કચરામાંથી કમાણી, નળસરોવરમાં પર્યાવરણ રક્ષણ

JICA અને રાજ્ય સરકારનો અનોખો પ્રયાસ

નળસરોવરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું મહાઅભિયાન

લોકભાગીદારીથી પર્યાવરણ સંરક્ષણની નવી દિશા

પ્રકૃતિ અને માનવજીવનનો સમન્વય રચાયો

યાયાવર પક્ષીઓના સ્વર્ગ સમાન નળસરોવરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે એક અનોખી પહેલ હાથ ધરાઈ છે. ગુજરાત સરકારે ‘JICA’ના સહયોગથી અહીં કચરામાંથી કમાણી અને પર્યાવરણ સંરક્ષણનો એવો અદભુત સમન્વય સાધ્યો છે, જે સ્થાનિક પરિવારો માટે રોજીરોટીનું સશક્ત માધ્યમ બન્યો છે.

યાયાવર પક્ષીઓના સ્વર્ગ સમાન નળસરોવરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે એક અનોખી પહેલ હાથ ધરાઈ છે. ગુજરાત સરકારે ‘JICA’ના સહયોગથી અહીં કચરામાંથી કમાણી અને પર્યાવરણ સંરક્ષણનો એવો અદભુત સમન્વય સાધ્યો છે, જે સ્થાનિક પરિવારો માટે રોજીરોટીનું સશક્ત માધ્યમ બન્યો છે. આ પહેલ માત્ર સરોવરની સફાઈ પૂરતી સીમિત ન રહેતાં, પ્રકૃતિ અને માનવજીવન વચ્ચેના અતૂટ સંબંધને સુદૃઢ બનાવતી લોકભાગીદારીની એક નવી દિશા બની છે.  

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કાર્યરત આ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય રામસર સાઇટ નળસરોવરની જૈવવિવિધતાનું જતન કરી રહ્યો છે. આ અંતર્ગત અમદાવાદના વિરમગામ તાલુકાના કાયલા ગામે એક અત્યાધુનિક પ્રોસેસિંગ સેન્ટર સ્થાપવામાં આવ્યું છે, જેની સાથે બે જિલ્લાનાં સાત ગામો જોડાઈ ચૂક્યાં છે. ઈકો-ડેવલપમેન્ટ કમિટીના સ્વચ્છતા પ્રહરીઓ ઘરે-ઘરે જઈને સૂકા પ્લાસ્ટિકના વર્ગીકરણ અંગે ગ્રામજનોમાં સઘન જાગૃતિ કેળવી રહ્યા છે.

ગામોમાંથી એકત્ર થતું આ પ્લાસ્ટિક વન વિભાગ નિયત ભાવે ખરીદે છે, જેનાથી સ્થાનિક પશુપાલકો અને શ્રમિકોને નિયમિત આવક પ્રાપ્ત થાય છે. અગાઉ ખુલ્લામાં સળગીને વાતાવરણ પ્રદૂષિત કરતો કચરો હવે કાયલા સેન્ટર પહોંચે છે, જ્યાં શ્રેડિંગ સહિત આધુનિક પ્રોસેસિંગ દ્વારા રિસાયકલ થઈ તેનું વેચાણ થાય છે. પરિણામે, નળસરોવર અને તેની આસપાસ પ્લાસ્ટિક જમા થવાનું કાયમ માટે અટકી ગયું છે.

જનભાગીદારી અને આજીવિકા આધારિત આ સંરક્ષણ મોડલ નળસરોવરની સમૃદ્ધ જીવસૃષ્ટિ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. પર્યાવરણનું રક્ષણ જ્યારે આત્મનિર્ભરતાનો પાયો બને, ત્યારે સાકાર થતો આ સર્વાંગી વિકાસ સમગ્ર દેશ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.