ગરૂડેશ્વર ટ્રાયબલ મ્યુઝિયમ માટી ચોરી મુદ્દે આવ્યો નવો વળાંક

New Update
ગરૂડેશ્વર ટ્રાયબલ મ્યુઝિયમ માટી ચોરી મુદ્દે આવ્યો નવો વળાંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેકટ ભારતનું પહેલું ટ્રાયબલ મ્યુઝિયમ ગરૂડેશ્વર ખાતે સર્વે નંબર 235/1/બ વાળી 1 લાખ હેકટર ચો.મી જમીન માંથી હજારો મેટ્રિક ટન માટી ચોરી થઈ ગઈ હોવાની માહિતી મળી હતી. જેથી ગાંધીનગરની આદિજાતી વિભાગના મુખ્ય કારોબારી અધિકારી ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી દ્વારા આ મામલે નર્મદા જિલ્લા કલેકટર અને પ્રયોજન વહીવટદારને 20/11/2018ના રોજ પત્ર લખી જાણ કરી હતી.

ત્યારબાદ નર્મદા જિલ્લા કલેકટરના આદેશ મુજબ નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને રેવન્યુ વિભાગે સંયુક્ત રીતે ધનિષ્ઠ તપાસ હાથ ધરતા ખાણ ખનીજ વિભાગના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી દીપેશ દિવેટિયાએ સર્વે કરી માપણી કરતા ત્યાંથી 475901.5558 મેટ્રિક ટન મળી કુલ 7,13,85,233 (સાત કરોડ તેર લાખ પંચ્યાસી હજાર બસ્સો તેત્રીસ) રૂપિયાની માટી ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું.જેથી ખાણ ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી દીપેશ દિવેટિયાએ ગરૂડેશ્વર પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

હવે આ તપાસમાં વધુ સત્ય જાણવા ગરૂડેશ્વર પોલીસ દ્વારા નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગ પાસે આ માપણી કોની હાજરીમાં માપણી કરાઈ છે એના ફોટો, ગુજરાત રાજ્યના આદિજાતિ વિભાગના ઉચ્ચ અધિકારી સિવાય કોઈએ આ મામલે પત્ર લખ્યો છે કે કેમ ? એની નકલ તથા ગરૂડેશ્વર ગ્રામ પંચાયતના તલાટી કે સરપંચ દ્વારા આ માટી પ્રકરણ સંદર્ભે પત્રો કે રજુઆત કરી છે કે નહીં ? સહિત અનેક સ્ફોટક માહિતી માંગી હતી. આ માહિતીના આધારે ખાણ-ખનીજ વિભાગે ગરૂડેશ્વર પોલીસને આ તમામ સ્ફોટક માહિતી ગરૂડેશ્વર પોલીસને સુપ્રત કરાઈ છે. આ પ્રકરણમાં એક ઉચ્ચ અધિકારી અને ભાજપના એક નેતાની સંડોવણી હોવાની ચર્ચાઓને લઈને નર્મદા પોલીસ તપાસના નામે માહિતીઓ મંગાવી કેસને લુલો કરવા માંગે છે કે પછી વધુ પુરાવા મેળવી માટી ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધે છે એ તો સમય જ બતાવશે.

નોંધનીય છે કે નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બહાદુર વસાવાએ આ પ્રકરણમાં નર્મદા જિલ્લાના તત્કાલીન કલેકટર સામે ગંભીર આક્ષેપો લગાવી CBI તપાસની માંગ કરી છે સાથે સાથે નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ પણ CBI તપાસની માંગ કરી છે.

મહિના સુધી માટી ચોરી થતી રહી અને તંત્રને એ કેમ ન દેખાયું.

ગાંધીનગર આદિજાતિ વિભાગે પત્રમાં એમ જણાવ્યું છે કે ટ્રાયબલ મ્યુઝિયમમાં ગેરકાયદેસર રીતે માટી ચોરી થઈ છે.એ વિસ્તાર પરથી રોજે રોજ નર્મદા જિલ્લાના અધિકારીઓની સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે અવરજવર થતી રહેતી હતી.તો શું એમને આ માટી ચોરી થતી દેખાઇ નહિ હોય કે પછી કોઈકની આમાં સંડોવણી હોવાથી અધિકારીઓએ આંખે પાટા બાંધ્યા હશે એ બાબત ચર્ચાનો વિષય બની છે.

Latest Stories