કૈલાશ નિવાસી વ્યોમેશ કાકા

કૈલાશ નિવાસી વ્યોમેશ કાકા
New Update

ગુજરાતી, અંગ્રેજી, હિન્દી કે ઉર્દૂ શબ્દકોશમાં રૂઆબ, ગૉરજીયસ તોરતરીકા ઠસ્સો મુસકિગીરી, દયાવાન, સ્ટાઇલ, પન્ચ્યુઅલ, ઍટિકેટ શબ્દના અર્થ શોધવા પડે જયારે વ્યોમેશ સુરેન્દ્રલાલ દેસાઈ ની નસેનસમાં વહેતા.

તસવીરકાર તરીકે જેટલી એમની આંખ પ્રભાવશાળી એટલીજ લેખનશક્તિ પણ. પત્રકારિત્વમાં બીજી હરોળ તૈયાર કરવામાં જો કોઈ એક વ્યક્તિને સન્માન પત્ર આપવાનું હોય તો તે વ્યોમેશ દેસાઈને આંખ મીંચીને આપી શકાય. પહેલા રિપોર્ટર સમાચાર લેવા માટે દોડાદોડી કરતા હોય ત્યારે વ્યોમેશકાકાની ઘ્રાણેંદ્રિય એટલી સતેજ એ સમાચારને સૂંઘે ગમે તેવી ઘટના બને પણ સમાચાર બનતા વ્યોમેશકાકાના ખોળામાં ડાહીડમરી બને ટૂંટીયુંવાળીને સુઈ જાય.

શ્વાનપ્રેમી અને હેટના શોખીન વ્યોમેશકાકા જથ્થાબંધનો માણસ એમને એકાદી વસ્તુ લેવામાં, ખરીદવા ભાગ્યેજ રસ પડે. વહેંચીને ખાય, પીયે મસ્તીનો માણસ. પત્રકારિત્વમાં કલમ પકડતા એમના હાથ ઝાલી અમે શીખ્યા હું અને નરેશ ઠક્કર. અક્ષરજ્ઞાન હતુ પણ પ્રેસનોટ, અહેવાલ, રિપોટીંગ, સ્ટોરી, કટારલેખન્ એમણે શીખવ્યુ.

'સંદેશ",'ભરૂચ ટાઇમ્સ"'નવગુજરાત ટાઇમ્સ્"ની એમની સફર વખતે અમે નવોદિત. એ જે છાપાના પ્રતિનિધિ કે બ્યુરો ચીફ રહ્યા ત્યાં સુધી એમના સિવાયના વર્તમાન પત્રોએ એ જ સમાચાર કેવી રીતે પ્રસિદ્ધ કર્યા તેનો બારીકાઈથી અભ્યાસ કરે. શરતચુક માફ પણ નીચું નિશાન માફ નહિ એવુ સતત અમને કહેતા.

સાધનાકાકી, ધવલ, નટવર રાણા, દત્તુ રાઠોડ આ બધાએ અને પરિવાર સગાવહાલાઓને એમને જેટલા સાચવ્યા એટલા જ આ બધાએ એમને સહન કર્યા. વિફરે તો કોઈના નહિ.

ખાવાના જબરા શોખીન. એટલેજ વયસ્ક વયે એમનું શરીર પ્રયોગશાળા બનતુ ગયુ. પથ્થર એટલા પૂજે દેવ. દેવાધિદેવ મહાદેવ, હનુમાનદાદા અને શિરડીના સાઈબાબામાં અપાર શ્રદ્ધા.

પ્રોફેસર ત્રિવેદીસાહેબ,પ્રોફેસર યાજ્ઞવલ્કય્, અગ્નિહોત્રી સાહેબ આજુબાજુ બેઠા હોય અને એક સમાચાર લખાય પછી તેનું શીર્ષક શું આપવું એ માટે સૌને વ્યોમેશકાકા કાપલી આપી શીર્ષક લખવા કહે. બધા આવડત પ્રમાણે લખે,પછી એ બંધાએ લખેલા શીર્ષક વાંચી એકાદ પસંદ કરે અથવા ટાઇટલનું કોકટેલ કરી એક નવું જ ધારદાર શીર્ષક બનાવે. બધાની સંમત્તિ હોય તો જ એને પ્રસિદ્ધ કરવા મોકલે. આ હતી અમારા સૌને પત્રકારિત્વતાની તાલીમ.

એમની પાસે ખબરીઓની વણઝાર. ગૃહખાતાથી માંડીને નામચીન બુટલેગરોની એમને બાતમી પોલીસ બેડામાં જબરી હાંક એમના વખતમાં જે ડિસ્ટ્રકટ સુપ્રિટેડન્ટ ઓફ પોલીસની ટ્રાન્સફર થાય તે ચાર્જ આપનાર નવા ડી .એસ પી. ને શ્રી વ્યોમેશ દેસાઈના સંપર્કમાં રહેજે એવી ટકોર કરતો જાય.

બધાજ પક્ષના રાજકારણીઓ એમના વર્તુળમાં જે કોઈ એમના સંપર્કમાં આવે તેને વ્યોમેશ દેસાઈ નામના પરિધની બહાર જવાતુ ન ગમે. સંવત ૨૦૭૩ પોષ સુદ ચોથ મંગળવાર તા.ત્રીજી જાન્યુઆરી ૨૦૧૭ ની સવારે એક્યાસીમાં વર્ષે હંમેશને માટે પોઢી ગયા એમને શ્રધ્ધાસુમન અપર્ણ કરતા એટલુ જરૂર લખીશ કે કવિ શ્રી હરિવંશરાય બચ્ચન ને 'મધુશાલા" રચેલી પણ વ્યોમેશકાકાએ એને પચાવી હતી, એવો દિલેર જિંદાદિલ ઇન્સાન એક જાગતો માણસ, જગાડતો માણસ.

શત શત વંદન

#લેખ
Here are a few more articles:
Read the Next Article