ગુજરાતની સાહસિક પ્રજા દુનિયાના ખુણે ખુણે વસેલી છે અને જયાં પણ ગુજરાતી હોય છે ત્યાં ગુજરાતની સંસ્કૃતિની સદાય જીવંત અને ધબકતી રાખતાં હોય છે. યુરોપના ડેન્માર્કમાં વસતા ગુજરાતી સમાજે નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. વિદેશની ધરતી ઉપર ગરબાની જામેલી રંગતે ગુજરાતી સંસ્કૃતિના દર્શન કરાવ્યાં હતાં.
ગુજરાતી ઇન ડેન્માર્ક ( જીઆઇડી) દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબાના આયોજક જયેશભાઇ લીંબચીયાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 વર્ષથી કોપનહેગનમાં નવરાત્રીનું આયોજન કરીએ છીએ અને આ 11 મુ વર્ષ છે. ડેન્માર્કના વિવિધ શહેરોમાં રહેતા ગુજરાતીઓ કોપનહેગન ખાતે આવી મન મુકીને ગરબે ઘુમ્યાં હતાં. ડેન્માર્કમાં છેલ્લા નવ વર્ષથી સ્થાયી થયેલા અંકિત પટેલે જણાવ્યું હતું કે, ડેન્માર્કની ગણના દુનિયાના સૌથી ખુશ દેશોમાં થાય છે. ગુજરાતી દુનિયાના કોઇ પણ દેશમાં હોય પણ ગુજરાતી સંસ્કૃતિ અને સંસ્કારોને કેન્દ્રસ્થાને રાખતા હોય છે. ડેન્માર્કમાં વસતા ગુજરાતીઓ તથા ભારતીયો દરેક તહેવારોની એકતા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરીએ છીએ. અમે ભલે વિદેશમાં હોય પણ આપણી સંસ્કૃતિ સદાય અમારા હદયમાં વસેલી છે.