/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/maxresdefault-3.jpg)
રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. આજે વહેલી સવારથી જ રાજકોટ શહેરના તમામ ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
રાજકોટ શહેરમાં ચેકિંગ દરમ્યાન જે પણ વાહન ચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરતાં ઝડપાય છે, તેમને નવા મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત જે દંડની જોગવાઈ છે, તે પ્રમાણે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે જે અરજદારો, પોલીસ કર્મીઓ, અધિકારીઓ અને જવાનો હેલ્મેટ પહેર્યા વગર પોલીસ કમિશનર કચેરીની અંદર દાખલ થતા હોય તેમને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો.
આમ પ્રથમ દિવસે જ સામાન્ય પ્રજાથી લઈ પોલીસ, અધિકારીઓ અને જવાનો કે જેઓએ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હતો, તે તમામને દંડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા લોકોની રજૂઆતને ધ્યાનમાં લઇ પીયુસી તેમજ હેલ્મેટના કાયદા અંતર્ગત તેની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો. જે સમય મર્યાદા 31 ઓક્ટોબરના રોજ પૂર્ણ થતા આજે લાભ પાંચમના દિવસથી ફરી એક વખત હેલ્મેટના કાયદાની અમલવારી શરૂ કરવામાં આવી છે.