ભરૂચ અને અંકલેશ્વરમાં રવિવારની સાંજથી શરૂ થયેલા મુશળધાર વરસાદ બાદ ગરબા યોજાવાની આશા ધુંધળી બની હતી પણ વરસાદે વિરામ લેતાની સાથે ગરબાની રમઝટ બોલી હતી. જુના ભરૂચમાં વીજળી વેરણ થઇ જતાં ખેલૈયાઓ પાંચ કલાક સુધી મોબાઇલ ફોનની ટોર્ચથી ગરબે રમ્યાં હતાં.
ભરૂચ અને અંકલેશ્વરમાં રવિવારના રોજ નવરાત્રીના આઠમા નોરતાએ મેઘરાજા મન મુકીને વરસતા ગરબાની મજા બગડી હતી. રાત્રે 9 કલાક બાદ વરસાદે વિરામ લેતાં કેટલાય સ્થળોએ ગરબા યોજાયાં હતાં. જુના ભરૂચ શહેરમાં વરસાદ તો રોકાય ગયો હતો પરંતુ વીજળી વેરણ થઇ ગઇ હતી. વરસાદ અને વીજ કંપનીના વિધ્નએ પણ ખેલૈયાઓનો ઉત્સાહ ઓછો થયો ન હતો. જુના ભરૂચમાં વીજળી ડુલ થવાના કારણે શેરી ગરબા પાંચ કલાક મોબાઈલ ની ટોર્ચ ના ઉજાસથી રમાયા. જુના ભરૂચમાં જ વારંવાર પાંચથી સાત કલાકના વીજ કાપથી લોકો ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આઠમ ના દિવસે પણ વીજળી વેરણ થઇ જતાં મોબાઇલ ટોર્ચના અજવાળે ખેલૈયાઓએ શેરી ગરબાની રમઝટ બોલાવી હતી. કલાકારોએ પણ માઇક વિના જ ગરબા ગાઇને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.