/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/06124905/maxresdefault-54.jpg)
અરબી સમુદ્રમાં સર્જાયેલાં મહા વાવાઝોડના પગલે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના આઠ ગામના લોકોને સાબદા કરી દેવાયાં છે. બીજી તરફ નર્મદા પરિક્રમાને રોકી દેવાઇ છે તેમજ પરિક્રમાવાસીઓને વમલેશ્વર ખાતે આશરો અપાયો છે. બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવાય છે.
મહા વાવાઝોડાની અસર ભરૂચ જિલ્લામાં થવાની શકયતાઓ રહેલી છે. જેના પગલે હાંસોટ તાલુકાના અરબી સમુદ્ર પાસે આવેલ 8 જેટલા ગામો જેવા કે અંભેટા, પારડી, બાડોદરા, વાંસનોલી, કતપોર, વમલેશ્વર તેમજ કંટિયાજાળ સહિતના ગામોમાં રહેતાં લોકોને સાબદા રહેવા સુચના આપવામાં આવી છે. આલીયાબેટમાં પણ સલામતી અને સુરક્ષાના વિશેષ પગલાં ભરાયાં છે. માછીમારોને દરીયો ન ખેડવાની તાકીદ કરવામાં આવી છે. હાંસોટ તાલુકાના મામલતદાર, ટીડીઓ, સરપંચો તેમજ તલાટીઓને હેડ ક્વાર્ટર ન છોડવા અને સાવચેતીના તમામ આવશ્યક પગલાં ભરવાની સૂચના આપી દેવામાં આવી છે. એન.ડી.આર.એફ.ના 25 જવાનોની એક ટુકડીએ હાંસોટ તાલુકાના દરિયા કાંઠા વિસ્તારના ગામોની મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
હાલ નર્મદા નદીની પરિક્રમા પણ ચાલી રહી છે પણ વર્તમાન સ્થિતિને જોતા તેને અટકાવી દેવાઇ છે. અંદાજે ૪૦ જેટલા નર્મદા પરિક્રમાવાસીઓને વમલેશ્વર ખાતે આશરો આપવામાં આવ્યો છે. વમલેશ્વરથી ભરૂચ વચ્ચે દરિયામાં હોડી તેમજ નાવડીઓ બંધ કરી દેવામાં આવી છે. વાહનોમાં નર્મદા મૈયાની પરિક્રમા કરતાં લોકોને પણ રોકી દેવાયાં છે.