/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/gujarat-1728x800_c.jpg)
"ગુજરાતીઓ 500 વર્ષ પૂર્વે ૩૬ પ્રકારના લાડુ બનાવતા"
ગુજરાતમાં ગમે તે શાશક હોય પણ હજારો વર્ષોથી દુનિયા સાથે સફળતાપૂર્વક વ્યાપાર કરતું રહ્યું છે. ગુજરાત આ કારણે ઉપરાંત પોતાની આગવી શૈલી, ઉત્પાદન ક્ષમતા તેમજ ખેતીને કારણે સમૃદ્ધ રહ્યું હતું. લગભગ તેરમી સદીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મુસ્લિમ શાસન આવતા વિકાસ થંભી ગયો. અંગ્રેજ શાસન સુધી તો અસ્તિત્વ માટે ગુજરાત લડતું રહ્યું. પંદરમી સદીથી ગુજરાત પર ફીરંગીઓની નજર પડવા લાગી. પોર્ટુગીઝ છેક ૧૫૩૧મા ગુજરાતના દીવ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પોર્ટુગીઝની હાર થઈ હતી. પોર્ટુગીઝ હારવા છતાં ગુજરાતમાં ભારે નુક્શાન કર્યું અને જીતનાર મુસ્લિમ સુલતાન બહાદુરશાહ જીતના નશામાં ભારે નુક્શાન કર્યું હતું. નુક્શાન તો પ્રજાનું જ હતું. ૧૪ જેટલા ગુજરાતના સુલતાનો, મુઘલ સૂબાઓ વચ્ચે પ્રજાએ અત્યંત યાતના સાથે પાંચસો વર્ષ ગાળ્યા હતાં.
આ વિષમ અને ક્રૂર પરિસ્થિતિમાં પણ ગૌરવપૂર્વક શાસકો લડતા રહ્યા. કચ્છનો જાડેજા વંશ, ચૂડાસમા રાજાઓ, ભાણવડના જેઠવા રાજવીઓ, ગોહિલ વંશના રાજાઓ, વાઘેલા, ઝાલા, સોઢા પરમારો, ઇડરના રાઠોડો, ચાંપાનેરના ખીચી ચૌહાણનો સતત લડતા રહ્યા. આ રાજાઓને મુસ્લિમ શાસક પણ સમર્થન આપતાં રહ્યાં હતાં.
ડરના માહોલમાં સામાન્ય ગુજરાતી કેવી રીતે રહેતા હશે? શું ખાતા હશે...આ જ કાળમાં ગુજરાતી ભાષા પણ વિકાસ પામી, આ જ ગાળામાં ભક્તિ અને સાહિત્ય પણ વિકાસ પામ્યું હતું. કમનસીબે આ જ ગાળામાં જ્ઞાતિ પ્રથા મજબૂત બનતી ગઈ હતી. બ્રાહ્મણ અને ક્ષત્રિયની જેમ આ ગાળામાં વૈશ્યો ઉચ્ચ વર્ગના ગણાવા લાગ્યા. બાળલગ્ન, કન્યા જન્મી તો અપશુકન જેવા વિવાદો વચ્ચે ગુજરાતી ભોજનને ભૂલ્યો નથી હતો.
