આજે IPL ફાઇનલઃ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે જામશે જંગ

New Update
આજે IPL ફાઇનલઃ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે જામશે જંગ

મુંબઈ અને ચેન્નાઈએ ત્રણ-ત્રણ વખત આઈપીએલ ટાઈટલ જીત્યા

આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 12મી સિઝનમાં રવિવારે રમાનારી ફાઈનલમાં ટુર્નામેન્ટની બે સફળ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે જંગ જામશે. જોકે, ક્રિકેટના સૌથી સફળ સુકાનીઓમાં સામેલ એવા મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ ટીમ સામે રોહિત શર્માની મુંબઈ ટીમનો હાથ અધ્ધર રહેશે. મુંબઈની ટીમ ટાઈટલ જીતવા માટે દાવેદાર છે અને વર્તમાન ટુર્નામેન્ટમાં તે ચેન્નાઈને ત્રણ વખત પરાજય આપીને ફાઈનલમાં પહોંચી છે. જેમાં મંગળવારે રમાયેલી પ્રથમ ક્વોલિફાયરનો સમાવેશ પણ થાય છે. ફાઈનલનું પ્રસારણ રાત્રે 7.30 કલાકથી શરૂ થશે.

મુંબઈ અને ચેન્નાઈ વચ્ચેની ફાઈનલ હૈદરાબાદમાં રમાવાની છે. વર્તમાન સિઝનમાં હૈદરાબાદના મેદાન પર ત્રણ વખત 200થી વધુનો સ્કોર નોંધાયો છે. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં કુલ 399 રન નોંધાયા હતા. જ્યારે હૈદરાબાદ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની મેચમાં 379 રન નોંધાયા હતા. પિચ ક્યુરેટર વાયએલ ચંદ્રશેખર રાવે કહ્યું છે કે અમે વધુ એક વખત સારી વિકેટ તૈયાર કરી છે. આઈપીએલના ફોર્મેટના સ્ટાન્ડર્ડ પ્રમાણે શ્રેષ્ઠ વિકેટ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે. અગાઉની જેમ આ વિકેટ પણ સારી રહેશે.

મુંબઈ અને ચેન્નાઈએ ત્રણ-ત્રણ વખત આઈપીએલ ટાઈટલ જીત્યા છે. ચેન્નાઈએ 2010, 2011 અને 2018માં ટાઈટલ જીત્યા છે. જેમાં 2010માં તેણે ફાઈનલમાં મુંબઈને પરાજય આપ્યો હતો. જ્યારે મુંબઈની ટીમ 2013, 2015 અને 2017માં ચેમ્પિયન બની હતી. મુંબઈએ 2013 અને 2015માં ફાઈનલમાં ચેન્નાઈને હરાવ્યું હતું.

Latest Stories