/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/1-8.jpg)
ચાર બાય સાડા ત્રણ ફૂટના પાનના ગલ્લામાં બેઠેલા ભાઈને મેં પૂછ્યું,''આમ પગ લંબાવીને કેમ બેઠા છો?'' એણે પાટલુન ઊંચું કરીને કહ્યું,''પચ્ચીસમી ડિસેમ્બર બે હજાર સોળ, કેવડિયાડુંગર પાસે કોઈ વૈદ છે. એનો ઈલાજ કરાવવા મારા સાસુમાને લઈને જતો હતો, ત્યારે ચાર કિલોમીટર દૂર મારી રિક્ષા પલ્ટી ખાય ગઈને પગમાં ફ્રેક્ચર થયું. મેં તો હિંમત કરીને સાસુમાને કહ્યું હતું કે હું અહીં ઝાડ નીચે બેઠો છું તમે જઈ આવો પણ મારા પગને જોઈને બધાએ નક્કી કર્યું ભરૂચ પાછા વળી જઈએ. મને હોસ્પિટલમાં દાખલ કર્યો. બે ઓપરેશન થયા અને ત્રણ દિવસથી જ ગલ્લા પર આવું છું''
આ વિતક કથા હસતા ચહેરે કહેનાર સુનિલભાઈની મર્દાનગી પર હું વારી ગયો. “આ દેખાય છે ને’ તે મારુ ઘર અને પેલું મારા બાપાનું. બન્ને ઘરની વચ્ચે મારો પાનનો ગલ્લો. મારો દીકરો ડિપ્લોમા કરે છે એ કોલેજ થી આવે પછી ગલ્લો ખોલે એવું ત્રણેક મહિના ચાલ્યું. દોઢ લાખનો ખર્ચ થઈ ગયો. હવે દવા બંધ કરી છે ડાબો પગ લટકતો રાખવાનો નથી એટલે લંબાવીને રાખું છું.
અકસ્માત કોને નથી નડતો. અકસ્માતનો ભોગ બનનાર શ્રમજીવી સુનિલભાઈની ખુમારીને વંદન. સાહેબ તમે ચેનલમાં છો ને. તમને ટી.વી પર જોયા છે. આવતા રહેજો. આ તમારી જ દુકાન છે એમ સમજો.
અમે સવારે સાત વાગે ભરૂચ નવી વસાહત થી નીકળેલા નવ વાગે રિક્ષા પલટી ખાધી હું કોર્નરની સીટ પર બેઠેલો મારા પગમાંથી સતત લોહી નીકળતું રહ્યું. પાટાપીંડી કરી પણ લોહી બંધ ન થયું. નસ કપાઈ ગઈ હતી, ભરૂચ સિવિલમાં મને લાવ્યા. ત્યાંના ડોક્ટરે હાથ ઉંચા કર્યા પ્રાઈવેટમાં લઈ ગયા એ ડોક્ટરે પણ બીજા ડોક્ટરને કન્સલ્ટ કર્યા એમને શરીરમાં કેટલું લોહી બચ્યું છે? તેના રિપોર્ટ કાઢ્યા. બાર વાગે ઓપરેશન કરી લોહી બંધ કર્યુ. બીજું ઓપરેશન જાંઘ પરથી ચામડી લઈને પ્લાસ્ટિક સર્જરી કરી . મેં સુનિલભાઇને પૂછ્યું. તમારી બધી વાત સાંભળી પણ સાસુમાનો દુ:ખાવો હવે કેમ છે. ? સુનિલભાઇ કહે , “સાહેબ” ! સારું થયું તમે યાદ દેવડાવ્યુ. આજે ખાસ એમને મળવા જઈશ અને પૂછીશ સાસુમા કડીયાડુંગર વૈધને બતાવવા ક્યારે જવું છે ?
મેં મનોમન નક્કી કર્યું કે લોકો મંદિર આગળથી પસાર થાય ત્યારે ચાલુ વાહને સહેજ ઝુકીને વંદન કરે, હું સુનિલભાઈના ગલ્લે ઊભો રહીશ.ખબર અંતર પૂછીશ અને પછી આગળ વધીશ.