લક્ષ્યવેધ

New Update
ખાલી બોટલ

લોકમુખે ચર્ચાય છે કે....., બિન સત્તાવાર માહિતીના આધારે, નામ નહિ છાપવાની શરતે કે અમુક તમુક વ્યક્તિ, વિસ્તાર, ગામ, શહેર, રાજ્ય કે દેશના સંદર્ભ ટાંકીને વાચકના મગજની કસોટી કર્યા વગર, તડ અને ફડ, કોઇની પણ શેહ શરમ રાખ્યા વગર, અક્ષરશઃ સાચ્ચે સાચ્ચું, ચોખ્ખુ ચણાકુ, આરપાર. નામ ઠામ નકશા તસવીર સાથે પોલ ખોલતુ અખબાર પ્રસિદ્ધ કરવાનું અમારુ આપને અભય વચન છે.

લખાણ કાળી શાહીમાં નહી પરંતુ તેજાબમાં કલમને બોળીને નીડર, નિર્ભય અખબારનવેશોની તાકાતવર, કુશાગ્ર, દીર્ઘદ્રષ્ટિનો સુભગ સમન્વય સર્જશે અને આકાર લેશે આ યુગનું અખબાર. વ્યંગ ચિત્રકાર એવા કે જેમને હસ્તગત છે કળા સીધી આંગળીએ ઘી કાઢવાની અને તીરછી પીંછીના લસરકાએ ભલભલા ચમરબંદીના લીરેલીરા ઉડાવી દેવાની. પીળા પત્રકારિત્વ સામે બિલોરી કાચ ધરી સમાજને સત્યના દર્શન કરાવવાનો અમે ભેખ લીધો છે. અમારા કમલધારીઓનું જૂથ સક્ષમ, સબળ છે. તેઓ સડેલા ઇંડાની જેમ તીવ્ર દુર્ગંધ મારતા કહેવાતા દંભી ખાદીધારીઓ અને તકવાદી પર્યાવરણવાદીઓના ધોળે દહાડે બજારની વચ્ચોવચ કપડા ઉતારશે. એમની જન્મકુંડલી આલેખીને વહીવટતંત્રને ભ્રષ્ટાચારની ભીંસમાં ભોંયભેંગુ કરતા છુપા રૂસ્તમો પળે પળે મધ જેવી મીઠડી જબાનથી પ્રજા માનસને પ્રદૂષિત કરતાં સઘળા હરામખોરોને અમે આ ભવમાં નવ નેજા પાણી ઉતરાવીશું. ગાંધીછાપ નોટોથી જેમની હથેળીની ચળ ભાંગે છે એવા નપાવટ કાળા બજારીયાંઓના કારસ્તાન ખુલ્લા પાડશે, અમારા અખબારના પાને પાને. શીલ, સંયમ અને ચારિત્ર્ય શબ્દોને જેમણે દેશવટો આપ્યો છે એમના જીવનકોશમાંથી અને પહેર્યો છે મુખવટો સમાજસેવાનો એવા પાપી, દુરાચારી અઠંગબાજોનો નકાબ ખુલશે અમારા અખબારના કટાર લેખકોએ નાગાને નાગો કહેવાની નૈતિક હિંમત કેળવી છે. હવે નહી ચલાવી લઇશું ઠાલા અને પોકળ વચનો. હવે તો જે થવુ જોઇએ એ જ થવું જોઇએ. જે કરી શકશે નહી એ ગુન્હેગાર છે. તેને સજા થવી જ જોઇએ. તેણે સ્વૈચ્છિક નિવૃતિ લઇ જે કરી શકવાને શક્તિમાન છે, કાબેલ છે તેને વહીવટ સોંપવો પડશે. દેશ કંઇ પાંજરાપોળ નથી કે ઘાસ નાંખ્યુ કે, ન નાંખ્યુ ચાલી ગયુંને વળી ખીલે બાંધેલા ઢોર ક્યાં નાસી ભાગવાના છે? આવી નીતિ રીતિ કે લાપરવાહીનો તુરંત અંત જોઇએ. ઓગણસિત્તેર વર્ષ સુધી જનતા જનાર્દન કહી અમને ગભરૂ બાળા બનાવી દીધી, હવે આ તમાશો એક ક્ષણ માટે પણ વધુ નહી ચાલે. કુંભકર્ણની નિંદ્રામાંથી હવે જો મુક્તિ નહિ અપાવી શકીએ તો અમે જાતે જ અમારા નામ નપુસંકની નામાવલિમાં લખી દઇશું. દેશની કરોડની પ્રજાના આત્માના અવાજને વાચા આપવા આકાર પામી રહ્યું છે એક સ્વયંપ્રકાશિત ઝળહળતું ગૌરવાન્વિત અખબાર- લક્ષ્યવેધ. વન્ડરફુલ, એક્સલન્ટ, સુપર્બ, મીઠાના પાણીમાં બોળીને ચાબખા ફટકારતા જેવી ચીસ નીકળે એવા આગ ઝરતા શબ્દો અને વિચારોથી શણગાર્યો છે-તંત્રીલેખ, રીયલી, આઇ એમ એક્સ્ટ્રેમલી પ્લીઝ્ડ, માય હાટલીએસ્ટ કોંગ્રેચ્યુલેશન. લક્ષ્યવેધના તંત્રીએ મને અભિનંદન કહેતા હાથ લંબાવ્યો.

