આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે. ગાંધીજીના સ્વચ્છતા, અહિંસા જેવા સિધ્ધાંતોને લોકો પસંદ તો કરે છે. પરંતુ તેના પર અમલ નથી કરી શકતા.
ઘણાં લોકો ગાંધીજીની ટીકા કરવાને એક ફેશન માને છે. પરંતુ તેમના સિધ્ધાંતો જ છે જે તેમને એક મહાત્મા બનાવે છે.
તેમના પથ પર ન ચાલી શકનારા લોકો તેમને વધુ પડતા આદર્શવાદી ગણાવે છે. જોકે, હકિકત પણ છે કે તેમના આદર્શો પર ચાલવુ સૌ કોઇનું કામ નથી. તે એક આદર્શ વ્યક્તિ જ કરી શકે કોઇ સાધારણ વ્યક્તિ નહી.
જેમકે, ગાંધીજી ભારતના ભાગલાના વિરોધી હતા કારણકે તેઓ ઇચ્છતા હતા કે દરેક વ્યક્તિ ભારતીય બનીને રહે. તેઓ દરેક નાત-જાત અને ધર્મોના લોકોમાં પરસ્પર ભાઇચારાની ભાવના ઇચ્છતા હતા.
ગાંધીજી મશીનોના પણ વિરોધી હતા. કારણકે તેઓ જાણતા હતા કે મશીનથી કામ ઝડપી થશે અને માનવશક્તિની ઓછી જરૂર પડશે. પણ તે સાથે જ તેઓ જાણતા હતા કે મશીનના કારણે ઘણાં લોકો બેકાર થઇ જશે. તેમજ સમાજમાં બે વર્ગ વચ્ચે અસામનતા વધતી જશે. એક વર્ગ વધારે અમીર થતો જશે અને બીજો વર્ગ વધારે ગરીબ બનતો જશે.
વડાપ્રધાન મોદીએ ગાંધીજીના સ્વચ્છતાના સિધ્ધાંતે દેશવ્યાપી બનાવીને સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું છે. ત્યારે ગાંધીજીના આજના દિવસે આપણે ગાંધીજીના આ એક ગુણને અપનાવવાનો પ્રયત્ન કરીને તેમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીએ.