'ઉપરા' નીજ જીવનનું સત્ય 

New Update
'ઉપરા' નીજ જીવનનું સત્ય 

રોટરી ક્લબ ઓફ ભરૂચની પાર્ટનર ઈન સર્વિસ આર.સી.સી.ભરૂચ તેના સ્થાપનાકાળ થી 'બીલીપત્ર' પુસ્તક પરિચય કાર્યક્રમ યોજે છે. ડો.નરોત્તમ વાળંદ 'બીલીપત્ર' ના પ્રોજેક્ટ ચેરમેન એ પછી દીપક અને મયુરી અદ્રોજા દંપતિએ બીબીપત્રના વક્તા શોધવાની જવાબદારી સ્વીકારી.

જુલાઈ થી જુન સુધીમાં ત્રણ પુસ્તકો, શક્ય હોય ત્યાં સુધી જુદી જુદી ભાષાના જેથી પુસ્તકપ્રેમી ઓ ને માતૃભાષા સિવાયની ભાષાના પુસ્તકોની ઝાંખી થાય. બ્લોગ થી આટલી પ્રસ્તાવના એટલા માટે કે બીલીપત્ર - 3માં મનુબરના વલી ચેરીટેબલ ટ્રસ્ટ વી.સી.ટી.મહિલા આર્ટસ & કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડો.અર્જુનસિંહ ગઢવીએ મંગળવાર, તા.20મી જુનની સંધ્યાએ પધારી મરાઠી ભાષાના 'ઉપરા' પુસ્તક પર અણિશુધ્ધ પ્રેઝનટેશન આપ્યુ. લેખક શ્રી લક્ષ્મણ માને (ઉ.વ.32) 1998માં લખવાનું શરુ કર્યું વર્ષ 2003માં 'ઉપરા' આત્મકથા પ્રસિધ્ધ કરી. સાહિત્ય અકાદમી અને જ્ઞાનપીઠ એવોર્ડ થી 'ઉપરા' સન્માનિત થયુ.માત્ર 32 વર્ષનો સર્જક સાહિત્યના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત થાય એટલે પુસ્તકપ્રેમીને પહેલો વિચાર આવે 'ઉપરા' માં એવું તે શું સર્જકે લખ્યું હશે ?

publive-image

લેખક શ્રી લક્ષ્મણ માને 'ઉપરા'નો ગુજરાતી અર્થ પરાયા, પારકા, પારકાપણાનો ભાવ લેખકે જન્મથી માંડીને એ 22 વર્ષના થયા, લગ્ન કર્યા ત્યાં સુધીની આત્મકથા લખી. નીજ જીવનનું સત્ય ખુલ્લુ મુક્યું.

મહારાષ્ટ્રનું નીરગુડી ગામ 'ઉપરા' ના લેખક લક્ષ્મણ માનેનું મૂળ વતન. આત્મકથામાં ક્યાંય એના બાપનું નામ નથી લખ્યું. ગુજરાતી અનુવાદમાં પિતા પુત્રના સંવાદમાં બાપો કહી વાત આગળ ચાલે. સમી, લાલી, પુષ્પી બહેનો, માતા અને ભાઈ કિશન. બીજો પરિવાર કાકા- મામાનો વિચરતી જાતિ.કૈકાડી કોમ. વધુમાં વધુ એક ગામમાં એક મહિનો રહેવાનું. ગામમાં પ્રવેશતાની સાથે મુખીને ઘરે જઈને ગધેડા પર લાદેલો સામાન ચેક કરાવવાનો ગામ છોડતી વખતે પણ જો એકાદ વસ્તુ વધારે નીકળે તો ચોરીનું આળ ચઢે. માર ખાવાનો, દંડ ભરવાનો. ગામને છેવાડે ઉકરડો, ગંદકીનું સામ્રાજ્ય હોય ત્યાં પડાવ નાખવાનો કોઈને અડવાનું નહિ. અડક્યાએ મર્યા સમજો. એક મહિના દરમિયાન ગમે ત્યારે કોઈ ગામવાસીને અડકી પડે તો અડધીરાતે ગામથી પોબાર ગણવા પડે. લક્ષ્મણ માને લખે છે કે કેટલીકવાર અડધી રાતે ગામ છોડવું પડે ત્યારે અમે નાના એટલે આંખ ખુલે ત્યારે ગધેડા પર લાદેલા વાસણ કપડાની વચ્ચે ટૂંટિયુ વાળીને પડેલા હોઈએ.અસ્પૃશ્યતા નો અજગર ભરડો વિકરાળ.

