સરિતા ગાયકવાડના સન્માન સમારોહને લઈને જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાયેલી 18મી એશિયન ગેમ્સની એથ્લેટીકસ (4*400 રીલે દોડ)માં સુવર્ણ પદક જીતનારી ગોલ્ડન ગર્લ કુ.સરિતા ગાયકવાડનો આવતી કાલે ડાંગ ખાતે સન્માન સમારોહ યોજાશે. સાથે યોજાનારી શોભાયાત્રાના ભવ્ય આયોજન માટે ડાંગ જિલ્લા કલેકટર બી.કે.કુમારની અધ્યક્ષતામાં બેઠક યોજયી હતી. જેમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, એશિયન ગેઇમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી ભારતનું, ગુજરાતનું ગૌરવ વધારનારી ડાંગની દીકરી સરિતા ગાયકવાડે વિશ્વમાં ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. તેના સન્માનમાં કોઇ કચાશ ન રહી જાય તેવું આયોજન કરાયું છે. તો સરિતા ગાયકવાડને સન્માનવા માટે ડાંગ જિલ્લામાં અનેરો ઉત્સાહ અને લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.
આવતી કાલે તારીખ 8 સપ્ટેમ્બર શનિવારનાં રોજ બપોરે 3 કલાકે સરકીટ હાઉસ ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. શોભાયાત્રા આહવા શહેરના મુખ્યમાર્ગ પર ફરશે.આ શોભાયાત્રામાં રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલ, વન અને આદિજાતિ વિકાસ રાજય મંત્રી રમણલાલ પાટકર, સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્ય મંગળભાઇ ગાવિત, જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી, નિવૃત અધિક મુખ્ય સચિવ એસ.કે.નંદા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
શોભાયાત્રાની પુર્ણાહુતિ ડાંગ દરબાર હોલ ખાતે કરવામાં આવશે. જ્યાં કુ.સરિતાનો સન્માન સમારોહ યોજાશે. આ સન્માન સમારોહમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ, અધિકારીઓ, સરપંચો તેમજ નાગરિકોને સહભાગી થવા જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો છે.