/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/06173949/maxresdefault-61.jpg)
સુરતના ભવાની રોડ પર આંગડીયા પેઢીમાંથી બહાર આવેલા વેપારી પર ખંજવાળનો પાવડર
નાંખી લૂંટારૂઓ ચાર લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયાં છે. ઘટનાની જાણ પોલીસને
થતા મહિધરપુરા સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. પોલીસે સીસીટીવી
કેમેરા આધારે આરોપીઓને પકડવા તાપસ હાથ ધરી છે.
સુરતના મહિધરપુરા વિસ્તારમાં લેસ અને દુપટ્ટાનો વેપારી પોતાના રૂપિયા આર.કે.
આંગડિયા પેઢીમાં આવેલા હોવાથી તેઓ રૂપિયા લેવા માટે આવ્યાં હતાં. તેઓ આંગડીયા
પેઢીમાંથી નાણા લઇને બહાર આવ્યાં ત્યારે કેટલાક લોકોએ તેમના પર કોઇ પાવડર નાંખતા
તેમને ખંજવાળ શરૂ થઇ ગઇ હતી. તે સમયે બે યુવાનોએ આવી તેમને તમારા શરીર પર કીડા
ચાલી રહયાં છે તેમ જણાવ્યું હતું. એક યુવાન વેપારીને નજીકમાં આવેલી દુકાન પર શરીર
સાફ કરવા લઇ ગયો જયારે બીજો યુવાન વેપારીની મોપેડ લઇને ભાગી છુટયો હતો. મોપેડની
ડીકીમાં આંગડીયા પેઢીમાંથી લાવેલા ચાર લાખ રૂપિયાની રોકડ રકમ પણ હતી. આખી ઘટના
નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ઘટનાની જાણ પોલીસ ને થતા મહિધરપુરા
પોલીસ સહિત ડી.સી.પી અને ક્રાઇમ બ્રાન્ચ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.
આંગડીયા પેઢીની બહાર બનેલી ઘટના બાદ વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. પોલીસે
સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.