વિમેન્સ ડે, ભારતીયો હમેશા એક વાત રટતા હોય છે કે અમે તો અર્ધનારીશ્વરથી માંડી મહીલાઓની ભગવાન તરીકે હમેશા સ્ત્રી શક્તિની ઉપાસના કરીએ છીએ. સો ટકા સાચી વાત કે ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિની ઉપાસના કરવામાં આવી છે, પણ નારી કેવી? જેના હાથમાં હથિયાર છે, જે શક્તિશાળી છે. જે દુશ્મનનું ગળું કાપી શકે છે... એ જ નારીની ઉપાસના કરવામાં આવી છે. બાકી જાહેર માર્ગો પર કે નાના મોટા ઝઘડા જોઈ લેવા.... જાહેરમાં બેફામ રીતે બોલાતી ગાળો હમેશા નારીત્વને સંબોધીને જ બોલવામાં આવે છે.
ખેર, છોડો .....વિશ્વ મહિલા દિવસે બહુ બધા સ્લોગન આવશે. અનેક સ્થળે તેમજ ઠેકઠેકાણે નારીશક્તિ માટે ભાષણો અને રેલીઓ થશે. નારીઓને હથિયાર વાપરવાનું કહેવામાં આવશે. સારી વાત છે. સમાજે મહીલાઓ માટે સમય સમય પર એજ્યુકેટ અને મોર્ડન બનવું જોઈએ એ બાબત પર ભાર મૂકવો જોઈએ.
આ જેટલું દેખાય છે, એટલું આસાન પણ નથી. મહદઅંશે ભારતમાં ઉચ્ચ મધ્યમ અને ઉચ્ચ વર્ગને આમ ભારતીય મહીલાઓ ની સમસ્યાઓની ખબર પણ હોતી નથી...આ દેશમાં ઘણું બધું ટોળાશાહી અને હૈસોહૈસોમાં ચાલે જાય છે. અક્ષયકુમારે કહ્યું કે મહિલા હાઇજીનનો પ્રોબ્લેમ છે તો ત્યાં તૂટી પડો. આવતા વર્ષે કોઈ નવો વિષય આવશે તો એમાં જોરથી તૂટી પડવું. અપની અક્કલ કોણ લગાવે? આપણી આસપાસ રહેતી કે નજીકના ગામડામાં રહેતી મહિલાઓને શું સમસ્યા છે, એ કેવી રીતે નિવારણ કરે છે અને એમાં આપણે વધુ સારું કરી શકીએ કે કેમ એ વિચારવાનો સમય જ ક્યાં છે? મહીલા જાગૃતિ હોય કે સ્વચ્છતા અભિયાન કે વૃક્ષારોપણ....ફોટોસેશન બની ગયું છે. છાપામાં આવી ગયું એટલે પત્યું. ખેર એની પણ એક મજા છે, કદાચ આ રીતે પણ જાગૃતિ આવતી હોય તો આપણે શો વાંધો હોય? કમસેકમ એટલો ચોક્કસ ખ્યાલ રાખજો કે કાર્યક્રમના નેપથ્યમાં કે આયોજનમાં એકપણ અપશબ્દ ન આવે....
આપણે તો બીજી જ વાત કરવી છે. લેખક સિમેનોની વાત "ધ ડોર" ની વાત કરવી છે. જે એક મહિલા ની મેચ્યોરીટી અને મોરલની વાત કરે છે. ધ ડોરનું મુખ્યપાત્ર બર્નાર્ડ ફૉય છે. તેની પત્ની નેલી સાથે પેરિસના સામાન્ય વિસ્તારમાં રહે છે. બર્નાર્ડ ફૉય એક બહાદુર સૈનિક હતો અને કોઈ કાર્યવાહીમાં સુરંગ ફાટતાં બંને હાથ ગુમાવી દે છે. હાથના બદલે આર્ટિફિશિયલ સળીયાથી કામ ચલાવવું પડે છે. બર્નાર્ડ ફૉયના પિતા ઘોડાગાડી ચલાવતા હતાં. એક અકસ્માતમાં તે મૃત્યુ પામે છે. ફૉય જ્યારે સૈનિક હતો ત્યારે તેને ફિલ્મો જોવાનો શોખ હતો. તે ગરીબ એવી ડોરકીપર નેલીના પ્રેમમાં પડે છે. નેલીનો બાપ દારૂડિયો છે. ફૉય અને નેલી લગ્ન કરે છે, બર્નાર્ડ ફૉય અકસ્માતમાં બંને હાથ ગુમાવે છે.
અપંગ પતિ સાથે રહેતી નેલીને આવક ઓછી પડતા નોકરી કરવા જાય છે. સવારે પતિને નવડાવીને નેલી નોકરી પર જાય છે. પતિ આખો દિવસ ઘરમાં રહે છે અને નેલી આખો દિવસ કામ પર રહે છે. તકલીફો વચ્ચે સમય વીતી જાય છે.