જે ગામમાં પડાવ નક્કી થાય એ ગામની નિશાળમાં હું ભણવા જાઉં. વર્ગ ખંડની બહાર બેસવાનું, બ્લેકબોર્ડ દેખાય નહિ, કોઈ વિદ્યાર્થીને અડાય નહિ. બધાજ હડે હડે કહે કરે. દલિત સમાજની યાતના અને વેદના અસહ્ય એને પ્રકાશમાં લાવવા મેં 'ઉપરા' લખી.

મુખ્ય કામ વાંસની ટોપલી, છાબડી બનાવવાનું. વેચવા મારા મા - બાપ જાય. ભાવ ગ્રાહક નક્કી કરે. પૈસાના બદલામાં વાસી કઢી , સૂકો રોટલો આપે.ચુપચાપ લેવાનો. સતત ત્રણ દિવસ અમે પાણી પીને સુતા હતા એવા દિવસો પણ જોયા હતા.અમારો પડાવ જે ગામમાં હોય ત્યાં ચોરી થાય તો અમે જ કરી એમ માની મુખી અને ગામ લોકો અમારી પર તુટી પડે.અમે માણસ છીએ એવું સ્વીકારવા કોઈ તૈયાર જ નહિ.

મારી પાસે એક ઢીંચણ સુધીનું બુશર્ટ. શિક્ષક અમને ખખડાવતા, કહે તમારે વળી ભણીને શું કામ છે, તમે ભણશો તો કામ કોણ કરશે. પિતા મને કહે, તું ભણ, કંઈક બન. મને કૈંકારી ભાષા આવડે , ભણવાનું મરાઠીમાં. મારો મેળ ન પડે. મેં નિશાળ છોડી, પિતાએ મને માર્યો, મારી મા ને લોહીલુહાણ કરી. એ જોઈને તે રાતે મેં માને વચન આપ્યું બીજીવાર મારા કારણે તને માર નહિ પડે, હું ભણીશ. ધોરણ 7 ફાઇનલમાં હું નાપાસ થયો. પિતાએ ખુબ માર્યો. નિશાળના શિક્ષકે કહ્યું પહેલી પરીક્ષામાં સારા માર્ક્સ આવ્યા છે, ધોરણ 8માં ચઢાવીએ છીએ. ધોરણ 8માં ગયો. ફાઇનલની પરીક્ષા પછી નિશાળમાં ફોટો ફંક્શન.આચાર્ય , શિક્ષક અને વિદ્યાર્થીઓ હારબંધ ગોઠવાયા. એક વિદ્યાર્થી મારો હાથઝાલી મને ખેંચી ગયો. બાજુમાં પટેલની છોકરી. ફોટોગ્રાફર કહે બધા નજીક નજીક બેસો એટલે ફોટો પાડી શકાય. નજીક ખસવા જતા મારો હાથ પટેલની છોકરીને લાગ્યો. એના બાપે ઢોર માર માર્યો.

આઠમું પાસ કરી નવમામાં આવ્યા. ચોપડા ખરીદવાના પૈસા નહિ. બેન્ડ વગાડતા મને આવડે. મેં બેન્ડ વગાડી ધોરણ 9ના પુસ્તકો ખરીદયા. પાંચ કિલોમીટર ચાલીને સ્કૂલે જવાનું. હું જે રસ્તે થી જાઉં એ જ રસ્તેથી પેલા પટેલની છોકરી કે જેને મારો ફોટોફંક્શનમાં હાથ અડી ગયેલો એ પણ આવે. એને જોઉંને મારા મોતિયા મરી જાય. હું સંતાઈ જાઉં. ફાઇનલ એટલે સાતમું, હવે હું નવમામાં બે વર્ષ વીતી ગયા પણ મને પડેલો માર મારામાં બીક બની પ્રસરી ગયેલો.

