વિમલ ટેક્સટાઇલની શરૂઆત રિલાયન્સના સ્થાપક ધીરૂભાઇ અંબાણીએ કરી હતી. ધીરુભાઇ અંબાણી યમનમાં એક લેબર તરીકે ગયા હતા. ત્યાંથી 1957માં 500 રૂપિયાની સેવિંગ કરીને તેઓ ભારત પરત ફર્યા હતા. તે 500 રૂપિયા ઇન્વેસ્ટ કરીને તેમણે પરિવાર વિરુદ્ધ જઇને બિઝનેસની શરૂઆત કરી હતી. ત્યારબાદ નરોડામાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરીને તેમણે જાન્યુઆરી, 1967માં નરોડામાં કાપડની મીલ નાંખી હતી.
ધીરૂભાઇ ઉચ્ચ ગુણવત્તાનું કાપડ વ્યાજબી ભાવે આપતા હતા. પરંતુ મોટી મિલના માલિકોએ હોલસેલર્સને ધીરૂભાઇ અંબાણીનું કાપડ ખરીદવાની ના પાડી દીધી હતી. તેથી, કોઇ હોલસેલર ધીરુભાઇનો માલ લઇને મોટી મીલના માલિકોને નારાજ કરવાની હિંમત કરી શકતા નહોતા. ધીરુભાઇના ગોડાઉનમાં 4 માસનો માલ ભેગો થઇ ગયો હતો અને વેચાણ અટકી ગયું હતું.
પરંતુ ધીરુભાઇ કંઇક જુદી જ માટીના બનેલા હતા. તેઓ આટલી જલ્દી હાર માની લેવાવાળાઓમાં નહોતા. તેમણે હોલસેલર્સને કટ કરી ડાયરેક્ટ રિટેલર્સને માલ વેચવાનો પ્લાન કર્યો. ધીરુભાઇનો સ્ટાફ માલ લઇને ડાયરેક્ટ રિટેલર્સને વેચવા લાગ્યા. ધીરુભાઇ ખુદ પણ પોતાની ગાડી લઇ તેમાં કાપડ લઇ દુકાનદારોને પોતાનો માલ ઓફર કરવા લાગ્યા. ધીરુભાઇએ દુકાનદારોને કહ્યું કે તમે મારો માલ વેચો તેમાંથી તમને કોઇ ફાયદો થાય તો મને તમારે જે આપવું હોય તે અને જ્યારે આપવું હોય ત્યારે આપજો. દુકાનદારો તેમની આવી ઓફરથી ઇમ્પ્રેસ થયા.
ત્યારબાદ ધીરુભાઇના મીલના કાપડનું વેચાણ વધી ગયું અને તેનું નવુ બ્રાન્ડ નામ મળ્યું વિમલ. સમય જતાં રિટેલર્સે માત્ર ધીરૂભાઇના કાપડનું વેચાણ શરૂ કર્યું. ત્યારે ઓન્લી વિમલ સ્લોગન પ્રચલિત થઇ ગયું. જે આજે પણ વિમલ કાપડ સાથે જોડાયેલું છે. વિમલ ધીરુભાઇના મોટાભાઇના દિકરાનું નામ છે.