બર્નાર્ડ ફૉય ચાલીસી પસાર કરે છે અને નેલી ત્રીસી પસાર કરે છે. નવરુ મન શંકાઓ કરવાનું શરૂ કરે છે. ઘરમાં રહેતો ફૉય આખો દિવસ આસપાસ ચાલતી પ્રવૃત્તિ જોયા કરે છે અને તેમાં તે દરેક પ્રવૃત્તિ માટે સમય કેટલો લાગે તે ગણતો થાય છે. પત્નીને દૂરથી આવતી જુએ તો ઘરે આવતા પરફેક્ટ કેટલી મિનીટ લાગે તે પણ ગણી શકે છે. આસપાસ ઘરમાં કોઈ જાય તો કેટલીવારમાં શું કરી શકે તેનો પાકો અંદાજ લગાવતો થઈ ગયો હતો.
ફૉયની આ ગણતરીની આદત ધીમે ધીમે પત્ની માટે થવા લાગી. પત્નીને નોકરીમાં કેટલા કલાક થયા હશે, આ દરમિયાન કેટલા પુરુષો ને મળી હશે....બસ....ત્યાંથી શંકા શરૂ. બંધ ઘરમાં સમય માપન પ્રવૃત્તિ એક માત્ર વ્યવસાય બની ગયો અને જાતે જ બનાવેલી કહાનીને સાચી માનવી. મહિલા ઘરમાં હોય તો પ્રવૃત્તિમાં વ્યસ્ત હોવાથી શંકાની માનસિકતામાં કેલક્યુલેટિવ હોતી નથી, પણ સમય વગરની શંકા કરી શકે.
આજે પણ માનવીનો સ્વભાવ છે કે અનેક કહાનીઓ જાતે જ બનાવવાની અને સાચી પણ માની લેવાની. ફૉય પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યો અને ત્રીસીના દાયકામાં પ્રવેસેલી જવાનજોધ પત્ની માટે પણ જાતે જ કહાનીઓ બનાવવાની અને કોઈ પણ રીતે સાચી માનવાની.
સમય માપવામાં ફૉય એકદમ પાક્કો થવા લાગ્યો, તો કહાનીમાં નાનું ટ્વિસ્ટ આવે છે. બર્નાર્ડ ફૉયના ફ્લેટ પાસે એક લકવાગ્રસ્ત કલાકાર રહેવા આવે છે, જેની બહેન નેલી સાથે કામ કરે છે. તેના પેઇન્ટિંગને નેલી તેની બહેન પાસે પહોંચાડવા માટે મદદ કરે છે. નેલી નોકરી પરથી પરત આવીને કલાકાર પાસે જાય છે અને થોડી વાર રોકાઈ ફૉય પાસે આવે એટલીવારમાં શું શું થઈ શકે તેનો અંદાજ ફૉય મૂકતો જાય છે. ચિત્રોમાં દોરવામાં આવતી મહિલા તેની નર્સ છે કે અન્ય કોઈ એવી ચર્ચા ફૉય પત્ની સાથે જમતી વેળા કરતો જાય છે. નેલી સમજુ છે, તે ફૉયની સ્થિતિ સમજે છે અને શાંતિથી અને ધીરજ રાખીને જવાબ આપે છે. બર્નાર્ડ ફૉય જાતજાતના પ્રશ્નો પૂછે છે અને કંટાળીને નેલી તેની બહેનપણીને મદદ કરવાની ના પાડે છે. આસપાસના લોકો વાતો કરે છે, જેવા બહાના હેઠળ નેલી દૂર રહેવાની કોશિષ કરે છે.
સંજોગોવશાત નેલી એકવાર કલાકારના ઘરે જાય છે, કલાકાર તેને બાહોમાં જકડીને ચુંબન કરવાની કોશિષ કરે છે અને તે ધક્કો મારવા જાય છે અને બર્નાર્ડ ફૉય મિનીટો ગણવાના ચક્કરમાં આવી જાય છે. પત્ની મુક્ત થવા ઇચ્છે છે એ જોઈ પાછો વળીને બજારમાં ખરીદી કરવા માટે ચાલ્યો જાય છે. પત્ની ઘરમાં જાય છે. બર્નાર્ડ ફૉયને હવે સમજાય છે કે પત્ની પર વિશ્વાસ મુકવા જેવો હતો. નિર્દોષ અને સમજદાર મહીલા માટે સન્માન રાખવાની જરૂર હતી. ઘરે જઈને માફી માંગી વાત ભૂલાવી દેશે અને પત્ની સાથે ઘરસંસાર ફરી મજબૂત કરી દેશે. ઘરમાં જાય છે અને જુએ છે કે પત્નીએ હાથની નસ કાપીને આત્મહત્યા કરી છે અને પોતે ઉંઘની દશ ગોળીઓ લઈ કાયમ માટે સૂઇ જાય છે.
