/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/4.jpg)
નાના પાટેકરનો સુપ્રસિદ્ધ, ડાયલોગ, 'એક મચ્છર સાલા આદમીકો હિઝડા બના દેતા હૈ”આ સંવાદને ચેલેન્જ આપતું નગર બારીયા. દેવગઢ બારીયા. દાહોદ જિલ્લાનું તાલુકા સ્તરનું નગર:બારીયા. અમારા પરમમિત્રની દીકરી અવધિના અમદાવાદ નિવાસી કેયુર સાથે લગ્ન બારિયામાં નક્કી થયા. લગ્નમાં અમે ગયા. દાંડિયા રાસ પછી જે મિત્રના ઘરમાં રોકાયા એમાં ચોકડી, વાડો, ડામચિયું, મંજુસ, કીચૂડ કીચૂડ કરતો હિંચકો અને ખાટલો હતો, ટેકરા પરનું ઘર, જેનું વર્ષમાં બે વાર તાળું ખુલતું હશે! આ ઘરમાં સૂતાની સાથે એક પડખે સવાર થઈ, એક મચ્છર નહિ, અને આંખ ખુલી ત્યારે અવાજ સંભળાયો કમશીન નારનો "લીંબુડાલો ...લીંબુડા":
ભરૂચમાં બારીયા ગ્રુપ છે. આ ગ્રુપનો અલગ મિજાજ, અનોખો દબદબો અને શાખ છે. એ સૌ મિત્રો મળ્યાં. ‘દંગલ ’ ફિલ્મમાં જે કારર્પેટવાળી કુશ્તી રિંગ જોઈ હતી એવી જ કુશ્તીની રિંગ સ્વ.જયદીપસિંગ બારીયા સ્પોટર્સ કોમ્પલેક્ષમાં સગ્ગી આંખે જોઈ. ઓલિમ્પીક કક્ષાનો સ્વીમિંગ પુલ જોયો. હાલમાં જ્યાં સ્ટેટ અને નેશનલ લેવલના યુવા રમતવીરોને તાલીમ આપવામાં આવે છે. જય હો! ખેલ મહાકુંભ. ગુજરાત સરકાર હસ્તગત આ જમીન, વિવિધ રમતો માટેના આધુનિક સુવિધાસભર તાલીમ ભવનો અને છાત્રાલય.
વિકિપીડિયા વેબસાઈટ પર 'દેવગઢ બારીયા' ક્લીક કરો એટલે પાનમ નદી પર વસેલું ગામ, જેની વર્ષ ૨૦૦૧ વસતી હતી ૧૯૨૦૧. ઈ.સ. ૧૮૫૪ થી ૨૦૧૭ સુધીની વિગતોનો ઉલ્લેખ જોવા, જાણવા મળશે. રાજા જયદીપસિંહજીના લગ્ન પ્રેમકુમારી સાથે થયેલા એની જાહોજલાલીની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલી છે. મહારાણી શુભાંગિનીદેવીના પુત્ર જયદીપસિંહજી ૧૯૪૮ માં રાજા બન્યા હતા. એમ.એલ.એ થયા. એમ.પી. થયા. ઓલિમ્પીકમાં ભારતના માનદ્દ સભ્ય નિયુક્ત થયા હતા. એમની દીકરી ઉર્વશીદેવીએ રાજકારણમાં ઝંપલાવ્યુ હતુ. તુષારસિંહ એમનો પુત્ર, અંબિકાકુમારી સાથે લગ્ન કર્યા, બે સંતાન અરુણોદયસિંહ અને નિર્ભયસિંહ. આ બધાજ હયાત છે ગજા અને ગજવા પ્રમાણે પ્રજાની સેવા કરે છે.
આખા વિશ્વમાં ક્યાંય જોવા ન મળે એવી અજાયબી બારિયામાં જોઈ. બાટલીમાંથી ફેન્ટા પીવાની સ્ટાઇલ. ગોધરિયા એક હાથમાં બાટલી રાખી ફેન્ટા મોઢામાં રેડે અને બીજા હાથનો ખોબો ધરી ફેન્ટાનું એક ટીપું પણ નીચે પડવા ન દે. બારિયાની ત્રણ ચીજ વખણાય. એક: ભાવનગરી કચોરી. બે: એકબત્તી સર્કલ પર જનાબ અહમદ મિયાંની સ્ટ્રોંગ સોડા અને ત્રીજી તમેજે વાંચી રહ્યા છો બ્લોગના ટાઇટલમાં શબ્દનો પહેલા અક્ષર દ્વારા બનતો ત્રણ અક્ષરનો શબ્દ મહુડો.ત્રીસેક હજારની વસતી ધરાવતા બારિયામાં દરેક ઘરમાંથી એક વ્યક્તિ અમેરિકામાં વસે છે. મકાઈના રોટલા અને વડના બે પાન વચ્ચે મકાઈનો લોટ મૂકી છાણાં પર શેકાઈને બનતી વાનગી પાનિયા જેને અડદની દાળ અને સૂકા લસણની લાલ ચટુક ચટણી સાથે ખાવા માટે તલસે છે.
બારીયા લગ્નમાં જવાનું થયું એનો સૌથી મોટો ફાયદો એ થયો સોનામહોર જેવા દિલોજાન મિત્રો મળ્યાં. આજીવન શિક્ષક ગજેન્દ્રભાઈ, એમના લઘુબંધુ દિનેશભાઇ (ચકાભાઈ)અને ધર્મેન્દ્ર શાહ. મારી સાથે બકુલભાઈ પટેલ, કનુભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ પંડ્યા હતા. ભરૂચ આવી પ્લમ્બરનું કામ કરતા અભેસંગ અમને ડુંગરિયાગામ લઈ ગયા જેમની મહેમાનગતિ ક્યારેય ભૂલાશે નહિ. સલામ ! દેવગઢ બારીયા.