કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વર ખાતે ઊમટ્યું ઘોડાપૂર
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
‘યોગીરાજ રંગ અવધૂત’ ગુજરાતી બાયોપિકનું ટીઝર રજૂ કરાયું
બાપજીના દર્શન સહિત ટીઝર નિહાળી શ્રધ્ધાળુઓ કૃતાર્થ થયા
મોટી સંખ્યામાં સંતો-મહંતો તેમજ ભક્તોએ ધન્યતા અનુભવી
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નર્મદા નદીના કિનારે આવેલા પવિત્ર યાત્રાધામ નારેશ્વર ખાતે પ.પૂ. ગુરુહરિ શ્રી રંગ અવધૂત મહારાજના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આજરોજ વ્યાસ પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમાનો તહેવાર… માતા-પિતા બાદ જીવનના ઘડતરમાં ગુરુનું ખૂબ મહત્વ હોય છે, ત્યારે આજરોજ ગુરુઓને વંદન અને પૂજન કરવાના ઉત્સવ ગુરુપૂર્ણિમા નિમિત્તે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પવિત્ર યાત્રાધામ નારેશ્વર ખાતે વહેલી સવારથી જ ભકતોનું ઘોડાપુર ઊમટ્યું હતું.
ગુજરાતભરમાંથી લાખો ભક્તો રંગ અવધૂત મંદિર ખાતે દર્શાનાર્થે ઉમટી પડ્યા હતા. નિજ મંદિર ખાતે મંગળા આરતી બાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પવિત્ર અવસરે શ્રી રંગ અવધૂત મહારાજના જીવન પર આધારિત ગુજરાતી બાયોપિક ‘યોગીરાજ રંગ અવધૂત’નું ટીઝર રજૂ કરવામાં આવ્યું હતું. બાપજીના દર્શન સાથે ટીઝર નિહાળી ભક્તો કૃતાર્થ થયા હતા.
