"વર્લ્ડ થિયેટર ડે : દરવખતે જિંદગીના નાટકના અંત સુખાંત હોતો નથી, ભરતમુનિ ક્યા કરે હમ?"

New Update
"વર્લ્ડ થિયેટર ડે : દરવખતે જિંદગીના નાટકના અંત સુખાંત હોતો નથી, ભરતમુનિ ક્યા કરે હમ?"

ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં અનેક નિયમ અને પધ્ધતિઓ લખવામાં આવી છે. ભરતમુનિ સાહજીક રીતે માનતાં કે થિયેટર આનંદપ્રમોદ માટે છે. વ્યક્તિ કે સમાજને જો સુખનો અનુભવ થશે તો ફરીથી આવશે. વેદકાલિન સમયથી માણસજાત સ્ટ્રેસમાં જીવે છે. રામાયણ, ભાગવત, મહાભારત કે વેદકાલિન વાર્તાઓના પાત્રોમાં પણ માણસનો સ્ટ્રેસ જોવા મળે છે. જગતમાં આવેલો માણસ જાણે અજાણે સમસ્યાઓમાં સપડાતો જ હોય છે. તેની પોતાની અસંખ્ય સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા થિયેટરમાં જાય છે, અને ત્યાં પણ એ જ સમસ્યાઓની ચર્ચા હોય તો થિયેટરથી દૂર થઈ જાય. ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં નિયમ છે કે નાટકનો અંત સુખદ હોવો જોઈએ. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના અંતિમ દૃશ્યમાં ટ્રેન ઝડપથી ચાલવા લાગે છે પણ બાપ કહે છે કે સિમરન ભાગ જા....અને ફાસ્ટ ભાગતી ટ્રેનમાં સિમરન ચડી જાય છે. દર્શકોને પણ ખાત્રી હતી કે, સિમરન ટ્રેન ચૂકી જવાની નથી. અંત સુખદ જોઈએ. આ આપણા સ્વભાવમાં આવી ગયું છે.

આપણે ગમે તેટલી સમસ્યાથી ઘેરાયેલા હોઇએ, પણ અંત સુખદ આવશે એ આશામાં જીવતા રહીએ છીએ. બિમારી, બેરોજગારી, નુકશાની કે ઇચ્છાપૂર્તિ માટે સમયની રાહ જોઈએ છે, કોઈ બાધા આખડી માની લઇ સમય પસાર કરીને સોલ્યુશન શોધીએ છીએ. આખરે જ્યોતિષ પણ શું કરે છે, શ્રદ્ધા આપીને સમય પસાર કરાવી દે છે. જો સમસ્યાનું નિરાકરણ થાય તો આનંદની વાત છે, ના થાય તો આપણે જ્યોતિષ, માર્ગદર્શક કે જરૂર પડે તો ભગવાન પણ બદલી નાખીએ છીએ. રામાયણ, મહાભારત, શિવપુરાણ, દેવી ભાગવત, શ્રીમદ ભાગવત કે તે પછીના ગાળામાં લખવામાં આવેલા નાટકોમાં અનેક સુખદુઃખના પ્રસંગો છે, પણ અંતિમ ભાગ સુખદ જ લાગે છે. સત્યનો અસત્ય પર વિજય થતો જ દેખાય છે. ખરેખર તો જિંદગીની વાસ્તવિકતા નવો જ રંગ બતાવે છે, જેની કલ્પના પણ હોતી નથી. મહાભારતની લડાઈ સત્ય પર વિજય છે, છતાં દ્રૌપદીને જ ખબર હશે કે પાંચ પૂત્રો અને વિજેતા ભાઇને ખોવાનું દુઃખ કોને કહેવાય....

કવિ કાલીદાસનું શિવ પર આધારિત કુમારસંભવ મોર્ડન મેનેજમેન્ટના અનેક રુલ્સ શીખવી જાય છે, તો ફૂલ એન્ટરટેઇનમેન્ટ થી ભરપૂર મસાલા ફિલ્મ જેવું શુદ્રકનું મૃચ્છકટિકમ ફેશન, માણસની નીચતા અને અધકચરું જ્ઞાન પર વેધક કટાક્ષ કરે છે.

તાડકાસૂર રાક્ષસનો વધ શિવપુત્ર કરી શકે. શિવના પત્ની સતી તો સતી જ થઈ ગયાં હતાં. શિવનો પુત્ર લાવવો ક્યાંથી? પાર્વતીજી ને શિવ સાથે લગ્ન કરવા હતાં. કામદેવ દેવોની સભામાં કહ્યું કે, પાર્વતીજી તૈયાર છે, શિવને તૈયાર કરવા તો સાવ આસાન છે. મિત્ર વસંતને બોલાવી અદભૂત કામૂક વાતાવરણ તૈયાર કરી દીધું. ભગવાન શિવે આંખ ખોલીને પાર્વતીના રુપે અંજાઇ પણ ગયાં. બીજી જ ક્ષણે કામદેવની રમત નજરે ચડી. ક્રોધિત શિવે કામદેવને ભસ્મ કરી દીધો. બહુ સાદો નિયમ શિખવાડી દીધો કે દરેક કસ્ટમર સરખા હોતા નથી. જે આઇડિયા કરવાથી ભૂતકાળમાં સફળ રહ્યા હોય તો જરૂરી નથી કે એ જ આઇડિયા હમેશા સફળ થાય. અમિતાભ થી રણબીર કપૂર ની સફળતાનુ કારણ જ આ છે, કે તેઓ મોનોટોનસ રહ્યા નથી. સફળતા મેળવવા સતત બદલાવ લાવવો જરૂરી છે. કામદેવ અનેક રૂષિ મુનિઓ, રાજાઓ કે રાક્ષસો પર સફળતાપૂર્વક પ્રયોગ કરી ચૂક્યો હતો. કોઈ વાર સામેની વ્યક્તિ પણ હોય. સફળતાની ફિક્સ ફોર્મ્યુલા નથી, પણ ફોર્મ્યુલાની સફળતા માટે સ્ટ્રેટેજી બદલતા રહેવી પડે. દુશ્મન કે કોમ્પીટીશન કરતી કંપનીને જોયા વિના આપણી જ સ્ટ્રેટેજી રમવા જવામાં નુકસાન થતું હોય છે. મૃચ્છકટિકમનો વિલન શકાર રામાયણના ઉદાહરણ મહાભારતમાં કે દ્રૌપદીને રામાયણમાં લાવી દે, આજે પણ ધર્મના નામે લેક્ચર આપતાં કે મોટી મોટી વાતો કરનારા પણ ફેકમબાજી જ ચલાવતા હોય છે.

વિશ્વ થિયેટર દિવસે જે ક્યારેય બ્લેક એન્ડ વ્હાઇટ નથી બની, એવી જિંદગીની રંગીન રંગભૂમિ માણતા રહીએ. સુખદ, દુઃખદ, કોમેડી કે ટ્રેજેડીના રંગો જોતાં આપણા સત્યને જીતાડતા રહીએ.

Deval Shastri

Blog by : Deval Shastri

Latest Stories