/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/sdfdsf-5.jpg)
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા અને કાલોલ તાલુકાના ૨૫ ગામોમાં કરાડ ડેમની નહેરો દ્વારા ખેડૂતોને સિંચાઈના પાણી મળે છે. આ નહેરોમાં કાંપ જમા થઈ જવાના અને ઝાડી-ઝાંખરા ઉગી નિકળવાના કારણે પાણીના વહનમાં અવરોધ ઉભો થયો હતો. ખાસ કરીને બોરીયાવી હિલ ખાતે મોટા પથ્થરો પડવાથી આખી નહેર ચોક-અપ થઈ ગઈ હતી. સિંચાઈ વિભાગે પ્રિ-મોન્સૂન કામગીરી દરમિયાન આ નહેરોની સફાઈ કરવામાં આવતા છેવાડાના, કાલોલ તાલુકાના ગામોના ખેડૂતોમાં વિશેષ આનંદ વ્યાપી ગયો છે.
કરાડ ડેમ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામે વર્ષ ૧૯૫૬-૫૭ માં બાંધવામાં આવ્યો હતો. આ માટી પાળાનો બંધ ૯૭ ફૂટની ઉંચાઈ અને ૩૩૪૫ ફૂટ (૧,૦૨૦ મીટર) સાથે બાંધવામાં આવ્યો છે, જે ભારત જ નહિં એશિયાભરમાં પ્રથમ છે. બંધને કારણે લગભગ ૫૦ ચોરસ માઈલ વિસ્તારમાં જળાશય રચાયું છે. આ જળાશય ૧,૪૯૯ મીટર ઘનફૂટ પાણીની ક્ષમતા ધરાવે છે. આ જળાશય આધારિત ઘોઘંબા તાલુકાના ૧૧ અને કાલોલ તાલુકાના ૧૪ ગામોને સિંચાઈના પાણી મળી રહે તે માટે કરાડ સિંચાઈ યોજના અમલી બનાવી. કરાડ સિંચાઈ યોજના અંતર્ગત વર્ષ ૧૯૬૦-૬૧ માં ૨૫.૬૦ કિલોમીટરની મુખ્ય નહેર સાથે ૬૮.૧૧ કિલોમીટરની શાખા અને પ્રશાખા નહેરોની કામગીરી પણ કરવામાં આવી. જેનાથી આ બંને તાલુકાની ખેડાણ લાયક ૬૧૯૧ હેક્ટર જમીનને પિયતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ.
ઘોઘંબા અને કાલોલ તાલુકાના ૧૫૦થી વધુ ખેડૂતોએ આ નહેરની સફાઈ માટે રજૂઆત કરી હતી તેને ધ્યાને લઈ વહિવટી તંત્રએ વાચા આપી સમય મર્યાદામાં તેનો નિકાલ લાવતા ખેડૂતોએ સરકાર અને વહીવટી તંત્રનો આભાર માન્યો છે.
વ્યાસડા ગામના ઠાકોર વિરેન્દ્રસિંહ, ઠાકોર જયેન્દ્રસિંહ, રાબોડના ખેડૂત અને કાલોલ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ મયુર પટેલ, મલાવના માજી સરપંચ મનુભાઈ, સામાજિક કાર્યકર કેસુભાઈ, સહકારી આગેવાન ગોકુળભાઈ, હિંમતભાઈ અને અન્ય ખેડૂત આગેવાનોએ નહેર સફાઈની આ કામગીરીને બિરદાવી છે તેમજ સરકાર અને સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા એક માસ જેટલા સમયમાં પૂરી કરવામાં આવેલી કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે.