સમીવૃક્ષની છાલ હાથથી ઉખાડી માતાજીને અર્પણ કરવાથી દેવું ઉતરતું હોવાની માનયતા સાથે સેંકડો લોકો નસીબ અજમાવે છે.
મોંઘવારીના મારથી પીસાતી આમજનતાએ હવે પ્રયત્નો સાથે નસીબ પણ અજમાવવા માંડયું છે.ભરૂચ જિલ્લાના એક માત્ર પૌરાણિક જૂનિ સિંધવાઇ મંદિરે દશેરા-વિજયા દશમીના દિવસે સિંધવાઇ માતાજીની એક અનોખી પૂજા થાય છે.
એક માન્યતા અનુસાર ભરૂચના પૌરાણિક જૂની સિંધવાઇ મંદિરના પટાંગણમાં આવેલ સમીવૃક્ષ(સમડાનું વૃક્ષ)ની છાલ પોતાના હાથ વડે કોઇ પણ સાધનની મદદ વિના ઉખાડી તેને આસતરીના પાન સાથે સિંધવાઇ માતાજીને અર્પણ કરવાથી તમારૂં દેવું(કરજ) ઉતરે છે.એટલુંજ નહીં પરંતુ જે ભકત પૂર્ણ શ્રદ્ધાપૂર્વક આ પૂજા કરે તેને ધન લાભ પન અચૂક થાય છે.
આ માન્યતાને કારણે શ્રદ્ધાળુઓ ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં દશેરાના દિવસે સિંધવાઇ માતાજીના મંદિરે પહોંચી માતાજીની પૂજા-અર્ચના કરી આશિર્વાદ મેળવે છે.શ્રદ્ધાળુઓ આ દિવસે અચૂક જૂની સિંધવાઇ મંદિરે પહોંચી કરજ ઉતરવાની તેમજ ધનલાભની લોકવાયકા અને માન્યતાને અજમાવી કારમી મોંઘવારીના સમયમાં ધંધા-રોજગાર તેમજ ઘરમાં બરકત રહે તેવી પ્રાર્થના માતાજીને કરે છે.આજની કારમી મોંઘવારીના સમયમાં કરકસર કરીને પણ ગુજરાન ચલાવવું અશકય બન્યું છે ત્યારે સ્વાભાવિક છે કે ભકતો માતાજીના મંદિરના દ્વાર ખટખટાવી માતાજીને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે.
શ્રદ્ધાપૂર્વક કરેલ પ્રાર્થના માતાજી અચૂક સાંભળી ભકતોની મનોકામના પૂર્ણ કરે છે.
ભરૂચ જૂની સિંધવાઇ મંદિરના પૂજારી જયેન્દ્રગીરી ગોસ્વામીના કહેવા મુજબ આ મંદિર અતિ પૌરાણિક છે. અહીં માતાજી હાજરાહજૂર વિરાજમાન હોય તેના દ્વારેથી કોઇ ખાલી હાથે જતું નથી.અહીં ભક્તો દુર-દુરથી નવરાત્રી હોઇ આવે છે.તેમાંય ખાસ દશેરાના દિવસે મંદિરના પટાંગણમાં આવેલ ભૈરવનાથના મંદિર પાસેના સમીવૃક્ષની છાલ પોતાના હાથ વડે ઉખાડી તેને આસતરીના પાન સાથે માતાજીને અર્પણ કરી પોતાના ભાગ્યોદયની માતાજીને પ્રાર્થના કરે છે.આમ કરવાથી અચૂક ભકતોનું દેવું (કરજ) ઉતરવાના હજારો દાખલા મેં જોયા છે.માતાજી સૌની મનોકામના અચૂક પુરી કરે છે.