/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/84ee1cf3-6e45-4573-a077-8a352ec2d586.jpg)
નવા સત્રનું શૈક્ષણિક કાર્ય ગણત્રીના દિવસોમાં શરુ થશે. એ પહેલા શિક્ષકગણના તાલીમ વર્ગો શરુ થશે. નવા શિક્ષકોનો પરિચય, કાર્યશીલ શિક્ષકો પુનઃ નવા જોમ સાથે વર્ગખંડમાં જવા તત્પર અને રીઢા, ગાંગડુ બોરના ઠળિયા, થોર, બાવળિયા શિક્ષકો વરસો ગણશે કે નિવૃત્તિ આ વર્ષે કે આવતા એક, બે વર્ષમાં એટલે હવે બહુ થયું. મેનેજમેન્ટ તાયફા કર્યા કરે આપણે તો જૈસે થે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/06/1edaa1c8-1213-409b-a0d6-75617b05e453-1024x576.jpg)
પ્લે ગ્રૂપ અને નર્સરીમાં જેમના સંતાનો, પહેલીવાર ઘરથી સ્કૂલે જવાના શ્રી ગણેશ કરશે બરાબર દસમા, બારમામાં પાસ થયેલા વિદ્યાર્થીઓના મા-બાપની ચિંતા. કારકિર્દી યક્ષપ્રશ્ન. જેમના સંતાનો કોલેજના પગથિયા પહેલીવાર ચઢવાના એમને પણ એ જ ચિંતા. ગામ કે શહેરમાં પ્રવેશ મળ્યો છે એને નહિવત પણ ચિંતા તો ખરી જ ! બહારગામ જનારા માટે હોસ્ટેલ, મેસમાં જમવાનું મળશે કે નહિ, પેઈંગ ગેસ્ટમાં રહેવું, ટીફિન ખોલી જમવાનું, રાતે ભૂખ લાગે તો દીકરો શું કરશે? ઘરથી ડબ્બામાં નાસ્તા આપવાના, મોકલવાના કેટ કેટલી તૈયારી મહિલાવર્ગને શિરે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/06/unnamed-3-1024x768.jpg)
હવામાન ખાતાની આગાહી રોજ નવી વાત કરે, વરસાદ બે ત્રણ દિવસમાં આવશે. લખાશે, દેશના અન્ય રાજ્યોમાં ઝાપટાં પડી ગયાના અખબાર અને ટી.વી. ન્યુઝ ચેનલોમાં સમાચાર. કોઈ જ ગણત્રી સાચી પડતી નથી. છપ્પનની છાતીના વડાપ્રધાનના દેશમાં. શૈક્ષણિક વર્ષ ચોમાસાને બદલે બીજી કોઈ ઋતુમાં શરુ કરી શકાય એવું શિક્ષણખાતુ ક્યારે વિચારશે ?
વેકેશન પડતાની સાથે જ જેઓ હિલ સ્ટેશન પર ગયા, ટૂરમાં ગયા કે વ્યક્તિગત એમના અનુભવો સાંભળવા જેવાં. કેટલાક રહી રહીને વેકેશનના છેલ્લા પખવાડીયામાં કે સપ્તાહમાં ગયા. એ આવે એટલે એમના અનુભવો. ખાસ કરીને ડોમેસ્ટીક એરલાઈન્સમાં જનારા. રેલવેમાં થર્ડ ક્લાસ હવે આવતો નથી. એવા વિમાનો જે માત્ર એક જગ્યાએથી ઊડી ડેસ્ટીનેશન પર પહોંચે. પહેલીવાર પ્લેનમાં બેસનારા માટે રોમાંચ. વારંવાર બેસનારા વિદેશી એરલાઈન્સની સુખ,સુવિધા,સાહેબીની વાત કરે ત્યારે મ્હોં ફાટે. વેકેશન એટલે વેકેશન. બાળકોને રમવા દો ! નો એક્સ્ટ્રા કેરીક્યુલાર એક્ટિવીટી. એમને એમની રીતે ફરવા દો, મનપસંદ રમતો રમવા દો. રાતે અગિયાર, બાર સુધી સોસાયટીના કોમન પ્લોટ પર મિત્રવર્તુળ સાથે ગપસપ કરવા દો. બાહુબલી-૨ ધ કનક્લુઝન, હિન્દી મિડિયમ, કરસનદાસ પે એન્ડ યુઝ ફિલ્મો જોઈ એની વાતો, દ્રશ્યો, વાગોળવા દો. આવું જે વાલીઓએ કર્યું એમને સલામ !
શિક્ષકો બે હાથ જોડીને વિનંતી કરું કે ‘હિન્દી મિડિયમ’ ફિલ્મ ના જોઈ હોય તો વહેલીતકે જોઈ આવો. તમારી એટીટ્યુડ, ભણાવવાની કૌશલ્યતામાં તલભારનો પણ ફેર પડશે એ શિક્ષણ જગત માટે આશીર્વાદરૂપ બનશે. માં સરસ્વતીના ચરણોમાં સાષ્ટાંગ વંદન સાથે વર્ષ ૨૦૧૭-૧૮ નું શૈક્ષણિક વર્ષ ગરવી ગુજરાતના શિક્ષણમાં બાઝેલા લૂણાને સ્વચ્છ બનાવે. ફી વધારાનો વિરોધ આક્રોશ બનીને ભભૂકી ન ઉઠે. ઓમ શાંતિ શાંતિ શારદા વંદે !