ભાવનગર : પુરના પાણીમાં અને રખડતાં શ્વાનોએ ફાડી ખાતા કુલ 9 કાળિયારના મોત, અન્ય કાળિયારની વનવિભાગ દ્વારા શોધખોળ

New Update
ભાવનગર : પુરના પાણીમાં અને રખડતાં શ્વાનોએ ફાડી ખાતા કુલ 9 કાળિયારના મોત, અન્ય કાળિયારની વનવિભાગ દ્વારા શોધખોળ

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં 9 જેટલા કાળિયારના મોત થયા છે. જેમાં 3 કાળિયારના પુરના પાણીમાં ડૂબી જવાથી જ્યારે 6 કાળિયારના રખડતાં શ્વાનોએ ફાડી ખાતા મોત નિપજ્યા છે. સમગ્ર મામલે વનવિભાગની અલગ અલગ ટીમો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ભાવનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભાલ પંથકમાં પુરના પાણી ફરી વળતાં ઘેલો, કાળુભાર, કેરી અને વેગડ નદીઓમાં ભારે પુર આવતા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના કાળિયાર પર જીવનું જોખમ ઉભું થયું હતું. જેમાં પાણીથી બચવા માટે ફાંફા મારતા 3 કાળિયારના ડૂબી જવાથી, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જઈ ચઢેલા કાળિયાર રખડતાં શ્વાનનો શિકાર બની જતા 6 જેટલા કાળિયારના મોત થયા હતા, ત્યારે ભાલ પંથકમાં ભરાયેલા પાણીએ કુલ 9 કાળિયારનો ભોગ લીધો છે.

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 6 હજારથી પણ વધુ કાળિયાર મુક્ત રીતે વિચરી રહ્યા છે, જ્યારે ભાલ પંથકમાં પુરના પાણી ફરી વળતા કાળિયાર પર જીવનું જોખમ ઉભું થયું હતું. જોકે અગાઉના વર્ષો પહેલા ભાલ પંથકમાં અતિભારે વરસાદના કારણે પાણી ભરાતા 200થી વધુ કાળિયારના મોત થયા હતા, જ્યારે આ વર્ષે વનવિભાગે સતર્કતા દાખવી અલગ અલગ ટીમો બનાવી પાણીના કારણે ફસાયેલા 40થી વધુ કાળિયારને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જેને પ્રાથમિક સારવાર બાદ સુરક્ષિત અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મેવાસા, સવાઇનગર, ગોકુળપરા, ગણેશગઢ અને ખેતાખાટલી સહિતના ગામોમાંથી 1 હજારથી પણ વધુ કાળિયારનું વનવિભાગ દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે, ત્યારે હાલ વનવિભાગની અલગ અલગ ટીમો દ્વારા ફસાયેલા કાળિયારની શોધખોળ શરૂ કરવામાં આવી છે.