/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault2.jpg)
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે
દીપોત્સવી પર્વમાં અગિયારસથી દિવાળીના તહેવારોની ઉજવણીનો પ્રારંભ થતા મંદિર
પરિસરને નવોઢાની જેમ શણગાારવામાં આવ્યું છે. દિવાળીના તહેવારોમાં દેશભરમાંથી હજારો
શ્રધ્ધાળુઓ રણછોડરાયના દર્શન માટે આવી રહયાં છે.
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાય મંદિર ખાતે અગિયારસથી દિવાળીના તહેવારોની ઉજવણીનો પ્રારંભ થયો છે. રણછોડરાય મંદિરમાં બેસતા વર્ષ સુધી ભક્તિ ભાવપૂર્વક વિવિધ ઉત્સવો ઉજવવામાં આવશે. જેમાં ભગવાન રણછોડરાયજીને અલગ-અલગ શણગાર તેમજ ભોગ ધરાવવામાં આવશે. દીપોત્સવી પર્વ નિમિત્તે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવવના હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ સરળતાથી દર્શનનો લાભ લઇ શકે તે માટેનું આગવું આયોજન કરવામાં આવ્યું છે. તહેવારના દિવસો દરમિયાન દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
મંદિરમાં હાટડી તેમજ અન્નકુટના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે, જેમાં દિવાળીના દિવસે હાટડી દર્શનમાં ભગવાન વેપારીના સ્વરૂપમાં બિરાજી ભક્તોની ભેટ સ્વીકારી ચોપડામાં તેની નોંધ કરે છે. બેસતાં વર્ષના દિવસે યોજાતા અન્નકૂટ દર્શનમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે, જે અન્નકૂટ ભક્તો દ્વારા લૂંટવામાં પણ આવે છે, જે ડાકોરના રણછોડરાય મંદિરની અનોખી પ્રાચીન પરંપરા છે.હાલ દીપોત્સવી પર્વ નિમિત્તે મંદિરને રંગબેરંગી આકર્ષક રોશનીથી સજાવવામાં આવ્યું છે. દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવવા સાથે રોશનીથી સુશોભિત મંદિરને નિહાળી ભાવવિભોર બની રહ્યા છે.