કચ્છ : જાણો, પાકિસ્તાનથી સપ્લાય થયેલો રૂ. 150 કરોડનો ડ્રગ્સ ગુજરાતમાં ક્યાં લઈ જવાતો હતો..!

New Update
કચ્છ : જાણો, પાકિસ્તાનથી સપ્લાય થયેલો રૂ. 150 કરોડનો ડ્રગ્સ ગુજરાતમાં ક્યાં લઈ જવાતો હતો..!

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશન પાર પાડી કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડરના દરિયામાંથી રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ સહિત 8 પાકિસ્તાની શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડરના દરિયામાંથી ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ 8 પાકિસ્તાની શખ્સોને રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. આ તમામ પાકિસ્તાની શખ્સોને કચ્છના જખૌ કોસ્ટગાર્ડ ખાતે લાવવામાં આવ્યા હતા. હાલ તો પાકિસ્તાની શખ્સોની સઘન પૂછપરછ શરૂ કરાઇ છે. પાકિસ્તાનથી સપ્લાય થયેલો ડ્રગ્સ કચ્છમાં કોણ લેવાનું હતું તેની વિગતો જાણવા તપાસ શરૂ કરાઇ છે.

ઓખાથી કચ્છ સુધીની દરિયાઈ પટ્ટીમાં અનેક વખત બોટ મારફતે ગેરકાયેદસર રીતે ઘૂસણખોરી કરવાના તેમજ ડ્રગ્સ, હેરોઇન સહિતની ગેરકાનૂની વસ્તુઓ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગત ગુરુવારે  કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસને મળેલી માહિતીના આધારે કચ્છના જખૌ દરિયાઈ સીમમાં શંકાસ્પદ પાકિસ્તાની બોટ હોવાની હકીકત મળતા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જખૌ દરિયાઈ સીમમાંથી પસાર થતી શંકાસ્પદ બોટને કોસ્ટગાર્ડના જવાનો અને એટીએસની ટીમે કોર્ડન કરી તલાશી લેવામાં આવતા બોટમાં  યામીન ઉમર જતી સીંધી, મુર્તાઝા યામીન જતી સીંધી, મુસ્તફા યામીન જતી સીંધી, નસરૂલાહ યામીન જતી સીંધી, સાલેમામદ અબ્દુલ્લા જતી સીંધી, હુશેન ઇબ્રાહિમ જતી સીંધી, રફીક આદમ ઉસમાનઅલી જતી લાલા અને યાસીન મહમદ ઉર્સ જતી સીંધી મળી કુલ 8 પાકિસ્તાની નાગરિકો સવાર હતા. તો સાથે જ બોટમાં તપાસ કરતાં તેમાંથી 30 કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સની કિંમત રૂપિયા 150 કરોડ આંકવામાં આવી રહી છે. આ પાકિસ્તાની બોટ ભારતીય જળક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રેખા (આઈએમબીએલ)ની નજીક પકડાઈ હતી, ત્યારે સમગ્ર મામલે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા ઘૂસણખોરોની પૂછપરછ દરમ્યાન આ ડ્રગ્સનો જથ્થો કચ્છના જખૌ બંદર પર ડિલિવરી કરવાનો હોવાનું જણાવ્યુ હતું. આ ડ્રગ્સનો જથ્થો લેનાર શખ્સનું નામ પણ કોસ્ટગાર્ડને મળી ગયું હોવાનું જાણવા મળ્યું છે, જે જખૌ આવ્યા બાદ જાહેર કરવામાં આવશે, તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

Latest Stories