પંચમહાલ : કાલોલ - હાલોલ હાઈવે પર મધવાસ પાસે ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત, સગા બે ભાઈનાં મોત

New Update
પંચમહાલ : કાલોલ - હાલોલ હાઈવે પર મધવાસ પાસે ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત,  સગા બે ભાઈનાં મોત

કાલોલ હાલોલ રોડ પર મધવાસ પાસેની કરાડ નદીના પુલ નજીક શુક્રવારે સવારે એક ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા મોટરસાયકલ પર સવાર બે શ્રમજીવીઓએ જીવ ગુમાવ્યા હતા. જે અંગેની ફરિયાદની વિગતો મુજબ મુળ ઘોઘંબાના પરંતુ પાછલા પંદર વર્ષથી ખરસલીયા ખાતે રહીને કડિયા કામ કરીને ગુજરાન ચલાવતા વિક્રમ દલાભાઈ રાઠવા અને દિનેશ દલાભાઈ રાઠવા એમ બન્ને ભાઈઓનું હાલોલ ખાતે કડિયાકામ ચાલતું હોય શુક્રવારે સવારે બન્ને ભાઈઓ તેમની મોટરસાયકલ પર હાલોલ કામે જવા નીકળ્યા હતા. પરંતુ દુર્ભાગ્યે અલીન્દ્રા ચોકડી વટાવી કરાડ નદીનો પુલ પરથી પસાર થતા સમયે સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતા ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાતા રોડ પર પટકાયેલા બન્ને ભાઈઓ પર ટ્રેક્ટરના ટાયરો ફરી વળ્યા હતા. જે ગમખ્વાર અકસ્માતને ભોગે વિક્રમ દલાભાઈ રાઠવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે દિનેશ દલાભાઈ રાઠવાને પણ સાથળ અને માથાના ભાગેથી ટ્રેક્ટરના ટાયર ફરી વળતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા દિનેશ રાઠવાને રાહદારીઓએ ૧૦૮ મારફતે નજીકની કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા લઇ જવાયો હતો. પરંતુ વડોદરા પહોંચે એ પહેલાં રસ્તામાં દમ તોડી દીધો હતો.

આમ એક ટ્રેક્ટર ચાલકની હાઈવે પર પુરઝડપે હંકારી જતા ખરસલીયા ગામના એક શ્રમજીવી પરિવારના સગા બે ભાઈઓ હોમાઈ જતા ગરીબ એવા શ્રમજીવી પરિવારની છત્રછાયા છીનવાઈ ગઇ હતી. આ અકસ્માતને પગલે જુવાનજોધ એવા બબ્બે દિકરાઓ ગુમાવનાર પિતા દલાભાઈ શનાભાઇ રાઠવાની ફરિયાદ મુજબ કાલોલ પોલીસે અકસ્માત સર્જીને ઘટના સ્થળે જીજે- ૧૭- બીએચ -૯૩૮૦ નંબરનું ટ્રેક્ટર છોડી ફરાર થઈ ગયેલા અજાણ્યા એવા લાપરવાહ ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી ટ્રેક્ટરને કબ્જે કરી કસુરવાર ટ્રેક્ટર ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

તસવીરો : કાલોલ હાલોલ હાઈવે પરના કરાડ નદીના પુલ પર ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ટ્રેક્ટરના પૈડા નીચે આવી ગયેલ મૃતદેહ તસવીરોમાં દ્રશ્યમાન થાય છે.

Latest Stories