ડિજિટલ યુગમાં આપણામાં અન્ય ભાષા પ્રેત્યેની લાગણીઓ વધી રહી છે. મૂળ માતૃભાષા લખવા, વાંચવા કે બોલવામાં વાંધા હોય તો પણ અન્ય ભાષા પ્રત્યેનું અજ્ઞાન હોવા છતાં પોતાની તેમાં આવડત હોવાનો દેખાવ કરીને હાસ્યને પાત્ર બનીને પણ ગર્વની લાગણી વ્યક્ત કરવામાં આવે છે.
વિદેશી દેશોનું અનુકરણ આપણે ઇન્ટરનેટની ગતિથી કરી રહ્યા છે, પરંતુ સમયની માંગ પ્રમાણે અંગ્રેજીનું ભણતર કહો કે જ્ઞાન અનિવાર્ય હશે પણ માતૃભાષાનો અનાદર કરવો કેટલુ યોગ્ય ગણાશે. ફ્રાન્સ, જર્મની, ચીન, જાપાન સહિતના વિકસિત દેશો પણ માતૃભાષામાં જ શિક્ષણ આપે છે. જોકે ત્યાંની સરકાર પણ માતૃભાષાના શિક્ષણ પ્રત્યેજ પ્રત્નશીલ હોય છે, અને ઘણીવાર આપણે સાંભળ્યુ છે કે ભારતમાં આવતા વિદેશી વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ પોતાનીજ ભાષામાં વાત કરે છે અને તેનું ભાષાંતર કરીને લોકો સુધી તે વાતને પહોંચાડવામાં આવે છે અને આપણે આ પ્રકારની ચર્ચાનું ગૌરવ પણ લઈએ છે.
ગુજરાતભરમાં પ્રતિદિન એક નવી શાળાનું ખાતમુહર્ત અને ઉદ્દઘાટન થઇ રહ્યુ છે,પરંતુ સરકાર દ્વારા કોઈ પોતાની ખાનગી શાળાઓને ટક્કર આપી શકે તેવી શાળાનું નિર્માણ કરવામાં આવતુ નથી તો બીજી તરફ સરકારી શાળાઓનું હૃદય પણ ધબકતુ રાખવા માટેના પ્રયાસો કરવા પડી રહ્યા છે.કહેવાય છે કે સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓના અભાવના કારણે હવે આર્થિક રીતે અસક્ષમ લોકોએ પણ પેટે પાટા બાંધીને ખાનગી શાળામાં બાળકોને ભણાવવાની ફરજ પડી રહી છે.
માતૃભાષામાં શિક્ષણ આપવા થી સમયનો વ્યય થતો અટકે છે, જયારે બીજી ભાષામાં શિક્ષણ આપવાથી પહેલા તો તે ભાષાનું જ્ઞાન મેળવવા માટે પ્રયાસ કરવો પડે અને પરભાષા હોવાના કારણે તેનો અર્થ સમજવામાં ઘણીવાર મુશ્કેલી પડે અને ચોખ્ખો અર્થ ન પણ સમજાય.
પરભાષા, પરભોજનનો ખુબજ સહજતાથી સ્વીકાર કરવામાં આવ્યો છે, આપણા સ્વદેશી ભોજન સાથે દહીં કે છાશ પીવામાં પણ છણકો કરીએ છીએ, જ્યારે હોટલમાં પીત્ઝા, બર્ગર, સેન્ડવીચ સહિતના ફૂડ સાથે 'કોક' તો જોઇશેજ એના વગર નહિ ચાલેની લાગણી પણ વ્યક્ત કરવામાં આવે છે. વિદેશી ભાષા,વિદેશી ફૂડને જેટલું સરળતાથી આપણે સ્વીકાર્યુ છે તેટલીજ સરળતાથી શું તેઓએ આપણા ભોજન, રીતરિવાજો કે ભાષાને અપનાવ્યુ છે ખરુ જે બાબત વિચારવા જેવી છે. અંતમાં સૌને માતૃભાષા દિવસની શુભેચ્છા.