અમદાવાદનાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાંથી 1.5 કરોડના દાગીનાની દિલધડક લૂંટ

New Update

પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે લઈ લૂંટારૂઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી

અમદાવાદમાં સોમવારે સાંજે 1.5 કરોડના દાગીનાની દિલધડક લૂંટની ઘટના સામે આવી છે. કાલુપુર વિસ્તારમાં આવેલા અમદુપુરા બ્રિજ પાસેથી એક્ટિવા પર પસાર થતા માણેકચોકના જ્વેલર્સના બે કર્મચારીઓના વાહનને નીચે પાડી દઈને બાઈક પર આવેલા બે અજાણ્યા શખસો પાંચ કિલો સોનાના દાગીના ભરેલો થેલો ઝૂંટવી લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

publive-image

અમદાવાદનાં માણેકચોકમાં કિરણ જ્વેલર્સ નામે સોનાચાંદીના દાગીનાની દુકાન ધરાવતા રમેશભાઈ પોખરાણાને ત્યાં કામ કરતો પીટર સોની અને ગોવિંદ પટેલ નરોડામાં એક જ્વેલર્સને દાગીના બતાવવા માટે ગયા હતા.

સાંજના સમયે દાગીના બતાવી પીટર અને ગોવિંદ એક્ટિવા લઈને માણેકચોક ખાતેની દુકાને આવવા માટે નીકળ્યા હતા. તેવામાં કાલુપુર અમદુપુરા બ્રિજ એસટી બસ સ્ટેન્ડ પાસે પહોંચતા એક બાઈક પર આવેલા બે શખસોએ તેઓ કંઈ સમજે તે પહેલા બાઈક ચલાવતા શખ્સે એક્ટિવાને લાત મારતા બંને નીચે પટકાયા હતા.

બાદમાં બીજા શખ્સે એક્ટિવામાં પગ પાસે મુકેલા સોનાના દાગીના ભરેલો થેલો ઝૂંટવી લીધો હતો. બાઈક લઈને બંને શખ્સો કાલુપુર બ્રિજ તરફ નાસી છૂટ્યા હતા. આ બાબતે તેમણે તેમના શેઠ રમેશભાઈ પોખરાણાને અને પોલીસને જાણ કરી હતી.

જ્વેલર્સના માલિકના જણાવ્યાનુસાર થેલામાં રૂા. દોઢ કરોડથી વધુ કિંમતના પાંચ કિલો વજનના સોનાના દાગીના હતા. પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

Latest Stories