/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/08142244/maxresdefault-89.jpg)
વિશ્વ વિખ્યાત બનેલ કચ્છના રણમાં રણોત્સવનો પ્રારંભ તો થઇ ચુક્યો છે, પણ હજી અહી જોઈએ તેટલા પ્રવાસીઓ પહોંચ્યા નથી. રણમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી રેતી પર ચાંદનો પ્રકાશ ફેલાતો નહિ હોવાથી રેતીની સફેદ ચાદર જોવા મળતી ન હોવાથી પ્રવાસીઓ નિરાશ થઇ રહયાં છે. પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી હોવાના કારણે
હોટલ, ટ્રાન્સપોર્ટેશન, હેંડીક્રાફ્ટ સહિતના વ્યવસાયોમાં મંદી જોવા મળી રહી છે. વિશ્વ વિખ્યાત બનેલા રણોત્સવનો 28 ઓક્ટોબરથી પ્રારંભ થઇ ચુકયો છે. આ વર્ષે “રણ કી કહાનિયા થીમ” રાખવામાં આવી છે. ચાલુ વર્ષે રણ ઉત્સવમાં ટેન્ટની સંખ્યામાં પણ વધારો કરાયો છે. ટેન્ટ સિટીમાં દર વર્ષે 200 જેટલા ટેન્ટ હોય છે જેની સંખ્યા ચાલુ વર્ષે વધારી ને 300 કરવામાં આવી છે.
ગુજરાત પ્રવાસન વિભાગની “ખુશ્બુ ગુજરાત કી” એડ અને મહાનાયક અમિતાબ બચ્ચનની “કચ્છ નહિ દેખા, તો કુછ નહિ દેખા” જાહેરાતે પ્રવાસીઓમાં ભારે આકર્ષણ ઉભું કરતાં પ્રવાસીઓમાં રણોત્સવ જોવાની ઉત્કઠાં જગાવી હતી. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છના સફેદ રણને માણવા માટે કચ્છની મુલાકાતે આવતા હોય છે, પરંતુ આ વર્ષે જોવા જઈએ તો વરસાદ વધુ પડવાથી રણમાં હાલ પાણી ભરાયેલા છે. તેથી રણ જોવા મળતું નથી, ઠેર ઠેર પાણી જ ભરાયેલા જોવા મળે છે. જેને લઈને સફેદ રણની ચાંદની અને નજારો જોવા મળતો નથી. દર વર્ષે લાખો પ્રવાસીઓ સફેદ રણની મુલાકાત લેતા હોવાથી હોટલો હાઉસફુલ હોય છે. પરંતુ હાલમાં રણમાં પાણી ભરાવાના કારણે પ્રવાસીઓની ભીડ જોવા મળતી નથી તેવું હોટલ માલિકોએ જણાવ્યું હતું. સાથે જ ટ્રેન, બસ સહિત ટ્રાન્સપોર્ટેશન બુકિંગ પણ ઓછું જોવા મળી રહ્યું છે. કચ્છની પ્રખ્યાત હાથ વણાટની બંધણીઓ અને કાપડના ઉદ્યોગમાં પણ મંદી જોવા મળી છે. પ્રવાસીઓ હાલ ટેન્ટ સિટીની મુલાકાત લઈ સંતોષ માની રહ્યા છે.