ધોરણ 10માં સાબરવાડી ગામમાં બેન્ડ વગાડતો. મને એક છોકરી ગમતી. હું જેટલા પ્રેમપત્રો એને આપું એ નહેરમાં ફેંકી દેતી , બેન્ડ વગાડતા મેં એને મેડી પર ઊભેલી જોઈ. એને જોવામાં હું તાલ ચુક્યો. મારા બાપે અને પછી જેના ઘરે લગ્ન હતા તેણે પણ મારેલો. કોલ્હાપુર અને પુનાની કોલેજમાં પ્રવેશ મેળવ્યો. હવે મને રીતભાત ,વાતચીત ,જેવા શબ્દોના અર્થ સમજાવા લાગ્યો. કોલેજની ફી અને અન્ય ખર્ચ પહોંચી વળવા મને કોલેજની લાયબ્રેરીમાં નોકરી મળી. ભણવાનું , ગ્રંથપાલની ફરજ અને રાતે કોલેજનું બિલ્ડીંગ બને એ મારે પથ્થર તોડવાનું કામ કરી હું પૈસા ભેગા કરતો. ત્યારે એક ગરીબ વિદ્યાર્થીને મેં મદદ કરી.એ કહે ભાઈ ! તમે પણ મારા જેવા ગરીબ જ છો ને મને મદદ કરો છો.મેં કહ્યું ,"ભાઈ મેં ગરીબી જોઈ નથી જીવી છે."એકવાર મારા પિતા કોલેજ આવ્યા.મેં અધ્યાપકો અને પ્રિન્સિપાલ સાથે એમની ઓળખાણ કરાવી.પ્રિન્સિપાલે એમની ચેમ્બરમાં બોલાવ્યા અને ખુરશી પર બેસવા કહ્યું.મારા પિતા બે હાથ જોડી ઉભા રહ્યા અમે યાદ નથી કે મેં પિતાને ખુરશી પર બેઠલા જોયા હોય.તેઓ બિચારા ,બાપડા,અસ્પૃશ્ય જ પોતાને માનતાતા.

મારો પ્રેમ અને લગ્નની વાત કરતા પહેલા એક એકરાર કઈ લઉ. મારા મિત્ર વિઠ્ઠલિયા સાથે રાતે અંધારામાં અમે સિગારેટ પીતાપીતા જતા.ત્યાં એક સ્ત્રીએ અમને ઈશારો કર્યો. હું તેની પાસે ગયો.ઓગળી ગયો.ત્યારે મને વેશ્યા કોને કહેવાય એ સમજાયું.

મને કોલેજમાં એક છોકરી ગમે.એને પણ હું ગમું.એ બ્રાહ્મણની છોકરી.કોઈ કાળે લગ્ન શક્ય નહિ.મારો સામંત નામે મિત્ર.મને રોકડા રૂપિયા પાંચ આપી કહે ભગાડીજા,લગ્ન કરી લે.એ સગર્ભા બની.દીકરો જન્મ્યો.મારા ખિસ્સા ખાલી.વટ સાવિત્રીનું વ્રત આવ્યું.આસપાસનું મહિલાવૃંદ મારી પત્નીને પૂજા કરવા તેડવા આવ્યું.તો ઘરમાં તો કુળદેવીની ચુંદડીમાં શ્રીફળ.અમે નીચી જાતિના ખબર પડી,રાતોરાત ઘર ખાલી કરી બીજે જવાનું ફરમાન છોડયું.અમે ક્યાં જઈએ ? પહોંચ્યા ગામ.મામાને ત્યાં લગ્ન.મને તો ન્યાત બહાર મુકેલો.મને નો એન્ટ્રી.મારા બાપે કહ્યું દંડ બોલો,અમે આપીશું.નિર્ણય આવ્યો,ન્યાત જમાડો,બકરો વધેરો.

ઉપેક્ષિતતા ,અવહેલનાની ચરમસીમા આમારા પર ગુજરી છે.'ઉપરા' ના વાચક જાગીજા સર્વધર્મ સમભાવ ,ઊંચનીચતા ભેદભાવ ભૂલી માણસ તરીકે સર્વનો સ્વીકાર કર.લક્ષ્મણ માને લખે છે મને કોઈ પ્રત્યે પૂર્વગ્રહ નથી,મેં જે જોયું,અનુભવ્યું એ અક્ષરસહ: લખ્યું છે.કોઈની પર દોષારોપણ કર્યા વગર સત્યલેખન કરેલું છે.

( લક્ષ્મણ માને અડસઠ વર્ષમાં પ્રવેશી ચુક્યા છે. 'જ.તા.1 જૂન 1949' , એલ.એલ.બી કરી વકીલાત કરે છે.) 'ઉપરા' નો ગુજરાતી ભાષામાં અનુવાદ શ્રી સંજય શ્રીપદ ભાવે એ કર્યો છે.

Latest Stories