હું મનોમન ખુશ થયો. મારા દેખતા તંત્રીશ્રીએ પ્રિન્ટીંગ સેક્શનમાં ઇન્ટરકોમ પર સૂચના આપી કે અખબારની ડબલ કોપી પ્રિન્ટ કરવાની છે, કાગળની વ્યવસ્થા કરી લેશો, પરમ દિવસે અખબારનો પહેલો અંક પ્રસિદ્ધ થશે.

રીસીવર મૂકી તંત્રીએ મારી સામે જોયું, આછું સ્મિત એકવાર મારી હસ્તપ્રત પર ઉડતી નજર નાંખી મારી આંખોમાં આંખ પરોવી બોલ્યા, “મને ખબર નહી કે તમારા દિલમાં જ્વાળામુખી ભડકે બળે છે. તમને એસીડીટી તો નથીને – હું તંત્રીનો જોક સમજી ગયો પણ હસ્યો નહી એટલે તંત્રી બોલ્યા, ડોન્ટ ટેક ઇટ સીરીયસલી – આઇ એમ જસ્ટ જોકિંગ. બાઇ ધ વે – આ લેખ લખ્યો ક્યારે ? અહીં આવીને લખ્યો કે લખીને જ લાવ્યા હતા ?”

મેં ઉત્તર આપ્યો, “અહીં જ લખ્યો, હમણાં જ લખ્યો.” ફરીવાર એમણે મારી હસ્તપ્રત પર ઉડતી નજર નાંખી અને કહ્યું, “રીયલી, વન્ડરફુલ. બે પાનાની તમારી પ્રતમાં એક જગ્યાએ પણ ચેકચૂક નથી. આજ ઓરીજીનલ કોપી છે કે ફેર લખીને મને બીજી કોપી આપી છે ?” “અહીં આવીને લખવા બેઠો અને જે લખાયું તે આપની સામે છે”, મેં ઉત્તર આપ્યો.

“ઓ.કે. જુઓ આજે ચોવસમી જાન્યુઆરી છે. લક્ષ્યવેધનું ઓપનીંગ છવ્વીસમી જાન્યુઆરીએ છે. પ્રજાસત્તાક દિનની જાહેર રજાના કારણે સત્તાવીસમીએ અન્ય અખબારો પ્રસિદ્ધ થશે નહી, આપણા પ્લાનીંગ પ્રમાણે સત્તાવીસમીએ લક્ષ્યવેધ પ્રસિદ્ધ કરીશું. આપણે અખબારને બહોળા વાચકવર્ગ સુધી પહોંચાડવાની એક પણ તક જતી કરવા માંગતા નથી. અખબાર નવું છે એટલે કદાચ એવુ પણ બને કે બે દિવસમાં લક્ષ્યવેધને ચર્ચાપત્રો નહિ પણ મળે! શુભેચ્છા સંદેશ મળશે પણ આપણને જરૂર છે ચર્ચાપત્રોની. તમે જેવો તીખો તમતમતો તંત્રીલેખ લખ્યો છે એના વખાણ અને છાલ ઉખેડી નાંખતા બે-ત્રણ ચર્ચાપત્રો પણ લખી નાંખો.”

હું મારા ટેબલ પાસે ગયો. એ જ કાળા તેજાબમાં બોળીને લખેલી મારી કલમ કાઢી, કાગળની ઠોકડી લીધી અને લખવાનું શરૂ કર્યું.

અભિનંદન

  • પોલીસ થર્ડ ડીગ્રીના રિમાન્ડ લેતા હોય એવો તંત્રીલેખ વાંચવો ગમ્યો.

