ભારતીય સિનેમાના પહેલા સુપર સ્ટાર રાજેશ ખન્નાની આજે પુણ્યતિથિ છે. રાજેશ ખન્નાનું મૂળ નામ જતિન ખન્ના હતું. ઘણાં લોકો રાજેશ ખન્નાને કાકાના હુલામણા નામે પણ ઓળખે છે.
રાજેશ ખન્નાએ પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન ઘણી હિટો ફિલ્મો આપી છે. જેમાં નમક હરામ, બાવર્ચી, આનંદ, અમરપ્રેમ, હાથી મેરે સાથી, દુશ્મન, પ્રેમ નગર વગેરેનો સમાવેશ થાય છે. રાજેશ ખન્નાએ ઘણી ફિલ્મોમાં પહેરેલો કુર્તો તે સમયે ફેશન બની ગયો હતો.
ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન થયા તે પહેલાં તેમણે ફિલ્મ એક્ટર રાજેન્દ્ર કુમાર પાસેથી ડિમ્પલ નામનો બંગલો ખરીદ્યો હતો અને તેનું નામ બદલીને આશિર્વાદ રાખ્યું હતું.
રાજેશ ખન્નાનો જન્મ 29 ડિસેમ્બર 1942માં પંજાબના અમૃતસરમાં થયો હતો. ચુનીલાલ મહેતા અને લીલાવતી મહેતા તેમના પાલક માતા-પિતા હતા. તેમના બાયોલોજીકલ માતા-પિતા લાલા હીરાચંદ અને ચંદ્રાણી ખન્ના હતા. ખન્નાએ કોલેજ દરમિયાન જ નાટકોમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું. કોલેજ સમયમાં જ ખન્નાએ ઘણાં પ્રાઇઝ જીત્યા હતા.
વર્ષ 1970ના દશકાની આસપાસ રાજેશ ખન્ના ફેશન ડિઝાઇનર અને ફિલ્મ એક્ટ્રેસ અંજુ મહેન્દ્રુ સાથે રિલેશનશીપમાં હતા. પરંતુ તેમનો બ્રેક અપ થયા બાદ ખન્નાએ 1973માં ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કરી લીધા હતા. ડિમ્પલ અને રાજેશ ખન્ના 1984માં અલગ થઇ ગયા હતા પરંતુ તેમની બે દિકરીઓના ભવિષ્યની ચિંતા કરીને તેમણે કાયદેસર છૂટાછેડા લીધા નહોતા. ફેમીલિ ફંક્શન અને પાર્ટીઓમાં બંને સાથે જ જોવા મળતા હતા. રાજેશ ખન્નાએ જ્યારે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો ત્યારે ડિમ્પલે તેમની માટે કેમ્પેઇન પણ કર્યુ હતુ.
18 જુલાઇ 2012માં રાજેશ ખન્નાના મોત બાદ 2013માં તેમનું મરણોત્તર પદ્મભૂષણ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. ફિલ્મ સચ્ચા જૂઠા, આનંદ અને આવિષ્કાર માટે ખન્નાને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 2013માં રાજેશ ખન્નાને ઓફિશિયલી ભારતીય સિનેમાના પ્રથમ સુપર સ્ટારનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.