સુરત : ડેન્ગયુને નાથવામાં તંત્ર નિષ્ફળ, 13 વર્ષીય બાળકનું થયું મોત

New Update
સુરત : ડેન્ગયુને નાથવામાં તંત્ર નિષ્ફળ, 13 વર્ષીય બાળકનું થયું મોત

સુરત શહેરમાં ઉઠેલી રોગચાળાની બૂમ વચ્ચે માન દરવાજ ખાતે ધોરણ 5માં અભ્યાસ કરતો 13 વર્ષીય દાનીસ અસગર અલી નામના વિદ્યાર્થીનું ડેન્ગયુના કારણે મોત નિપજ્યું છે. માસુમના  મોતને પગલે પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. આરોગ્ય તંત્રની રેઢિયાળ કામગીરીના પાપે માતા-પિતાને માસુમ પુત્ર ગુમાવવો પડ્યો છે.

સુરત માન દરવાજા વિસ્તારમાં ડેન્ગ્યુથી ધોરણ 5માં અભ્યાસ કરતો 13 વર્ષીય દાનીસ અસગર અલી નામના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. દાનીસને ગત 22મીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને તાત્કાલિક એપલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. શુક્રવારની સાંજે ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

દાનિશનું ડેન્ગ્યુના કારણે પાંચ દિવસની સારવાર બાદ અચાનક મોત નિપજતા પરિવારજનો સહિત સ્થાનિક રહીશો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. તો બીજી બાજુ સ્થાનિક વિસ્તારમાં બીજા પણ આઠ-દસ ડેન્ગ્યુના કેસ હોવાની ફરિયાદ સામે આવી છે. બાળકના મોત બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તંત્ર દ્વારા મચ્છરોના બ્રીડિંગ શોધવાની કવાયત શરૂ કરી ધુમાડાનું ફોગીંગ કરવામાં આવ્યું રહ્યું છે, જ્યારે શહેરમાં અત્યાર સુધીમાં 739 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. સુરત શહેરમાં ગત વર્ષ કરતા 15થી 20 ટકા જેટલો કેસમાં વધારો થયો છે. વહીવટીતંત્ર રોગચાળાને કાબુમાં લેવામાં નિષ્ફળ રહયું હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહયાં છે. 

Latest Stories