ગુજરાતીઓમા મિષ્ટાન્ન તરીકે લાડુ જ સૌથી પ્રચલિત હતો. તે સમયના સાહિત્ય મુજબ, ૩૬ પ્રકારના લાડુ બનતાં હતાં. એ સમયે લાડુ ઉપરાંત ખાજા, ઘેબર, વેળમી, સુખડી, લાપસી, ખીર, કોપરા પાક, તલ સાંકડી જેવી મિઠાઈ પ્રચલિત હતી. કપૂર, આંબલી, એલચી, કાથો, ગળપણ સાથે શરબત પણ બનતો. તે સમયે દેશી અને વિદેશી મુસ્લિમ ની અંદાજે ૭૦ જેટલી જ્ઞાતિઓ હતી. આ જ્ઞાતિઓમા લડાયક મુસ્લિમ સિવાય કારીગરો તેમજ ખેડૂત પણ હતો. સલ્તનત યુગમાં ગુજરાત એકલું પડવા લાગ્યુ. જેનો ફાયદો થયો કે સ્વતંત્ર ગુજરાતી ભાષા વિકાસ પામી. નરસિંહ, મીરાં, ભાલણ, વીરસિંહ જેવા કવિ સંતોના કાળમાં ગુજરાતી વિકાસ પામવા લાગી. જૈન સાધુઓ મેરુતુગસૂરિ, મહેન્દ્ર પ્રભસૂરિ, જીનપ્રભસૂરિ કે જેમના કહેવાથી મહંમદ તુઘલઘે જૈનધર્મ સ્થાનોને રક્ષણ આપ્યું હતું, કમલપ્રભમુનિ, જીનપદ્મસુરિ જેવા સો કરતાં વધુ વિદ્વાનોએ ગુજરાતી ભાષા અને સાહિત્યને જીવતા રાખ્યાં. આ ઉપરાંત કવિ ગંગાધર, પરશુરામ, કવિ મહાદેવ, પંડિત પિતાંબર, ખંભાતનો વણકર કવિ અબ્દુર રહેમાન, ભવાઈનો સ્થાપક અસાઈત, શ્રી ધર વ્યાસ, કવિ ભીમ, નરસિંહ અને તેના કાકા પરબત મહેતા, મયણ, નાકર, જુગનાથ, સૂરદાસ.....યાદી પૂરી થાય તેવી નથી. આ જ મુશ્કેલ કાળમાં અસંખ્ય જૈન મંદિરો સાથે હિન્દુ મંદિરો બનતા જ ગયા. ચાણોદ પાસે કુભેશ્વર, વીજાપુરમા નીલકંઠ મહાદેવ તથા પાલેશ્વર મહાદેવ, ધ્રાંગધ્રા ખાતે ગણેશ મંદિર, વડિયાવીરમા વિશાળ શિવાલય, વિદ્યાનગરમાં સારણેશ્વર બનતા ગયા, તૂટતાં ગયા પણ નવસર્જનની પ્રક્રિયા ક્યારેય અટકી નહીં. ગુજરાત ક્યારેય અટક્યું જ નથી, આ કાળ હોય કે દુકાળ.... ધરતીકંપ હોય કે પૂર....જે રાજ્યની પ્રજા અમાનવીય શાસન સામે જે સમજમાં આવે તે રીતે લડીને ટકી શકે એ જ પ્રજા ગાંધી અને સરદાર પેદા કરી શકે. ગુલામ દેશનો એક નાગરિક, બીજા દેશમાં ગુલામ પ્રજાનો ભાગ હોય....આ ગુલામીમાંથી પોતાની પ્રજાને હથિયાર વિના અહિંસા, પ્રેમ અને કરુણાથી ન્યાય અપાવી શકે. આવો માણસ પેદા કરવા પાચસો સાતસો વર્ષનો મજબૂત માનસ જ જવાબદાર હોઇ શકે.
વિશ્વના ઇતિહાસમાં એક સાથે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતા ગુજરાત જ આપી શકે. ગાંધી, સરદાર, રવિશંકર મહારાજ, મુનશી વચ્ચે સવાયા ગુજરાતી કુરિયન હોય કે શેખાદમ આબુવાલા....
ગુજરાત આજે પણ રાષ્ટ્રને માર્ગદર્શન આપી રહ્યું છે. ગુજરાતને ગૌરવશાળી બનાવવાનું છે. જે પ્રજા હિંસક અને ક્રૂર શાસક સામે લડતી રહી, એ પ્રજાના મહાન મોરલને વધારીને ગુજરાતી કલ્ચર ને ઉચ્ચતમ શિખર પર ગુજરાત સ્થાપના દિવસ પર લઈ જવાની આપણી જવાબદારી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/02/pp-1-150x150.jpg)