સાંબેલાધાર

New Update
સાંબેલાધાર

ઓદ્યોગિક રીતે વિકાસ પામતું દરિયા કિનારે વસેલું એક ગામ. ગામનો છોકરો શહેરની કોલેજમાં જઈને સ્નાતક થયો . કૃષિ વિશ્વવિદ્યાલયનું સર્ટિફિકેટ મળ્યું ને જંગલ ખાતામાં અધિકારી તરીકે નોકરી મળી. ગામથી સો કિલોમીટર દૂર આવેલા જંગલમાં પોસ્ટિંગ મળ્યું. પ્રેમબહાદુરસિંહના પિતાએ નવી નક્કોર રાજદૂત મોટરસાઇકલની ચાવી આપતા કહ્યું, " ગામથી શહેર અને ત્યાંથી તારા પોસ્ટિંગ સુધી બસમાં ન જવાય. આ ફટફટિયાની ટાંકી ભરેલી રાખજે તો પરિવારનું પેટ ક્યારેય ખાલી રહેશે નહિં.

પ્રેમબહાદુરસિંહ પરણેલો. પત્ની કુંદનબા લગ્નના પહેલા વર્ષે પુત્રરત્ન અવતર્યો, નામ પાડ્યું અજયસિંહ. પ્રેમબહાદુરસિંહ સોમથી શનિ સો કિલોમીટર દૂર રહે, શનિવારની રાતથી સોમવારની પરોઢ સુધી કુંદનબા અને અજયસિંહ સાથે રહે. ઋતુચક્ર બદલાયું. વર્ષારાણી સોળે કળાએ ખીલી ઊઠ્યા. ગામમાં છુટોછવાયો વરસાદ પડવા લાગ્યો. એક સોમવારે ઊઠવામાં મોડું થતા, કુંદનબાએ વિનંતી સ્વરમાં કહ્યું,"સવારનું ભોજન કરીને જ નીકળો’’, પ્રેમબહાદુરસિંહને ક્યાં ખબર હતી કે આજે રાતનું ભોજન જિંદગીમાં ટર્નિગ પોઈન્ટ લાવશે.

પ્રેમબહાદુરસિંહે જમી પરવારીને ગામ છોડ્યું, શહેરમાંથી તીરની જેમ જંગલના રસ્તે પ્રવેશ્યો કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, વીજળીના કડાકા ભડાકા સાથે આભ ફાટે એમ સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો. એક ઘટાદાર વૃક્ષ નીચે મોટરસાયકલ સ્ટેન્ડ પર ચઢાવી, થેલામાંથી છ સેલની બેટરી કાઢી ચારે તરફ આશરો શોધવા નજર દોડાવી તો મનોમન હસવું આવી ગયું . બગલમાં છોકરુંને ગામમાં શોધવા નીકળે એવો ઘાટ. મોટરસાયકલ લોક કરી, થેલો ખભે ભેરવી વૃક્ષની પાછળ ભાગે દસ ડગલાં ચાલ્યો ત્યાં તો એક ઝૂંપડી હતી. ઝૂંપડીમાં દીવો ટમટમે. જેવો ઝૂંપડી પાસે પહોંચ્યો કે બારણાની કળ ખૂલી "અંદર ચાલ્યા આવો " હોરર ફિલ્મમાં થાય એવી ઘટના પ્રેમબહાદુરસિંહ સાથે બની રહી હતી. વરસાદમાં તરબોળ થયો

હોવા છતાં પરસેવે રેબઝેબ થઇ ગયો. ફટફટિયાનો અવાજ સાંભળી હું બહાર જોવા દોડી, અટાણે, મુશળધાર વરસાદમાં કોણ હશે? તમે તો બેટરી ચારે તરફ ઘુમાવતા કશુંક શોધતા હોય એવું લાગ્યું. લાવને બૂમ પાડું એવું પણ વિચાર્યું પણ ત્યાંજ ઝૂંપડીનું બારણું ખુલ્લું રહે તો દીવો હોલવાઈ જાય એટલે બારણું બંધ કરી ફાટમાંથી તમને જોતી રહી. આ ખાટલામાં સુતા છે એ મારા ધણી છે "એ જાગશે અને પૂછશે કે આ કોણ છે ? તો શો જવાબ આપશો" "ઈ"તો મહુડો ઢીંચીને સુઈ ગયા છે હવે સૂરજદાદા માથે આવશે ત્યારે જાગશે". આમ આવો ! ચૂલો સળગાવું છું, તાપ લેશો તો હાડકામાં ભરાયેલી ઠંડી ઉડશે"એક અજાણી, અભણ સ્ત્રી પરપુરુષ સાથે સહેજ પણ શરમ સંકોચ વગર આટલી વાત કરી શકે ? મને કુંદન યાદ આવી. એ તો અજાણ્યા મર્દ સાથે દસ ગાંવ છેટું રાખે.