લખવ સહેલું છે, આચરણમાં મુકજો

  • કૃષ્ણચંદ ધરમદાસ ગાંધી, પોરબંદર
  • લક્ષ્યવેધ કેટલા વધ કરશે?

અર્જુનને બે આંખ હતી પણ એને પક્ષીની તો માત્ર એક જ આંખ દેખાતી હતી.

શું તંત્રીને ચાર આંખ હોય છે કે એકસાથે અનેકનો ભોગ લેશે?

તંત્રીલેખ શક્ય હોય તો થોડો લાંબો લખશો

અભિનંદન

  • ચોથી જાગીરનો પ્રહરી પ્રજાને જગાડે, એની કાનપટ્ટી આ મળે નહિ. તંત્રીલેખ વાંચી એમ લાગ્યું કે કોઇ પાગલના હાથમાં મશીનગન આવી ગઇ છે. દેશે આહલાદ વર્ષોમાં છે ક અધોગતિ જ કરી છે એવું નથી. જો તંત્રીને દૂરનું સાફ દેખાતુ નહિ હોય. તો ભરૂચ પધારજો. અહીં અંખના નિષ્ણાત ડૉક્ટર છે. અને હા, મનોચિકિત્સક પણ છે. તંત્રીલેખ બીટવીન ધ લાયન્સ હોવો જોઇએ. વાચક તમારી જેમ મુર્ખાણામ શિરોમણિ હોતા નથી કે તમે જે કાંઇ ઉટપટાંગ છાપી નાંખો તે સાચું માની લે. હથેળીમાં ચાંદ ન બતાવો તો પ્રજા પર મોટો ઉપકાર થશે. ક્યારેક પાપડી ભેગી ઇયળ બફાઇ પણ જાય, પણ એથી કંઇ કાયદો, વ્યવસ્થા અને ન્યાયતંત્રને હાથમાં ન લેવાય. તમે તો વાદી, પ્રતિવાદીને સાંભળ્યા વગર જ હેન્ગ હીમ અન ટુ ધ ડેથ હુકમ ફરમાવો છો. શાહી, કલમ અને કાગળને તેજાબથી ન અભડાવશો એતો નર્યુ બાલિશપણું કહેવાય.

નપુસંકની નામાવલીમાં નામ નોંધવવાનો શોખ હોય તો વાર શેની જુઓ છો? વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ – ભારત છે. આ દેશના કેટલાક પ્રાણપ્રશ્નો છે પણ એથી લક્ષ્યવેધ નામ ધારણ કરી આંગળીના વેઢે ગણી શકાય એટલે દાનવોનો નાશ કરી દેવતા બની શકાતુ નથી. આકાશી રમત રમવાનું છોડી, મેદાની રમત ગોલ્ફ રમો તો આપોઆપ વાસ્તવિકા અનુભવશો અને એને સ્વીકારતા થઇ જશો. કોને ખબર કે અંદરખાનેથી કયા રાજકારણી કે કાળાબજારીયાનો લક્ષ્યવેધમાં કેટલા ટકા ભાગ છે.

એ જમાનો ગયો કે ગાલે તમાચો પડે તો બીજો ગાલ ધરવો. આજે તો પોતે તમાચો મારી ગાલ લાલ રાખવો પડે એવી નગ્ન વાસ્તવિકતા છે. ઇશ્વર આપને સદબુદ્ધિ આપે કે જલ્દીથી લક્ષ્યવેધના તંત્રીપદેથી તમે રાજીનામુ આપો.

કળીયુગમાં ક્યારેય પ્રસિદ્ધ ન પામી શકનાર અખબારના પ્રથમ અંકનો તંત્રીલેખ વાંચી આવા કંઇક ભાવ મનમાં ઉદભવ્યા છે. લક્ષ્યવેધનું બાળમરણ નિશ્ચિત છે. જો તમારા જેવા તંત્રી, તંત્રીપદે વખુ વખત રહેશે તો.

  • રેખા જોબનપુત્રા, ભરૂચ

તંત્રીના ડેસ્ક પર ચર્ચાપત્રોના ત્રણ ફરમાવીને સાથે એક કવર મૂકી હું લક્ષ્યવેધ કાર્યાલયના પગથિયા સડસડાટ ઉતરી ગયો. તંત્રીએ એ જ અદાથી ચર્ચાપત્રો વાંચ્યા હશે ! અને કવર ખોલ્યું હશે કે એ જ તેજાબી શાહીથી લખ્યુ હતું – રાજીનામુ.

Latest Stories