અદભૂત કહાની એટલા માટે યાદ આવે છે કે આ વાત સામાન્ય નાગરિકોને લાગુ પડે છે. નોકરીના શોષણ, ઘરખર્ચ, બાળકોને ભણાવવા, પરણાવવા અને કદાચ તે પછી પણ તેમની જરૂરિયાત પુરી કરવામાં મદદ કરવી.... આ સરેરાશ ભારતીય કહાની છે, જેની મહિલાઓ નેલી જેવી નખશિખ અને પ્રામાણિક છે. બહાર કામ કરતી મહિલા માટે ઘરમાં થતો માનસિક ત્રાસ તો અત્યંત કરૂણ હોય છે. શંકાશીલ પુરુષોને જવાબથી ક્યારે સંતોષ થતો જ નથી. એક તરફ ઘરખર્ચ, બાળકોની કરિયર અને સતત શંકાની નજરો....કોનો ફોન હતો, શા માટે ઓફીસથી ફોન આવ્યો? ઓફીસથી ઘરે પહોંચતા તો માત્ર દશ મિનીટ થાય તો ત્રીસ મિનીટ કેમ થઈ? સહકર્મચારીઓ કોણ છે, કોની બર્થડે હતી? તે પુરુષ છે કે મહિલા? અધધધધ....
આ કરુણ અંત દરેક ભારતીય પરિવાર માટે નથી હોતો પણ સરેરાશ ભારતીય મહિલા આ કરૂણ અંતની ઘટનાઓની નજીકથી તો પસાર થાય છે.
આપણો હાઇવે નાના નાના સુખોનો માર્ગ છે, જો શંકા કુશંકા કે નાની નાની બાબતોમાં વિવાદ કરવા જઇશું તો મળેલા માર્ગમાં પણ ભૂલો પડી શકે છે. લાઇફલાઇન એ કોઇ ગૂગલે દોરેલો રસ્તો નથી કે ક્યો વળાંક ક્યારે આવશે એની સુચના આપે રાખે અને કદાચ માર્ગ ચૂક્યા તો ફરી ક્યાથી વળવું તે કહે. જિંદગી ગૂગલ નથી, જેના સત્યો સર્ચ કરી શકાય. જિંદગી આઉટ ઓફ બોક્સ તો પછી શોધવાની છે, પહેલાં ઇનબોક્સમાં જે ભેગું કર્યું છે એને માણવાનું છે. ઘરમાં આટલો કચરો કેમ છે એવું પૂછતાં પતિને પત્ની ક્યારેય હિંમત પૂર્વક કહી શક્તી નથી કે બહુ કચરો લાગતો હોય તો સ્લીપર પહેરીને ફરો....વાંક શોધવો એ પતિધર્મ અને કોઈ પણ રીતે વાંકમાં નહીં આવવું એ પત્ની ધર્મ.... સંતાકુકડીની આ રમત એ ધ ડોરની નેલી છે. એ તો છોડીને ચાલતી થઈ ગઇ પણ હજારો કરોડો નેલીઓને બાલબચ્ચા પણ છે.
જિંદગીનો માર્ગ તો સમસ્યાઓના જંગલમાંથી બનાવવો પડતો હોય છે. અસંખ્ય ભારતીય નારીઓએ એકલેહાથે માર્ગ દોર્યો છે.
સોફા પર બેસવું હોય તો પુરુષ હમેશા ટેકો દઇને એકબાજુના ખૂણા પર જઇને જ બેસે. પુરુષને હમેશા સપોર્ટ જોઈએ. પુરુષ માટે અધવચ્ચે જીવનસાથી ચાલ્યું જાય તો કરોડરજ્જુ તૂટી જાય. ટેકા વગર તે જીવી શક્તો નથી પણ આ જ સોફા પર સ્ત્રી હમેશા વચ્ચે જ બેસીને નિર્ણય લઈ શકે. સ્ત્રી તો ભગવાનની અદભૂત રચના છે જે ટેકો આપી શકે. આપણી નજર સમક્ષ હજારો સ્ત્રીઓ પોતાના પરિવારને ભણાવીને સક્ષમ બનાવ્યું હોય એવા દાખલા છે.
મૂળ ભારતીય કથાકન મુજબ રાજા અગ્નિમિત્ર અવંતીની રાજકુમારી વાસવદત્તાને ભગાડી જાય છે, કોઈ રાજા તેના પર હુમલો કરીને રાજપાટ વગરનો કરી દે છે. પત્ની વાસવદત્તા પોતાના પ્રધાન સાથે યોજના બનાવી અગ્નિમિત્ર નું મગધના રાજાની દિકરી સાથે લગ્ન કરાવી આપે છે. અગ્નિમિત્ર મગઘની મદદથી પોતાનું રાજ મેળવે છે. અવંતિકા નામની પોતાના જ ઘરમાં દાસી બનેલી સ્ત્રી ને ઓળખી જાય છે અને રાજપાટ બધાં સાથે મળીને ભોગવે છે. વાત બહુ નાની છે પણ આ વીરતા અને દ્રઢતા નારીમાં છે કે ગુમાવેલું પરત મેળવી શકે....