/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault29.jpg)
વલસાડ જિલ્લામાં સતત કમોસમી વરસાદને કારણે ધરમપુર અને કપરાડાના આદિવાસી ખેડૂતોની દિવાળી અને નવું વર્ષ તો બગડ્યું જ છે, સાથે સાથે આખા વર્ષની આવક આપતો ડાંગરનો પાક પણ બગડી જતા તેમની હાલત દયનીય બની છે.
દિવાળીનો તહેવાર લોકો માટે ખુશીઓનો તહેવાર હોય છે, પરંતુ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના લોકો માટે આ તહેવાર આફતરૂપી સાબિત થયો છે. કમોસમી વરસાદને કારણે વિસ્તારના 70થી 80 ટકા ડાંગરના પાકને ભારે નુકશાન થયું છે. એક એકર દીઠ 50,000 રૂપિયા જેટલી આવક થતી હોય છે અને તે આવક માટે 22000થી 28000 જેટલો ખર્ચ મજૂરી સાથે થતો હોય છે, પરંતુ આ વર્ષે કેટલાય લોકોને અવિરત વરસાદના કારણે ખાસ્સું નુકશાન થયું છે. વરસાદને લઈને ઉભા પાક બેસી જતા ખેડૂતોને ભારે નુકશાન થયું છે. આ સાથે જ શાકભાજીમાં મરચા તેમજ અન્ય શાકને પણ નુકશાન થયું છે.
વલસાડ જિલ્લાના ઓઝર, દૂલસાડ, કુરગામ, ફલધરા જેવા વિસ્તારમાં પણ ખેતી પાકને મોટું નુકશાન
થયું છે. એક બે વીઘામાં ડાંગરના પાકની ખેતી કરતા લોકોને પાકથી તો નુકશાન થતું જ
હોય છે, પરંતુ કમોસમી વરસાદને લઈને પશુપાલનને પણ નુકશાન થયું છે. ભાત ઝૂડી નાખ્યા બાદ
તેના પૂડાની પણ મોટી આવક છે. ઘરમાં પશુપાલનમાં વાપરે તો ઢોરના ખોરાકનો મોટો હિસ્સો
આમાંથી જ નીકળી જતો હોય છે. કમોસમી વરસાદને કારણે પૂડા પણ હવે ઢોરને ખાવા લાયક
રહ્યાં નથી. એક પૂડાની કિંમત આજે 3 રૂપિયા છે, જે અંદાજીત એક એકરમાં 30000થી 35000 હજાર રૂપિયા હોય શકે. હવે તેનું પણ ખેડૂતોને નુકશાન થયું છે.