/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/23150025/maxresdefault-259.jpg)
નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહયો છે ત્યારે પુણી ગામ નજીક કોઝવેમાં કાર તણાવા લાગતાં દોડધામ મચી ગઇ હતી. સદનસીબે ગામલોકોએ દોરડા નાંખી કારમાં સવાર તમામ લોકોને બચાવી લીધાં હતાં.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહયાં છે ત્યારે નવસારીમાં પણ ભારે વરસાદ વરસી રહયો છે. વરસાદના કારણે કોઝવેની ઉપરથી પાણી પસાર થઇ રહયાં છે. નવસારી તાલુકાના છેવાડાના પૂણી ગામમાં એક કાર લો લેવલ પુલ પર અંબિકા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. કારમાં સવાર ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હજુ પ્રવાહ વધે તો કાર નદીમાં તણાઈ જાય તેવી શક્યતા છે. જોકે, કારને દોરડાથી બાંધી દેવામાં આવી છે. કારમાં સવાર ચારેય લોકો સુરતના રહેવાસી હોવાની વિગતો સપાટી પર આવી છે.
નવસારી જિલ્લાની અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. જિલ્લાના પૂણી ગામ અને નોગામા ગામને જોડતા પુલ પરથી અંબિકા નદીના પાણી ફરી વળતા માર્ગ બંધ થયો છે. કાર ચાલકે પાણીના ધસમસતા પ્રવાહમાંથી કાર પસાર કરવાનું જોખમ ઉઠાવ્યું હતું પરિણામે ચાર લોકોની જીંદગી જોખમમાં મુકાય ગઇ હતી. કારમાં સવાર લોકોને બચાવી લેવાયા છે પણ કાર દોરડાના સહારે ટકેલી હોવાથી ગમે ત્યારે ખેંચાઇ જાય તેવી સંભાવના છે.