ભારતીય જનતા પાર્ટી આજે મજબૂત રાષ્ટ્રીય પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980માં કરવામાં આવી હતી. બીજેપી ભારતીય જનસંઘની અનુગામી છે. જેની સ્થાપના 1951માં થઇ હતી અને ભારતની પ્રથમ લોકસભા ચૂંટણીમાં ત્રણ બેઠકો મેળવી હતી. 1980માં ભારતીય જન સંઘ અને જનતા પાર્ટીના સંગમથી ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો.
આટલી વિશાળ પાર્ટીનું સર્જન દીર્ઘ દ્રષ્ટા અને વિદ્વાન નેતા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીએ કર્યું હતું. મુખર્જીનો જન્મ 6 જુલાઇ, 1901ના રોજ કલકત્તા ખાતે થયો હતો. તેમના પિતા આશુતોષ મુખર્જી બંગાળના જાણીતા વકીલ હતા. ડૉ.મુખર્જીએ અંગ્રેજી વિષયમાં સ્નાતકની ડિગ્રી અને ત્યારબાદ માસ્ટરની ડિગ્રી મેળવી. 1924માં કાયદાનો અભ્યાસ કર્યો હતો. 32 વર્ષની ઉંમરે તેઓ બેરિસ્ટર બન્યા અને 1934માં કલકત્તા યુનિવર્સિટીમાં તેઓ સૌથી યુવાન વયે વાઇસ ચાન્સલેસર બન્યા હતા.
તેમણે પોતાની રાજનૈતિક કારકિર્દીની શરૂઆત 1929માં બંગાળ વિધાન પરિષદમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કરી હતી. પરંતુ 1930માં કોંગ્રેસે વિધાનસભાનો બહિષ્કાર કરતા તેમણે વિધાન પરિષદમાંથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદ તેઓ એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટાઇ આવ્યા હતા.
1939માં તેઓ હિન્દુ મહાસભા સાથે જોડાયા હતા અને હિન્દુ મહાસભાના પ્રમુખ બન્યા હતા. તેઓ હિન્દુત્વવાદી નહોતા. પરંતુ હિન્દુ રાજનૈતિક નેતા હતા. જેમણે અનુભવ્યુ કે મુસ્લિમોના વિશેષ અધિકારો અને અલગ સ્વતંત્ર પ્રદેશ પાકિસ્તાનની માંગણી કરી રહેલા મુસ્લીમ લીગની સામે હિન્દુઓનું પણ કોઇ સંગઠન હોવું જોઇએ.
આઝાદી મળ્યા બાદ મુખર્જી નહેરૂ સરકારમાં ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે જોડાયા હતા. 1949માં નહેરૂએ પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન લિયાકત અલી ખાનને બંને દેશોના લઘુમતીઓના રક્ષણ માટે એક કેબિનેટની રચના કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ડૉ.મુખર્જી આ બાબતની વિરુદ્ધમાં હતા તેથી તેમણે 6 એપ્રિલ, 1950ના રોજ નહેરૂ સરકારમાંથી રાજીનામુ આપી દીધું હતું.
ત્યારબાદ દિલ્હી ખાતે 21 ઓક્ટોબર, 1951ના રોજ તેમણે પંડિત દિનદયાળ ઉપાધ્યાય( ગુરુજી), માધવ સદાશિવ ગોલ્વાલ્કર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહયોગથી ભારતીય જનતા સંઘની સ્થાપના કરી અને તેના પ્રથમ પ્રમુખ બન્યા. 23 જૂન, 1953ના રોજ તેમનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું.