મજબુત મનોબળ અને યશસ્વી જીવને અપાવી લોકપ્રિયતા
ગુજરાતના નાથથી દેશનું સુકાન સંભાળનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાનપણથી જ સાહસિક અને ઉમદા વિચારસરણી ધરાવે છે.મોદીએ જીવનની સફરમાં અનેક ટીકાઓ, આક્ષેપો ખમીને રાજકીય સફરમાં સફળતા હાંસલ કરી છે.
17 સપ્ટેમ્બર 1950માં મહેસાણાના વડનગર ગામના સાધારણ પરિવારમાં જન્મ લેનાર નરેન્દ્ર દામોદરદાસ મોદી પરિવારનું આર્થિક પાસુ સરભર ચાલે તે માટે પિતાને શાળાના અભ્યાસ સાથે રેલવે મથક પર ચા વેચવામાં મદદ કરતા. માત્ર 8 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘમાં બાળ સેવક તરીકે જોડાયા. કદાચ તેઓને ખુદને પણ ખ્યાલ નહી હોય કે RSS સાથેની આ સફર તેમને જીંદગીના સૌથી ઉંચા આયામ પર પહોંચાડશે.
નરેન્દ્ર મોદીના પરિવારજનોએ તેમના જશોદાબેન સાથે બાળલગ્ન કરાવ્યા. જે તેમને સ્વીકાર્ય ન હોઇ મોદી ઘર છોડીને જતા રહ્યા હતા અને ઉત્તરથી પશ્ચિમ સુધીની સફર તેમણે શરૂ કરી હતી. મોદી આ સમય દરમિયાન કલકત્તાના વિવેકાનંદ સ્વામી આશ્રમ, બેલુર મઠ તેમજ અલમોરાના અદૈવતા આશ્રમ સુધીની યાત્રાઓ કરી હતી. ઉપરાંત કોલેજ સમય અગાઉ રામ કિશન મિશન રાજકોટ સાથે પણ તેમણે જોડાઇને જરૂરી માર્ગદર્શન મેળવ્યુ હતુ.
નરેન્દ્ર મોદી પુનઃ એકવાર વડનગર આવ્યા હતા. પરંતુ સાહસિક જીવન જીવવાની ખેવના ધરાવતા મોદીને ગામડાનું જીવન એક સીમામાં બાંધીને રાખતુ હોય તેવુ લાગતુ હતુ અને મોદીએ ઇન્ડો પાક વોર બાદ 1978માં આરએસએસના પ્રચારક બનીને આરએસએસની પ્રણાલીથી લોકોને વાકેફ કર્યા હતા. તેમજ 1985થી આરએસએસથી ભાજપ સાથેની રાજકીય સફરની શરૂઆત તેમણે કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત ત્રણ-ત્રણ ટર્મ સુધી સ્પષ્ટ બહુમતિથી ચૂંટણી જીતીને મોદીએ માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ ભાજપ ની રાષ્ટ્રીય નેતાગીરીમાં પણ મોટું કદ બનાવ્યુ છે. એક સમયે તેમણે નજીકના જ ભાજપી રાષ્ટ્રીય નેતાઓએ પણ મોદીથી અંતર રાખવાની નોબત આવી હતી.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણી માટેનું સુકાન સંભાળવાની સાથે તેમણે વડાપ્રધાન પદ માટે ભાજપે તેમની પસંદગી કરતા દેશભરમાં અલગ જ રાજકીય પવન ફુંકાયો હતો અને વિરોધીઓના અનેક આક્ષેપો, ટીકાઓનો સામનો કરીને મોદીએ લોકસભા ચૂંટણીમાં શાનદાર અને ઐતિહાસિક જીત મેળવ્યા બાદ દેશના વડાપ્રધાન બન્યા છે.
એક સમયે અમેરિકા જેવા આર્થિક રીતે સધ્ધર દેશે જે વ્યક્તિને વિઝા આપવાની મનાઇ કરી હતી. તે નરેન્દ્ર મોદી આજે અમેરિકાના રાષ્ટ્રપતિની નજીકના મિત્ર ગણાય છે. એટલુ જ નહી ભારતીય યોગને પણ તેમણે દેશ-વિદેશમાં પ્રચલિત કરીને 21મી જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. તેમનું મજબુત મનોબળ અને યશસ્વી જીવન અન્યો માટે પ્રેરણારૂપ બન્યું છે. મોદીની યોજનાઓ અને કાર્યપ્રણાલી હંમેશા માટે વિરોધીઓમાં ટીકાનું સ્વરૂપ બની છે. પંરતુ દ્રઢ વિચારધારા અને સિધ્ધાંતો તેમજ શક્તિશાળી છાપ થકી નરેન્દ્ર મોદી તરફ યુવા પેઢી પણ આકર્ષિત થઇ છે. નરેન્દ્ર મોદીના 67મા જન્મદિન પ્રસંગે પ્રભુ તેમને સારી તંદુરસ્તી, દીર્ઘાયુ બક્ષે તેવી પ્રાર્થના સાથે કનેક્ટ ગુજરાત તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે.