જન ગણ મન

New Update
શુભ – લાભ

18 થી 40 વર્ષના યુવક-યુવતીઓની આંતરાષ્ટ્રિય સંસ્થાના એક સક્રિય ચેપ્ટરના શપથગ્રહણ સમારંભના અંતે માસ્ટર ઓફ સેરેમનીએ એનાઉન્સ કર્યુ કે હવે આપણે સૌ રાષ્ટ્રગીત ગાઇશું. સભાગૃહમાં ઉપસ્થિત સૌ આબાલવૃધ્ધ પોતાની જગ્યાએ ઉભા થયા. રાષ્ટ્રગીત ગાવાનું શરૂ થયુ. 'તવ શુભ આશિષ માગે' પંક્તિ આવી ત્યારે મારું ધ્યાન અચાનક મારી બાજુની ખુરશી પર ગયું.

એક ભાઇ ખુરશી પર જ બેસી રહ્યા હતા. રાષ્ટ્રગીતની અંતિમ પંક્તિઓ ગાતા ગાતા હું મનોમન વિચારતો હતો કે ભારતના નાગરિક તરીકે રાષ્ટ્રગીત ગવાતુ હોય ત્યારે ઉભા થઇ રાષ્ટ્રગીતને માન આપવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે, એટલુ પણ આ ભાઇ જાણતા નહિ હોય ! રાષ્ટ્રગીત પુરું થયુ. સૌએ પોતાનું સ્થાન લીધું. હું પણ ખુરશી પર બેઠો, બેસતાની સાથે જ મેં જરા નારાજ ચહેરે પેલા ભાઇ સામે જોયું. એમણે સ્મિત આપ્યું. મેં પણ ન છુટકે સ્મિત આપવાનો ડોળ કર્યો.

ભાઇએ પુછ્યુ, "તમે જ વિનોદ આનંદને ?"

મેં હકારમં ડોકુ હલાવ્યુ.

"ટીવી પર આપ સરસ સમાચાર વાંચો છો. આજે આપને રૂબરૂ જોવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું." ભાઇ બોલ્યા.

હવે મારે કમને પણ બોલવું જ પડશે, એમ વિચારી મેં પૂછ્યુ "આપનું શુભનામ?"

ભાઇએ કહ્યું, "મારા નામમાં એક જ અર્થ બે શબ્દો છે. એક હિન્દી ભાષાનો અને બીજો અંગ્રેજી ભાષાનો

જોકે મારું નામ ગુજરાતી ભાષામાં છે."

હવે મને એ ભાઇની વાતમાં રસ પડયો

મેં કહ્યું "હું કાંઇ સમજ્યો નહી. જરા ફોડ પાડો."

ભાઇ બોલ્યા, "કમલેશ, હિન્દી શબ્દ કમ અને અંગ્રેજી શબ્દ લેશ,બન્નેનો ગુજરાતી ભાષામાં અર્થ થાય છે. ઓછું."

મેં હાથ લંબાવતા કહ્યું, "પ્લીઝ ટુ મીટ યુ."

કમલેશે પણ હાથ લંબાવી હસ્તધૂનન કર્યુ. કમલેશની હથેળી ગજબની મુલાયમ હતી. રૂની પુણીને હાથમાં પકડી હોય એવો મને અનુભવ થયો.

મેં પૂછ્યુ, "આપ આ સંસ્થાના સભ્ય છો ?"

કમલેશે કહ્યું, "હા, છેલ્લા પાંચ વર્ષથી સભ્ય છું."

"હવે હું આપને એક સવાલ પૂછું ?" કમલેશે નમ્રભાવે પુછ્યું.

મને એમ કે ટીવીમાં સમાચાર વાચક કેવી રીતે બનાય ? એ માટે શું કરવાનું ? એવો કોઇ સવાલ પુછવાનું આ ભાઇને મન હશે !

મે કહ્યું, "પૂછો પૂછો, એક શું બે સવાલ પૂછો."

એટલામાં જ ઢીંગલી જેવી એક બેબી દોડતી આવી.

કમલેશને કહે, "પપ્પા, ગીવ મી ટેન રૂપિસ."

કમલેશે શર્ટના ખિસ્સામાંથી રૂ. 100ની થોકડી કાઢી એમાંથી એક નોટ બેબીને આપતા કહ્યું, "ગીવ મી નાઇન્ટી રૂપિસ બેક."

સો રૂપિયાની નોટ લઇને બેબી હોલની બહાર દોડી ગઇ. અમે બંને એ બેબીની સ્ટાઇલ પર હસતા રહ્યા.

આપ "તમે મને કોઇ સવાલ પૂછવા માંગતા હતા." મે કહ્યું.

"રાષ્ટ્રગીત ગાતી વખતે આપે મારી સામે તીરછી નજરે જોઇને એમ વિચારતા હતા ને કે આ માણસ રાષ્ટ્રગીતના માનમાં ઉભો કેમ થતો નથી ?"

હું તો મનોમન ખિસીયાણો પડી ગયો. આ માણસે બોડી લેન્ગવેજનો અભ્યાસ કર્યો લાગે છે. મારી મનની વાત એ કેવી રીતે જાણી ગયો હશે ! હવે હા કહેવી કે ના તે નક્કી કરું એ પહેલાં જ કમલેશ આગળ બોલ્યો, "વિનોદભાઇ, આપે રેલવે સ્ટેશન પર ધસમસતી ટ્રેન જોઇ છે?"

હું કાંઇ બોલ્યો નહિ.

એણે મને ફરી પૂછ્યું, "કહોને આપે રેલવે સ્ટેશન પર ધસમસતી ટ્રેન જોઇ છે ?"

મે કહ્યું, "હા."

મેં જોઇ ન હતી અને એ જ કારણસર હું રાષ્ટ્રગીત ગવાય છે ત્યારે બધાની જેમ ઉભો થઇ શકતો નથી, પણ આ વાતનું દુઃખ નથી, મારી જાતને હું લાચાર માનતો નથી કારણકે આ સંસ્થાએ જ મને શીખવ્યું છે કે પ્રભુમાંની આસ્થા માનવ જીવનને સાર્થક બનાવે છે.

સંવાદ :

કમલેશભાઇના નિવાસસ્થાને જઇને આ વાર્તા એમને વાંચી સંભળાવતા કમલેશે એક આંખમાં આનંદ અને એક આંખમાં વેદના સાથે મને કહ્યું, "ઋષિભાઇ, આપ મારા મનને વાંચી શક્યા છો. જરૂરથી આ વાર્તા પ્રસિધ્ધ કરશો, મને જેસી સંસ્થાના સભ્ય હોવાનો ગર્વ છે. આભાર."

મે કહ્યું, "આપે જીંદગીની વાસ્તવિકતાને હસતે ચહેરે સ્વીકારી છે, આપને સો સો સલામ."

વાતોમાં કલ્પના છે, અર્ધ સત્ય છે. સંવાદ શબ્દશઃ સાચુકલો છે.

Latest Stories