ખાટલાની આડશમાં એક પાટિયું હતું , મેં ત્યાં ઊભા રહી કપડાં બદલ્યાં. ચૂલો સળગી ચુક્યો હતો. એની પર તપેલીમાં કંઈ ઉકળતું જોયું. ટુવાલથી વાળ લૂછતો ચૂલા પાસે આવ્યો એટલામાં એને રકાબીમાં ઘેરા બદામી રંગનું પ્રવાહી રેડ્યું અને કહે, "એક જ શ્વાસે પી જાવ, ગરમાટો આવશે. ગરમાટો શબ્દ સાંભળતા જ કુંદને આપેલો ડબ્બો યાદ આવ્યો. બેગ ખોલી ડબ્બો લાવ્યો. એમાં સુખડી હતી. મેં વિચાર્યું મુશળધાર વરસાદ અજાણી સ્ત્રી અને સુખડી ભાગ્યમાં શું લખાયું હશે! ડબ્બો ખોલી એની સામે ધર્યો, આનાકાની કર્યા વગર એણે એક ટુકડો લીધો અને મારી સામે ધર્યો. એની આ કોઠાસૂઝ બદલે મારું ચાલે તો સ્નાતક, અનુસ્નાતક, એમ.ફીલ., પી.એચ.ડી.ની ઉપાધિ એકસાથે એને આપી દઉં. મેં પ્રેમથી ટુકડો ખાધો. સુખડીના એ ટુકડાએ મારી જિંદગીના સુખનો પાસવર્ડ બદલી નાખ્યો. સવાર પડી. પેલી સ્ત્રીના પતિએ બૂમ પાડી ત્યારે મને ખબર પડી કે એનું નામ જીવી હતુ. જતાં જતાં મેં એના હાથમાં થોડાક રૂપિયા મૂક્યાં.

શનિવાર ક્યારે આવે એની રાહ જોવામાં સોમ થી શુક્ર ગયા. શનિવારે જાણી જોઈને વહેલો ગામ જવા નીકળ્યો. ઝુંપડી આવી. પતિ અને પત્ની મારી કાગના ડોળે રાહ જોઈ રહ્યા હતા. મને પ્રસન્નતાપૂર્વક આવકાર્યો. મેં પતિને પોટલી પીવાના પૈસા આપ્યાં, એ ગયો તે ગયો. હું ઝુંપડીમાં રોકાયો. ચૂલો સળગાવ્યા વગર અમે શેકાયાં. મારા ગામથી સો કિલોમીટર જંગલની નોકરી મને સદી ગઈ. ગામમાં અભયસિંહનો બાપ બન્યો અને ઝુંપડામાં રામ,લખણ જોડીયાનો. સરકાર મા-બાપની એટલી મહેરબાની કે જંગલખાતાનો અધિકારી બે ઘર ચલાવી શકે એટલી લક્ષ્મીજીની કૃપા વરસાવતો રહે. મારી નિવૃત્તિને સાત વર્ષ બાકી હતા. એક સોમવારે પરોઢે ગામથી નીકળ્યો. ચાલુ મોટરબાઈકે મને છાતીમાં દુઃખાવો ઊપડ્યો . હું રસ્તાની એક કોરે ફંગોળાયો. આંખ ખુલી ત્યારે શહેરની હોસ્પિટલના આઈ.સી.યુ.માં છ ઇંચના ચોરસ કાચમાંથી કુંદન, અજયસિંહ અને અભયસિંહ હાથ હલાવી હું બેભાન હતો એવુ સમજાવતા હતા. હવે ભાનમાં આવી ગયો એ ત્રીજે દિવસે મને ડીલક્ષ રૂમમાં ખસેડવામાં આવ્યો મારો પરિવાર ખાટલાની ચારેકોર હતો. સળિયો ગોળ ફેરવી મને પલંગમાં બેઠો કર્યો. કુંદનબા મારા કાનમાં કહે "તમારા બંને કુંવરે તમને જીવતા રાખવા આસમાન જમીન એક કર્યા. મેં બંનેને પાસે બોલાવી કહ્યું, " આ કાગળ પર સરનામું છે, ત્યાં જજો. રામ,લખનને મળજો. એની માતા જીવીનો કુંદનબા સાથે રૂબરૂ મેળાપ કરવાજો. કુંદનબા જીવીને મળીને આપણા પરિવાર સાથે તેનું કેવું સગપણ કહેવાય એ નક્કી કરશે. આટલું બોલી મેં મારા ઓક્સિજન સિલિન્ડરનો વાલ્વ બંધ કરી દીધો.

આજે રામ લખન કોલેજના છેલ્લા વર્ષમાં અભયસિંહ સાથે અભ્યાસ કરી રહ્યા છે. ગામમાં કુંદનબાની ડેલીએ જીવી ચૂલો સળગાવી વાળુ બનાવી પાંચેય જણા વાળુ કરી તૃપ્તિનો ઓડકાર ખાય છે.

Latest Stories