/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/10-1.jpg)
કરજણ નદી પર નાંદોદ તાલુકો જે હવે નર્મદા જિલ્લા તરીકે ઓળખાય છે. ઉમાશંકર, તનમણિશંકર, ઉમેદરાય, મુકુન્દરાય એવા પુરુષ વર્ગના નામ અને, કૈલાશ, મહાલક્ષ્મી, સ્નેહલતા, કલાવતી અનસુયાગૌરી એવા સ્ત્રીઓના નામ હતા એ સમયની આ વાત છે.
રમણલાલ મોટર લાવ્યા. એમ્બેસેડર. ડ્રાયવર રાખ્યો ભીખુ. ભીખુ ચાર ચોપડી ભણી ઉઠી ગયો. ભણવામાં ચિત્ત ન ચોટ્યું, નાની મોટી નોકરી કરી, અઢાર-વિસનો થયો એટલે આદર્શ ડ્રાયવિંગ સ્કૂલમાં મોટર ચલાવતા શીખી ગયો. પાકું લાયસન્સ મળ્યું. રમણલાલનો લંગોટિયો ભાઇબંધ ચંપકલાલ. ચંપકલાલ તંબાકુ ખાય, ડબલ ચૂનો નાંખીને એટલે 'ચંપક ચૂનીયો' તરીકે ગામ આખું એને ઓળખે. એની આદર્શ ડ્રાયવિંગ સ્કૂલ.
રમણલાલે ચંપક ચુનિયાને કહ્યું, ‘‘અલા ચંચુ (ચંપક ચુનિયા) આપણી કોકીને મેડિકલમાં એડમિશન મળ્યું છે. મારે એને વડોદરા ગર્લ્સ હોસ્ટેલમાં રાખવી નથી. કોઈ ખાતરીનો ડ્રાયવર હોય તો મોકલ, રોજ કોકીને વડોદરા કોલેજ લઈ જાય અને પાછો લાવે, ચંપકે તરત જ ભીખુ ને રમણલાલને ત્યાં મોકલી આપ્યો.
કોકી એમ.બી.બી. એસ થઈ, ગાઇનોકોલોજીસ્ટ ડૉક્ટર બની. આટલા વર્ષો ભીખુ, કોકીને રોજ વડોદરા ,મોટર માં લઈ જઈ લાવતો. કોકી,ડૉ .કોકિલા બની રાજપીપળા માં પ્રસૃતિ ગૃહ ખોલ્યું.
એક દિવસ કોકીએ પિતા રમણલાલ આગળ ધડાકો કર્યો. મેં અને ભીખુ એ મંદિર માં લગન કરી લીધા છે.રમણલાલ જમાનાના ખાધેલા એમણે ભીખુને બોલાવીને કહ્યું, “ભીખુ આજથી તારૂં નામ ભીખુ નહિ પ્રકાશબાબુ”.
રાજપીપળામાં એ વખતે એકમાત્ર ડૉ કોકિલાબહેન પ્રકાશ મહેતાનું પ્રસૃતિ ગૃહ. દસમાંથી છ મહિલાઓની ડિલિવરી ડૉ કોકિલાબહેનના પ્રસૃતિ ગૃહ માં થતી જયારે પણ ડૉ કોકિલાબહેન કોઈ લગ્ન સમારંભમાં કે સામાજીક કાર્યક્રમોમાં જતા ત્યારે એમને ડિલીવરી કરાવે ત્યારે કહે, “જો બેટા, આ ડૉ કોકિલામાસી એમના પ્રસૃતિ ગૃહમાં તારો જન્મ થયો હતો”.
હું મારા પિતાનું ત્રીજું સંતાન મારી માતા સાથે એક લગ્નમાં ગયેલો, ત્યારે માતાએ ‘આ ડૉ.કોકીલામાસી’ કહી, મારી ઓળખાણ કરાવેલી એ જમાનામાં અને આજે પણ ડૉકટરની પત્ની ડૉક્ટર હોય એવું નવ્વાણું ટકા કિસ્સામાં બનતું એટલે મારુ મન ચકરાવે ચઢ્યું. મેં ઘરે આવી પિતાશ્રીને પૂછ્યું, ''આ ડૉ કોકિલાબહેન છે એમના પતિ પ્રકાશબાબુ એ પણ ડોક્ટર જ છે ને! ''
પિતાજી કહે ‘‘આપણે ત્યા બચીયો હતો ને,’ તેનો મોટો ભાઇ ભીખુ. એ જ પ્રકાશ બાબુ. ચાર ચોપડી ભણી ઉઠી ગયેલો, '' તો પછી ભીખુ માંથી પ્રકાશબાબુ કેવી રીતે બની ગયો? અને કોકીલામાસીનો હસબન્ડ? પિતાજી કહે, આમ આવ, અહીં બેસ, હું તને વિગતે સમજાવું.
આ તારા કોકિલામાસી એટલે અમારી કોકી, રાજપીપળાથી વડોદરા ડોક્ટરનું ભણવા મોટરગાડીમાં જતી, એ મોટરગાડી ચલાવતો ભીખુ, આજનો પ્રકાશબાબુ ઘરે થી કોકી મોટરની પાછલી સીટ પર બેસતી. જેવી મોટરગાડી રાજપીપળાની સીમ વટાવે ને કે કોકી આગળની સીટ પર ભીખુની બાજુમાં ગોઠવાય જતી. મેં પૂછ્યું “આગલી સીટ પર બેસવાથી ભીખુ માંથી પ્રકાશબાબુ કેવી રીતે બની જવાય ?'' બેટા ! હી ઇઝ અ સ્માર્ટ ડ્રાયવર. ગાડી હંકારતી વખતે ગાડીનો હૉર્ન ક્યારે વગાડવો અને ક્યારે સાયલન્ટ હૉર્ન પર હાથ ફેરવવો એમાં એ માસ્ટર હતો. આટલું બોલી પિતાએ બીડી સળગાવી.