/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/rushi-dave.jpg)
વ્હાલીકાકીની જીદ આગળ લાલચંદ શેઠે આખરે ઝુકવુ જ પડ્યું? શૂલપાણેશ્વરથી કિશનને મોકલીને પોપટ મંગાવ્યો. પોપટને માટે રવિવારી બજારમાંથી પાંજરું લાવ્યા. ઘરના આંગણે એટલે કે ડુપ્લેક્ષમાં બંને મકાનની વચમાં પાળી અને તેની ફરતે સરસ મજાનો ચોરસ થાંભલો તેની પર સવારે પાંચ વાગે વ્હાલીકાકી પોપટનું પાંજરું મૂકે અને ગંગેચ યમુને ચૈવ બોલતા જાય ને પોપટને નવડાવે. પોપટના શરીર પર ઠંડુ પાણી પડે ને' પોપટ પાંજરા માં ઉડાઉડ કરે અને ડી.જે.ના અવાજમાં પિંયું. પિંયું. પિંયું...બોલે આ કાર્યક્રમ 30 મિનિટ ચાલે. લાલચંદ શેઠની સોસાયટીમાં સવારે પાંચ વાગે માત્ર વ્હાલીકાકી ઉઠે, એ સિવાયના અડોશી પાડોશીની સવાર પોપટના પિંયું. પિંયું.. નાદથી થાય. વયસ્ક નાગરિકોની ઉંઘ સવારમાં વહેલી પૂરી થાય, સોસાયટીના મહેનતકશ યુવાનો આખો દિવસ માથાપરચીસી, રઝળપાટ કરી મોડી રાતે સુધી થાક, અણગમો, કંટાળો, ત્રાસ દૂર કરવા મિત્રો સાથે મંડળી જમાવી મળસ્કે છુટા પડતા હોય તેમાંથી લાલચંદ શેઠના અડોઅડ ઘરનો પાડોશી અમોલની દશા બેઠી. માંડ એની આંખે લાગી હોઈને ! કાનમાં ગરમ ગરમ લોખંડનો સળીયો કોઈ ભોંકે એમ પિંયું. પિંયું.. પિંયું... નો તીક્ષણ અવાજ સોસરો પેસી જાય. અમોલ સૂતી વખતે એક તકિયો માથા નીચે રાખતો, હવે બે તકિયા રાખે. જેવો પિંયું.. પિંયું... અવાજ ભોંકાય કે બીજો તકિયો કાનની ઉપર રાખી જોરથી દબાવે અને પિંયું. પિંયું.. ની તીવ્રતા ઓછી કરવાના નિષ્ફળ પ્રયાસ કરે.
વ્હાલીકાકીનો પોપટ એટલો ચતુર કે જેવો એને ઘરમાં લઈ જાવ કે મૌની બાબા બની જાય. વ્હાલીકાકીની ઉમર પચાસ, પંચાવન ખરી. એમને એક દીકરી એનું નામ પરી. એણે સવારે સ્કૂલમાં જવાનું, નાની હતી ત્યાં સુધી રિક્ષામાં ગઈ, હવે સ્કૂટી પર જાય. અમોલને સવારના પાંચના અરસામાં એકવાર પિંયું. પિંયું.. કાને પડ્યું પછી એ લાખ પ્રયત્ન કરે ઉંઘ આવે નહિ, પથારીમાં પડ્યા પડ્યા એને બધીજ ખબર પડે, ગંગેચ યમુને ચૈવે, સંભળાય, પોપટનો પાંજરામાં ફડફડાટ, પિંયું. પિંયું..ની ચીસો, પરીનું સ્કૂટી ચાલુ કરી સ્કૂલે જવું.
વિવેકથી એક બે વાર અમોલે લાલચંદ શેઠને કહ્યું કે વ્હાલીકાકીને કહો કે સવારે પાંચ વાગે બે મકાનની વચ્ચેના થાંભલા પર પાંજરું મૂકી પોપટને નવડાવો મારી ઉંઘ ડિસ્ટર્બ થાય છે. લાલચંદ શેઠે એક જ વાક્યમાં અમોલની ફરિયાદ પર ઠંડુ પાણી ફેરવી દીધું, તારી કાકી પાસે મારુ કંઈ ના ચાલે! અમોલ આ સંભાળી સમસમી ગયો. એણે મનોમન નક્કી કર્યું છે કે એકવાર જેવા વ્હાલીકાકી પોપટને નવાડવા આવે, એના પર પાણી નાખે અને જો ઘરમાં જાયને તો હું કૂદીને પાંજરામાંથી પોપટ બહાર કાઢીશ એની ડોક મરડી નાખીશ ને સોસાયટીના કુતરાઓને પોપટને ખવડાવી દઈશ. મઝાની વાત તો એ છે કે લાલચંદ શેઠે અમોલની ફરિયાદની વાત વ્હાલીકાકીને ડરતા ડરતા કરી તો વ્હાલીકાકી બોલ્યા અમોલને કહી દે જે મારો પોપટ પિંયું.. પિંયું.. નહિ મારી દીકરીનું નામ બોલે છે .પરી, પરી.