છોડમાં રણછોડ અને વૃક્ષમાં વાસુદેવનું સૂત્ર આપનાર પૂ.પાંડુરંગ શાસ્ત્રીનો જન્મ દિવસ એટલે મનુષ્ય ગૌરવદિન

New Update
છોડમાં રણછોડ અને વૃક્ષમાં વાસુદેવનું સૂત્ર આપનાર પૂ.પાંડુરંગ શાસ્ત્રીનો જન્મ દિવસ  એટલે મનુષ્ય ગૌરવદિન

ભગવદ્દ ગીતાનું જ્ઞાન ઘર ઘર સુધી પહોંચાડવાનો શ્રેય પાંડુરંગ શાસ્ત્રીને જાય છે. 19 ઓક્ટોમ્બર 1920ના રોજ જન્મેલા પાંડુરંગ શાસ્ત્રી દાર્શનિક, આધ્યાત્મિક ગુરૂ અને સમાજ સુધારક હતા. તેઓ દાદાજીના નામથી પણ ઓળખાય છે.

પાંડુરંગ શાસ્ત્રીએ 1954માં સ્વાધ્યાય આંદોલન શરૂ કર્યું હતું અને સ્વાધ્યાય પરિવારની સ્થાપના કરી હતી. પૂ. દાદાનો જન્મ આસો સુદ સાતમે થયેલો. તા.19મી ઓકટોબરે દાદાને 96 વર્ષ થશે. મુંબઈ થાણાની તત્વજ્ઞાન વિદ્યાપીઠને 60 વર્ષ પૂર્ણ થશે. 1926માં દાદાના પિતાશ્રી વૈજનાથ શાસ્ત્રીએ પ્રારંભ કરેલ મુંબઇની શ્રીમદ્દ ભગવદ્દગીતા પાઠશાળામાં 1942માં પૂ. દાદાએ વહાવેલ ગંગા વિશ્વના અનેક દેશોમાં ફરી વળી છે.

પૂ. પાડુરંગ દાદાએ શરૂ કરેલ ભકિત ફેરીની મહત્વની ભૂમિકાએ લોકોમાં ભકિતનો અનેરો સંચાર કર્યો છે. પૂ. દાદા માનતા કે સાચી ભકિત, સાચો ધર્મ અને સાચુ અધ્યાત્મ ગામડાઓમાં પહોંચાડવું જોઇએ તેથી જ સ્વાધ્યાય પ્રવૃતિના અનુયાયીઓ ગામડાઓમાં જઇને દાદાની પ્રવૃતિઓથી લોકોને વાકેફ કરે છે. યુવાનો શેરી નાટકો દ્વારા સમાજને ઉપયોગી સંદેશો પહોંચાડે છે.

23મી માર્ચ 1958 રોજ પ્રથમ ભકિતફેરીનો પ્રારંભ થયેલો. દાદાએ 19 યુવાનોને કપાળે તીલક કરીને આશિર્વાદ આપેલ અને યુવાનોએ ભગવાન શ્રી કૃષ્ણ અને ગીતાજીના વિચારો પહોચાડવાનું કાર્ય આરંભેલુ.

પૂ. દાદા ત્રણ ટી (ટીફીન, ટીકીટ તથા ટાઇમ)નો ચુસ્ત પાલન કરવાનો આગ્રહ રાખતા ભકિતફેરીમાં ત્રણ ટીનો અમલ કરવાથી અધિક આનંદ આવે છે. ભકિતફેરીને કૃતિ ફેરીનો એક અધ્યાય આપવાનો ઇતિહાસ રચીને પૂ. દાદાએ ઇતિહાસમાં ભકિતરૂપી માળામાં મણકો ઉમેર્યો છે. ભકિતફેરીના પ્રતાપે સામાજિક એકતા વધે છે. તથા ભકિતની શકિત થકી એકતા, ચૈતન્ય અને તેજસ્વીતા નિર્માણ થાય છે.

19મી ઓક્ટોબર ને દાદાજી ના જન્મદિન પ્રસંગને સ્વાધ્યાય પરિવાર મનુષ્ય ગૌરવદિન તર્રીકે ઉજવે છે અને તે અગાઉ ભક્તિફેરી થકી જનજન સુધી દાદાજીના વિચારો અને ગીતાજ્ઞાન નો સ્ત્રોત્ર સ્વાધ્યાયીઓ દ્વારા વહેવડાવવામાં આવે છે. મનુષ્ય ગૌરવદિન નિમિતે દેશવિદેશમાં ભગવત ગીતા જ્ઞાનનો સાગર છલકાવનાર પૂ.પાંડુરંગ શાસ્ત્રીની જન્મજયંતિ પ્રસંગે કનેક્ટ ગુજરાત ભાવાંજલિ અર્પે છે. સૌ સ્વાધ્યાયી પરિવારના યુવાનો ભાઈઓ અને બહેનોને મનુષ્ય ગૌરવદિનની શુભેચ્છા પાઠવે છે.

Latest Stories