસ્ટીગણ, વ્યવસ્થાપક હસમુખભાઈ મૈસુરિયા એટલા પ્રેમથી આવકારે છે કે ફરિયાદ શબ્દ ડિક્ષનરી માંથી બાષ્પીભવન થઈ જશે.”
પરિક્રમા : < સવારે ૪ કલાકે યોગાનંદ આશ્રમ – ધનેશ્વર માંગરોલ કામનાથ અને કાશી વિશ્વનાથ મહાદેવ – રામાનંદ આશ્રમ – ગોપાલેશ્વર મહાદેવ – રામનંદી આશ્રમ – સીતારામ આશ્રમ – સીતાવાડી – નદી કિનારે નાવડીમાં બેસીને તિલકવાડા – મણિનાગેશ્વર મૌનીબાબા આશ્રમ – નદી કિનારે – વાસન –રીંગણ –કીડી મકોડીઘાટ પર જવા નદી કિનારે – રણછોડરાયજીનું મંદિર – પુન: યોગાનંદ આશ્રમ >